વલસાડથી ગોંડલ પહોંચે તે પહેલા જ ક્રાઇમ બ્રાંચે અધવચ્ચે જ ટ્રક આંતરી લીધો : દારૂ સહિત ૬૪ લાખનો મુદામાલ કબ્જે
અગ્ર ગુજરાત, રાજકોટ
કુવાડવા પાસેથી રૂ.53.68 લાખનો દારૂ ભરેલ આઈશર ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ઉત્તરપ્રદેશના શખ્સની ધરપકડ કરી હતી. વલસાડથી દારૂનો જથ્થો ભરી ગોંડલ પહોંચવાનું હતું, બુટલેગર કૌશિક પટેલ, સંજય પટેલ અને હાર્દિક પટેલ દારૂ ભરેલ ટ્રકનું પાયલોટિંગ કરતાં હોવાનું સામે આવતાં તેની શોધખોળ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે દારૂ અને બિયરના 13944 બોટલ-ટીન સહિત કુલ રૂ.64 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા દારૂ તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવાની આપેલ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી.ડોડીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીયા, રાજેશભાઈ જળુ અને વિશાલભાઇ દવેને અમદાવાદ તરફથી એક દારૂ ભરેલ ટ્રક રાજકોટ તરફ આવતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ કુવાડવા ગામ પાસે આવેલ ગુજરાત ગેસના પંપ નજીક રોડ પર વોચમાં હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ આઇસર ટ્રક નં. GJ-23-AW-5219 ને અટકાવી ટ્રક ચાલકની અટક કરી તેનું નામ પૂછતા બ્રજેશકુમાર રામશ્રય વર્મા (ઉ.વ.29, રહે.ઉત્તરપ્રદેશ ) જણાવ્યું હતું.
આરોપીને સાથે રાખી આઇસર ટ્રકમાં તપાસ કરતા તેમાં ચોખા ના ભુસાની આડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમને કુલ રૂ.53.68 લાખનો અલગ અલગ બ્રાન્ડનો દારૂ અને બિયરની 13944 બોટલ અને ટીન મળી કુલ રૂ.63.83 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી પૂછતાછ આદરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આઇસર ટ્રકમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો. પકડાયેલ શખ્સની પૂછતાછમાં દારૂનો જથ્થો વલસાડથી કૌશિક પટેલ, સંજય પટેલ અને હાર્દિક પટેલ નામના બુટલેગરોએ ભરી આપ્યો હતો. દારૂનો ટ્રક વલસાડથી નીકળ્યા બાદ કૌશિક પટેલ કારમાં આગળ પાયલોટિંગ કરતો હતો. તેમજ હાર્દિક પટેલ અને સંજય પટેલ કારમાં ટ્રકની પાછળ પાછળ આવી પાયલોટિંગ કરી રહ્યા હતા.
જે દારૂનો જથ્થો ભરેલ ટ્રક ગોંડલ પહોંચ્યા બાદ તેઓ તેમને વોટ્સએપ કોલથી આગળ કયા માલ પહોંચાડવાનો છે તે અંગે માહિતી આપવાના હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે નાસી છૂટેલા ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.


