ત્રણ લુખ્ખાઓએ ખુરશીથી હુમલો કરી માથું ફોડી નાખ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
કુવાડવા વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરી વધુ એક વખત સામે આવી છે. મફતમાં નાસ્તો કરી પૈસા ચૂકવવાનું ટાળનાર ત્રણ શખ્સોએ દાળ-પકવાન વેચતા ધંધાર્થીને જાહેર રસ્તા પર માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. હુમલામાં વેપારીનું માથું ફૂટતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસે વસીમ, સલીમ અને હાર્દિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ફતેસિંહ ગોમસિંહ રાવત (ઉં. 40, રહે. શ્રીનાથ પાર્ક, કુવાડવા ગામ, તા. જિ. રાજકોટ) ગઈકાલે બપોરે અંદાજે 3:30 વાગ્યાના સમયે આર.કે. બાર ઇન્ડસ્ટ્રીઝ નજીક, કુવાડવા–વાંકાનેર રોડ પર સણોસરા પાટીયા પાસે પોતાની દાળ-પકવાનની રેકડી ચલાવી રહ્યા હતા. તે દરમિયાન સલીમ, વસીમ અને હાર્દિક નામના ત્રણ શખ્સો રેકડી પર આવ્યા હતા અને નાસ્તો કર્યા બાદ પૈસા આપ્યા વિના ટાળટૂળ કરવા લાગ્યા હતા. ફતેસિંહે પૈસા માંગતા આરોપીઓ ઉશ્કેરાયા હતા. “તારી પાસે લાઇસન્સ છે કે નહીં?” તેમ કહી બોલાચાલી શરૂ કરી અને ગાળો આપી ઝઘડો કર્યો હતો. બાદમાં રેકડી પાસે રાખેલી પ્લાસ્ટિકની ખુરશીઓ ઉઠાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વસીમે ખુરશી વડે ફતેસિંહના માથાના પાછળના ભાગે જોરદાર ઘા મારતા લોહી નીકળવા લાગ્યું હતું.
મધ્યસ્થી કરવા આવેલા તેમના સગા ભાઈ ભગવાનસિંહ ગોમસિંહ તથા ભત્રીજા દલપતસિંહને પણ આરોપીઓએ ઢીંકા-પાટાનો માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં દલપતસિંહે તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત ફતેસિંહને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આ ત્રણેય શખ્સો રેકડી પર આવી નાસ્તો કરીને પૈસા આપ્યા વિના જતા રહેતા હતા. ઘટના બાદ આરોપીઓએ “ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી પણ આપ્યાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. જાહેર રસ્તા પર ધંધાર્થી પર થયેલા આ હુમલાથી સ્થાનિક વેપારીઓમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.


