- CM પિનરાઈ વિજયનની કેબિનેટની ઈમરજન્સી બેઠકમાં નિર્ણય
- કેરળવાસીઓના મૃતકના પરિવારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય
- ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત
કુવૈત અગ્નિકાંડને લઇ કેરળ સરકારે મૃતક પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. કેરળ સરકારે ગુરુવારે કુવૈત દુર્ઘટનામાં માર્યા ગયેલા કેરળવાસીઓના પરિવારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
દક્ષિણ કુવૈતના મંગાફ વિસ્તારમાં બુધવારે એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 49 વિદેશી કામદારો માર્યા ગયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર મૃતકોમાં 40 ભારતીયો છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આજે સવારે કેબિનેટની ઈમરજન્સી બેઠકમાં આ નિર્ણય લીધો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેરલ સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર આ ઘટનામાં કેરળના 19 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે કેબિનેટે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જને તાત્કાલિક કુવૈત મોકલવાનો અને મૃતકોના મૃતદેહોને ભારત પરત લાવવાના પ્રયાસોનું સંકલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ આર્થિક મદદ તેમને ‘નોરકા’ દ્વારા આપવામાં આવશે અને આ ઘટનામાં મૃત્યુ પામેલા રાજ્યના દરેક વ્યક્તિના પરિવારને બંને ઉદ્યોગપતિઓની મદદથી 12 લાખ રૂપિયા આપવામાં આવશે. દરમિયાન, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લગભગ 40 ભારતીયોના મૃતદેહોને વહેલા પરત મળે તે સુનિશ્ચિત કરવા માટે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ ગુરુવારે કુવૈત પહોંચ્યા હતા.


