- દિવાળી વેકેશનમાં લોકો બગીચામાં ફરવા આવશે
- પંચાયત તંત્ર ઘાસ કાપાવી સાફ સફાઇ કરાવે તે જરૂરી
- વ્યક્તિઓ બગીચામાં લોન વાળી ઘાસમાં પણ ચાલવા માટેની ઈચ્છા
શિયાળાની ઋતુને લઈ ચાલવા જનારાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તદ ઉપરાંત એક અઠવાડિયા પછી દિવાળી વેકેશનના કારણે બગીચામાં હરવા – ફરવા જવા માટે સૌ કોઈ ઈચ્છા કરશે. પરંતુ તેમ છતાં સંખેડા ગ્રામ પંચાયત તંત્રએ પંચવટી બગીચામાં સાફ્- સફાઇ હાથ ન ધરતા નગરનો એકમાત્ર આ બગીચો બિસ્માર જોવા મળી રહ્યો છે.
શિયાળાના આગમનને લઈ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ સૌ કોઈને થઈ રહયો છે ત્યારે આ ઠંડીના માહોલમાં શરીરને તંદુરસ્ત રાખવા માંગતા નાગરિકો દરરોજ સવાર – સાંજ નિયમિત રીતે ચાલવાનું શરૂ કરી દીધું છે. આ વ્યક્તિઓ બગીચામાં લોન વાળી ઘાસમાં પણ ચાલવા માટેની ઈચ્છા રાખે છે. પરંતુ સમગ્ર પંચવટી બગીચામાં ઘાસ ઊગી નિકળેલ હોય ચાલવું મુશ્કેલ છે . જ્યારે બીજી તરફ્ વેકેશન અને દિવાળી પર્વને લઈ બગીચામાં જનારાઓ જેમાં ખાસ કરીને નાના બાળકોને મનોરંજન માટે ગોઠવાયેલ રમત – ગમતના સાધનો ઉપર મોજ – મસ્તી કરવા માટેનું મન ( શોખ ) થશે પણ જે ફ્ળીભૂત નહીં થાય કારણ કે આ મનોરંજનના દરેક સાધનોની આસપાસ મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નીકળેલ છે. આવી જ પરિસ્થિતિ વુધ્ધજનો માટે પણ ઊભી થશે તેઓ બાંકડાઓ ઉપર બેસવાનું મન બનાવશે પણ જેની હાલત પણ મનોરંજનના સાધનોની જેમ હોય તેઓ પણ જેની ઉપર બેસી શકશે નહીં. ટૂંકમાં સંખેડા નગરનો એકમાત્ર આ બગીચો સાફ્ – સફાઇના અભાવે બિસ્માર બની ગયો છે. ત્યારે સંખેડા ગ્રામ પંચાયત બગીચા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી વહેલી તકે સાફ્ – સફાઇ હાથ ધરાવે તે ખૂબ જરૂરી છે .


