- તડકાના અભાવે દીવા સુકાઇ નહીં શકતા હોવાને કારણે પણ સમસ્યા વધી
- દીવાની માગમાં ઓચિંતા વધારા બાદ કિંમતમાં પણ બમણાથી વધુની વૃદ્ધિ
- દીવા ખરીદવાથી માંડીને સાજ-સજ્જાનો સામાન ખરીદવા માટે બજારમાં ભીડ ઉમટી
રામ મંદિરના ભવ્ય ઉદઘાટન પ્રસંગે દેશભરમાં દિવાળી જેવી ઉજવણીની તૈયારી ચાલી રહી છે. રામભક્તોએ ભગવાન શ્રીરામની મૂર્તિ અને ફોટો સહિતની ખરીદીની તૈયારી શરૂ કરી છે. દીવા ખરીદવાથી માંડીને સાજ-સજ્જાનો સામાન ખરીદવા માટે બજારમાં ભીડ ઉમટી રહી છે. તેવામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને કારમે દીવાની માગમાં વધારો થયો છે. દિવાળીનું પર્વ ન હોવા છતાં સમગ્ર દેશમાં દીવાની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. શહેરોની હાલત એ છે કે કારીગરો દીવાનો ઓર્ડર પૂરો કરવામાં સમર્થ જણાઇ રહ્યા નથી. માર્કેટમાં દીવાની કિંમત પણ બમણી થઇ ગઇ છે તેમ છતાં કારીગરો માટે ઓર્ડર પૂરો કરવો મુશ્કેલ બની રહ્યો છે. બજારમાં માટીનો સામાન્ય દીવો જે પહેલા એક કે બે રૂપિયામાં મળતો હતો તે હવે સીધો પાંચ રૂપિયામાં વેચાઇ રહ્યો છે. દીવા તૈયાર કરતા કારીગારોના અનુસાર દીવાળી પર તેઓ છ મહિના પહેલા જ તૈયારી શરૂ કરી દે છે. પરંતુ હાલ દીવાની માગમાં ઓચિંતો વધારો થયો છે. છેલ્લા એક મહિનાથી તેમને ઓર્ડર મળી રહ્યા છે. જેના માટે તેઓ તૈયાર નહોતા જેના કારણે મુશ્કેલી વધી છે. ઉપરાંત હાલ તડકો પણ નથી પડી રહ્યો. તડકો નહીં પડવાને કારણે દીવા સુકાઇ રહ્યા નથી. અનેક સ્થળોએ માટીની પણ અછત જોવા મળી રહી છે.
ભગવાન મહાકાલના લાડુ અયોધ્યા જશે, પાંચ લાખ પેકેટ તૈયાર કરાશે
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભમાં ઉજ્જૈનના બાબા મહાકારના લાડવાનો પ્રસાદ અયોધ્યા મોકલાઇ રહ્યો છે. લાડવા મોકલવા માટેની તૈયારી પણ જોરશોરથી ચાલી રહી છે. મંદિર દ્વારા લાડુના નિર્માણ માટે કારીગરો વધારી દેવાયા છે. 16 જાન્યુઆરી પહેલા આ લાડવાને ત્રણ ટ્રકમાં અયોધ્યા મોકલાશે. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે મહાકાલ મંદિરથી પાંચ લાખ લાડુનો પ્રસાદ મોકલવાનો નિર્ણય કરાયો હતો. જેને ધ્યાનમાં રાખીને મહાકાલ મંદિર પ્રબંધ સમિતિ દ્વારા લાડુનો પ્રસાદ તૈયાર કરાવાઇ રહ્યો છે.પાંચ લાખ લાડુ માટે પાંચ લાખ પેકેટ તૈયાર કરાવાઇ રહ્યા છે. પહેલા લાડુ તૈયાર કરવા 80 કારીગરોને કામે લગાવાયા હતા હાલ 20 કારીગર વધારી દેવાયા છે.


