- તળાવોમાં રોજનું 130 કરોડ લિટર ટ્રીટેડ વોટર ઠલવાશે
- બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ બોર્ડનો નિર્ણય
- હોટેલમાલિકોની ડિસ્પોઝેબલ ડિશો તરફ વળવા વિચારણા
કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં જળસંકટ હળવું કરવા બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ બોર્ડે (BWSSB) સુકાઇ રહેલા તળાવો ટ્રીટેડ વોટરથી ભરવાનો નિર્ણય લીધો છે. બેંગલુરુમાં 50 ટકા બોરવેલ સુકાઇ ગયા છે. આ સ્થિતિમાં તળાવોમાં રોજનું 130 કરોડ લિટર ટ્રીટેડ વોટર ઠાલવવામાં આવશે. BWSSBના અધિકારીઓના જણાવ્યાનુસાર રિસ્ટોર કરાયેલા તળાવો નજીક ઇનોવેટિવ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વોટર પ્લાન્ટ ઊભા કરાશે તથા ફિલ્ટર બોરવેલ બનાવાશે. BWSSBના ચેરમેન રામપ્રસાદ મનોહરે કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISc) સાથે મળીને આ પહેલ હાથ ધરવામાં આવી છે. તેનાથી સિસ્ટમમાં રોજનું બે-ત્રણ કરોડ લિટર વોટર ઉમેરાશે. સિંચાઇ વિભાગ દ્વારા આ રીતે કોટા લૅકમાંથી વોટર ટ્રીટ કરીને દેવનહલ્લીમાં વોટર સપ્લાય કરી રહ્યો છે, જ્યાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. પ્લાનના ભાગરૂપે શરૂઆતમાં બેલ્લાંદુર, વરથુર, નયનદહલ્લી, હેરોહલ્લી, અત્તુર અને જક્કુરના તળાવો રિફિલ કરાશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ બેંગલુરુ શહેરમાં રોજના 210 કરોડ લિટર નળના પાણીની જરૂરિયાત છે, જેમાંથી 145 કરોડ લિટર પાણી કાવેરી નદીમાંથી આવે છે. જળાશયોમાં જુલાઇ સુધી ચાલે તેટલું પૂરતું પાણી છે. દરમિયાન, કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન અને બેંગલુરુના ડેવલપમેન્ટ માટેના ઇનચાર્જ ડીકે શિવકુમારે કહ્યું કે શહેરમાં વોટર માફિયા પર સકંજો કસવા રાજ્ય સરકારે પાણીના પ્રાઇવેટ ટેન્કર સ્વહસ્તક લઇ લીધા છે. શહેરમાં 50 ટકા જેટલા બોરવેલ સુકાઇ ગયા છે. અમે શહેર બહારના સ્ત્રોતોમાંથી વોટર સપ્લાય માટે હજારો પ્રાઇવેટ વોટર ટેન્કરો અંકુશમાં લઇ લીધા છે. આ ઉપરાંત ઉપયોગમાં ન લેવાતા દૂધના ટેન્કરોનો પાણીના ફેરા માટે ઉપયોગ કરાશે. ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં 14,700માંથી 6,997 બોરવેલ સુકાઇ ગયાના અહેવાલ છે અને ઉનાળાના મહિનાઓમાં શહેરમાં જળસંકટ વકરે તેવી શક્યતા છે.
હોટેલમાલિકોની ડિસ્પોઝેબલ ડિશો તરફ વળવા વિચારણા
બેંગલુરુમાં પાણીની તંગીને પગલે શહેરના હોટેલમાલિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેમનું કહેવું છે કે ઉનાળો શરૂ થઇ ચૂક્યો છે ત્યારે જ પાણીની અછતને કારણે હોટેલ બિઝનેસમાં ઘણી મુશ્કેલી ઊભી થઇ છે, કેમ કે અમારે સફાઇમાં, રસોઇ બનાવવામાં તથા પીવા માટે પાણીની પુષ્કળ જરૂર પડે છે. મોટાભાગની હોટેલ્સ વોટર સપ્લાય માટે ટેન્કરો પર નિર્ભર છે. તેમને રોજના 3-4 ટેન્કર જેટલા પાણીની જરૂર પડતી હોય છે અને ટેન્કરના ભાવ પણ 800 રૂપિયાથી વધીને 1,600-1,700 રૂપિયા થઇ ગયા છે. અમે કસ્ટમરોને ફૂડ સર્વ કરવા માટે ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.


