ભારતમાં એવાં ઘણાંય પ્રાચીન મંદિરો છે જેનો પોતાનો ગૌરવવંતો ઈતિહાસ છે. તો આ પૈકીના એક પ્રાચીન મંદિરની વિશેષ નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવામાં આવી છે. આ પ્રાચીન મંદિરનું નામ `આટ્ટુકાલ ભગવતી’ છે.
મૂળ આ મંદિર કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં આવેલું છે. મૂળ આટ્ટુકાલ ભગવતી માતાનું મંદિર તિરુવનંતપુરના દક્ષિણ-પૂર્વ દિશામાં આટ્ટુકાલ નામના ગામમાં બનેલું છે. આ મંદિરને લઇને એવી માન્યતા છે કે, અહીં ભગવતી માતાનાં દર્શનમાત્રથી જ કળિયુગના તમામ દોષોનો નાશ થઇ જાય છે. આ મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને અહીં ભગવતી માતાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ભારતભરમાંથી અને અન્ય દેશોમાંથી પણ આવે છે. અહીં `પોંગલ’ નામનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ ઉત્સવ દ્રવિડ સમુદાય માટે ખૂબ જ મહત્ત્વનો ઉત્સવ માનવામાં આવે છે.
આટ્ટુકાલ ભગવતી મંદિરને `મહિલાઓના શબરીમાલા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આટ્ટુકાલ ભગવતી મંદિર સુપ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરથી માત્ર બે કિમીના અંતેર જ આવેલું છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે આટ્ટુકાલ ભગવતી માતા શ્રી મહાકાળી માતાના અવતાર હતાં. આ મંદિર વિશે કેટલીક કિંવદંતી પ્રચલિત છે, જે નીચે પ્રમાણે છે.
એક કિંવદંતી પ્રમાણે દેવી ભગવતી એક ખૂબ જ જાણીતા મુલ્લુવિટ્ટિલ પરિવારના એક પરમ ભક્તના સપનામાં પ્રગટ થયા હતા. સપનામાં દેવી ભગવતીએ તે ભક્તને ત્રણ પંક્તિઓની સાથે ચિહ્નિત એક પવિત્ર સ્થાન પર એક કાવુ (ઝાડીઓનું પવિત્ર મેદાન)ની પાસે એક મંદિર બનાવવા કહ્યું અને તેમણે વર્ષો સુધી આ મંદિરની દેખભાળ કરી અને સમયાંતરે તેની સમારકામ પણ કર્યું. તેમણે અહીં દેવીની એક ભવ્ય મૂર્તિ પણ પ્રસ્થાપિત કરી હતી. એક લોકવાયકા પ્રમાણે અહીં દેવીનો અભિષેક બદ્રિનાથ મંદિરના મુખ્ય પૂજારીએ કર્યો હતો. લોકકથામાં જણાવ્યા અનુસાર આટ્ટુકાલ ભગવતી મહાકાળી માતાના અવતાર હતાં.
આશ્ચર્યની વાત એ છે કે, આ મંદિરના દેવતાનો સંબંધ તમિલ સાહિત્યના પ્રથમ મહાકાવ્ય સિલપ્પાતિકરમ (નૂપુરની વાર્તા)ના રચયિતા ઇલંગો અડિગલ (એક સમયના સન્માનિત તપસ્વી રાજકુમાર)સાથે છે. એક એવી પણ માન્યતા છે કે, દેવી આટ્ટુકાલ ભગવતી સિલપ્પાતિકરમની નાયિકા કન્નગીનું દિવ્ય રૂપ છે.
અન્ય એક દંતકથા પ્રમાણે કન્નગીના વિવાહ એક ધનિક વ્યાપારીના પુત્ર કોવલન સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ તેની મુલાકાત માધવી નામની એક નર્તકી સાથે થાય છે. સમય જતાં કોવલન તેની તમામ સંપત્તિ તેના પર લૂંટાવી દે છે. અંતે તે સઘળું હારીને પાછો કન્નગી પાસે જાય છે. હવે આ દંપતી પાસે માત્ર ઝાંઝર જ રહે છે. તેથી આમાંથી એક ઝાંઝર વેચીને ગુજરાન ચલાવવાની ઇચ્છા કોવલન કરે છે. જ્યારે કોવલને મદુરેમાં ઝાંઝર વેચવાનું શરૂ કરે છે ત્યારે તેને ત્યાંના લોકો ચોર સમજી લે છે અને તેને મારવા લાગે છે, કારણ કે તે ઝાંઝર ત્યાંની રાણીના જેવું જ લાગતું હોય છે, તેથી રાજાના સૈનિકો તેની ધરપકડ કરીને તેનું મસ્તક કાપી નાખે છે. આ સમાચાર સાંભળતાં જ કન્નગી રાજાના મહેલમાં ઘૂસી જાય છે અને તેનું બીજું ઝાંઝર રાજા સમક્ષ તોડે છે અને તેમાં માણેક લગાડેલા જોવા મળે છે! પરંતુ રાણીનાં ઝાંઝરમાં તો મોતી લગાડેલાં હતાં, તેથી રાજા ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઇ જાય છે. પોતાના પતિનું આ રીતે મસ્તક કાપી નાખવાનું ફરમાન આપતા રાજાને કન્નગી શાપ આપે છે! ત્યારબાદ કન્નગી કેરલ પહોંચે છે અને તે કોડુંગલ્લુર જાય છે, ત્યારે આટ્ટુકાલમાં રોકાય છે. આવી રીતે મંદિરને લઇને કેટલીક દંતકથાઓ છે. નોંધનીય છે આવી દંતકથાઓને લઇને આ મંદિરને તિરુવનંતપુરમના સૌથી પ્રતિષ્ઠિત મંદિરો પૈકીનું એક મંદિર ગણવામાં આવે છે.
કેરલ અને તમિલ વાસ્તુકલાની શૈલીથી કંડારેલા આ મંદિરમાં મહિષાસુરમર્દિની, દેવી કાલી, રાજરાજેશ્વરી, દેવી પાર્વતી, ભગવાન શિવ અને અન્ય દેવી-દેવતાઓની કલામય આકૃતિઓ જોવા મળે છે. ઉપરાંત અહીં દશાવતારની કથાનાં વિભિન્ન દૃશ્યો પણ કંડારવામાં આવ્યાં છે. મંદિરના ગોપુરમમાં બંને તરફ કન્નગીની વાર્તાને પણ કંડારવામાં આવેલી છે.
આ મંદિરમાં દેવીની બે મૂર્તિઓ છે અને મૂળ મૂર્તિને પથ્થરોથી જડેલા સજાવટી સોનાથી ઢાંકવામાં આવી છે. જ્યારે અન્ય એક મૂર્તિને તેની બાજુમાં જ સ્થાપિત કરવામાં આવી છે. શરૂઆતમાં મંદિરની દેખરેખ એક પારિવારિક સમૂહ કરતો હતો, જેમાં મોટાભાગના જમીનદારો હતા. જોકે, 20મી સદી આવતાં આ મંદિર સાર્વજનિક મંદિર થઇ ગયું.
આ મંદિરની મુખ્ય ઓળખ અહીં ઊજવાતો તહેવાર છે, જેને `આટ્ટુકાલ પોંગલ’ કહેવામાં આવે છે. આ તહેવાર કુલ દસ દિવસ સુધી ચાલે છે. મલયાલમ કેલેન્ડરના પ્રમાણે મકરમ-કુંભમ (ફેબ્રુઆરી-માર્ચ)ના મહિનામાં આ તહેવાર આવતો હોય છે. અલબત્ત, કેરલના સૌથી લોકપ્રિય તહેવારમાં આ તહેવારનો સમાવેશ થાય છે. આ પોંગલ તહેવારની પણ આગવી વિશેષતા છે.
કથાઓમાં જણાવ્યા પ્રમાણે કન્નગી તેના પતિનું મસ્તક કપાયા બાદ તે વિસ્તાર છોડીને આટ્ટુકાલમાં રોકાઇ હતી. આ સમયે કન્નગીની આટ્ટુકાલના લોકોએ આગતાસ્વાગતા કરી હતી અને તેનો આદર સત્કાર પણ કર્યો હતો. આ તહેવાર ત્યારથી જ મનાવવામાં આવે છે. આ તહેવારમાં માત્ર મહિલાઓ જ ભાગ લે છે. આ દસ દિવસીય તહેવારમાં નવમા દિવસે પોંગલ મુખ્ય રીતે ઊજવવામાં આવે છે. આ તહેવારમાં સ્ત્રીઓ દેવીના પ્રસાદ માટે માટીનાં વાસણોમાં ચોખા, ગોળ, નાળિયેર અને બદામથી પોંગલ નામનુ પકવાન તૈયાર કરે છે. સ્ત્રીઓ આ પકવાન સવારથી જ બનાવવાનું ચાલુ કરી દે છે.
આ પકવાન માટે એટલે કે પોંગલ માટેની તૈયારીમાં પંડારા અદુપ્પુ મંદિરના ચૂલામાં લગાડેલી અગ્નિ પર વાસણ મૂકવાથી થાય છે. ત્યારબાદ મંદિરના મુખ્ય પૂજારી સ્ત્રીઓ પર પવિત્ર જળનો છંટકાવ કરીને તેમને આશીર્વાદ આપે છે અને મંદિરની આસપાસના વિસ્તારમાં પોંગલ અનુષ્ઠાન પ્રારંભ થાય છે. આ વિસ્તારમાં કેટલાંક મોટાં મકાનો, સંસ્થા અને સરકારી કાર્યાલયનો પણ સમાવેશ થાય છે. આ પોંગલના તહેવારમાં તમામ ધર્મની મહિલાઓ ભાગ લે છે. ઉલ્લેખનીય છે કે 23 ફેબ્રુઆરી, 1997માં અંદાજિત 15 લાખ જેટલી સ્ત્રીઓએ આ પોંગલ અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. ઉપરાંત 10 માર્ચ, 2009માં આ સંખ્યા વધીને 25 લાખ કરતાં પણ વધુ નોંધવામાં આવી હતી. અલબત્ત, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ ધાર્મિક ઉત્સવમાં સૌથી વધુ લોકો જોડાયાનો રેકોર્ડ પણ નોંધવામાં આવ્યો હતો.
કેવી રીતે પહોંચશો?
જો તમે ટ્રેન દ્વારા અહીં આવવા માંગે હોવ તો નજીકનું રેલવે સ્ટેશન તિરુવનંતપુરમ છે, જે અંદાજિત ત્રણ કિમી દૂર આવેલું છે. જો તમે હવાઇમાર્ગે આવવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ ત્રિવેન્દ્રમ(તિરુવનંતપુરમ) ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, જે અંદાજિત પાંચ કિ.મી.ના અંતરે આવેલું છે. અલબત્ત, નજીકના રેલવે સ્ટેશન અને એરપોર્ટ પરથી સરકારી વાહનો કે ખાનગી વાહનો દ્વારા આ મંદિરે આવી શકાય છે. સડક માર્ગથી પણ આસપાસનાં રાજ્યોની સરકારી બસ અને ખાનગી વાહનો દ્વાર અહીં સરળતાથી પહોંચી શકાય છે.