ખેતીની જમીન પશુ ચરાવવા રાખ્યા બાદ આરોપીઓની નિયત બગડી
ધમકી આપનારા છ શખ્સની ટોળકી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુરના મોણપર ગામે જમીન પચાવી પાડવાના ઇરાદે યુવાનને કૌટુંબિક કાકા સહીતની ટોળકીએ તારી જમીન હવે અમારી છે, ખેતર બાજુ જતો નહિ, નહિતર તને જીવતો નહિ રહેવા દઈએ કહી ધમકી આપનાર છ શખ્સોની ટોળકી સામે યુવાને ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે મૂળ જેતપુરના મોણપર ગામના વતની અને હાલ રાજકોટના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની પાછળ વૈશાલીનગર શેરી નં.-3 માં રહેતા અને ડ્રાયવિંગનો વ્યવસાય કરતા 40 વર્ષીય ભુપેન્દ્રભાઇ ઉર્ફે રઘુભાઈ દડુભાઈ ધાધલે આરોપી તરીકે મોણપર ગામના ગટુ ઉર્ફે પુંજ જીલુ ધાધલ, અનક જીલુભાઈ ધાધલ, પ્રતાપ જીલુભાઈ ધાધલ, બાબભાઇ જીલુભાઈ ધાધલ, ભરત જીલુભાઈ ધાધલ અને ઉમેદ જીલુભાઈ ધાધલનું નામ આપતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે બીએનએસની કલમ 308(4), 351(3),3(5) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને જેતપુરના મોણપર ગામે ખેતીની જમીન સર્વે નંબર 143 માં 8 વીધા જેટલી છે. આ જમીન તેમના તથા મોટાભાઈ સુરેશભાઈ ધાધલના નામે છે. આ જમીન વારસાઈમાં આવેલ છે. 30 વર્ષ પહેલા દાદી રાણબાઇબેન ધાધલ જીવીત હતા ત્યારે આ જમીનમાં તેઓ કોઈ ખેતી કામ કરતા ન હતા.
જેથી તેઓએ ગામના ગટુભાઇ ઉર્ફે પુંજ ધાધલને આ જમીનમાં ભેંસો ચરાવા માટે આપી હતી. બદલામાં ગટુ ફરીયાદીના દાદીને દુધ આપતા હતા. આશરે 25 વર્ષ પહેલા દાદીનુ અવસાન થયું પરંતુ આ ગટુભાઇ ભેંસો ચરાવાનુ ચાલુ રાખેલ હતુ. તેના બદલામાં કોઇ રૂપીયા આપતા ન હતા. જેથી આશરે 20 વર્ષ પહેલા ગટુ પાસે આ જમીનમાં ભેંસો ચરાવા પેટેના રૂપીયા લેવા તેના ઘરે ગયેલ હતો. ત્યારે તેણે કહેલ કે, ભેંસ ચરાવાના કોઈ રૂપીયા દેવા નથી, તારા દાદીને અમેં દુધ આપતા હતા તેટલુ દુધ જોતુ હોય તો હુ તને રોજ દુધ આપીશ.
જેથી તેને કહેલ મારે દુધ નથી જોતુ મારે મારી જમીનનુ ભાડુ જોઇ છે. ત્યારે તેણે કહેલ કે, આ જમીન હવે મારી છે અને તેમા અમારી ભેંસોને ચારો ચરતા રોકીશ તો તારા ટાટીયા ભાંગી નાખીસુ તેમ ધમકી આપી હતી.
બાદ વર્ષ 2011-12 માં જમીન ગામમાં બીજા કોઇને ચારણ માટે આપુ તો પુરૂ વળતર મળી રહે પણ આરોપીઓના ડરથી ગામમાં કોઇ બીજી વ્યક્તિ ચારણ માટે રાખતુ ન હતુ. જેથી જમીન ખેડ કરી હતી. ત્યારે ગટુ અને અનકભાઈએ તેઓ વાડીએ જતાં હતાં ત્યારે રસ્તામાં મળતા કહેલ કે, તે જમીન કેમ ખેડ કરી નાખી? બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ બન્ને મારા કૌટુંબીક કાકા થતા હોઇ જેથી જે તે સમયે પણ ફરીયાદ કરી ન હતી. બાદ વર્ષ 2022 માં જમીન પડતર હોય જેથી ફરીથી ખેડ કરી હતી.
જેના થોડા દીવસ બાદ ગટુભાઇ ઉર્ફે પુંજભાઈને ખબર પડતા તેઓ રૂબરૂ મળેલ ત્યારે કહેલ કે, તમે કેમ ખેતર ખેડી નાખ્યુ ? જેથી તેને કહેલ કે આ જમીન મારા બાપ દાદાની છે અને તમે ચારણનો એક રૂપીયો પણ આપતા નથી તો હું મારી જમીનમાં ખેડ કરી જ નાખુને. ત્યારે ગટ્ટુએ કહેલ કે આ જમીન હવે અમારી છે.
તેમા પગ મુકતો નહી કહી બેફામ ગાળો ભાંડી ખૂનની ધમકી આપી તેના બાઈકમાં ટીંગાડેલ કુહાડીથી મને મારવા દોડેલ હતા પરંતુ કોઇ અજાણ્યા મુસાફરે વચ્ચે પડી બચાવી લીધેલ હતો. જેથી ગટુને કહેલ કે, હું તમારા વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરીશ. તો તેણે કહેલ કે, અમે કોઈથી ડરતા નથી, તારાથી થાઇ તે કરી લેજે, અમારૂ જુથ છે અમારી પાસે પૈસા છે.
બાદ જમીનમાં આરોપીઓની ભેંસો ચરતી હોય જેથી તે વખતે શેઢા પાડોસી દીલીપભાઈ બાધુભાઈ ધાધલે તેના મોબાઇલમાં વિડીયો ઉતારી મને મોકલેલ હતો.
જેથી આ લોકોને કહેલ કે તમે મારા ખેતરમાં ઢોર ચારો છો, હવે મારે મારૂ ખેતર ખેડવાનું છે. જેથી તમામે ધમકી આપેલ કે, તુ ખેતર બાજુ જતો નહી, જમીન તારી હતી પણ હવે અમારી છે, જો તુ ખેતરે જઇશ તો તને જીવતો નહી રહેવા દઇએ, અમે છ ભાઇઓ છીએ એકાદ જેલમાં રહે તો કાઇ ફેર પડશે નહી પણ તને જીવતો નહી રહેવા દઇએ તેમ ધમકી આપી હતી.
બાદ જ્યારે પણ હું મારા ઉપરોક્ત ખેતર બાજુ જતો ત્યારે તમામ આરોપીઓ વારા ફરતે મને ધમકી આપતા હતા. જેથી યુવાને તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


