લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી સૈફુલ્લાહ ખાલીદની પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. તે લાંબા સમયથી નેપાળથી પોતાની નાપાક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો. જોકે, હાલમાં તે સિંધ પ્રાંતના બદીનના માટલીથી કામ કરી રહ્યો હતો. આ આતંકવાદી ભારતમાં 3 હુમલાઓમાં સામેલ હતો. 2006માં મહારાષ્ટ્રના નાગપુરમાં RSS મુખ્યાલય પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું તેમાં સામેલ હતો. તે પહેલા 2001માં રામપુરમાં CRPF કેમ્પ પર હુમલામાં સામેલ હતો અને 2005માં બેંગ્લોરમાં હુમલો થયો હતો, તેમાં પણ તેનો હાથ હતો.
ખાલીદ નેપાળમાં લશ્કર-એ-તૈયબાનું કામ કરી રહ્યો હતો
પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદીન જિલ્લાના માટલી તાલુકામાં આતંકવાદી સૈફુલ્લા ખાલિદને ઠાર કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો અને જેના કારણે તેઓ લોહીથી લથપથ જમીન પર પડ્યો અને મોતને ભેટ્યો છે. ઘણા લાંબા સમયથી તે નેપાળમાં લશ્કર-એ-તૈયબાનું કામ કરી રહ્યો હતો. આ આતંકવાદી નેતા લશ્કરના આતંકવાદીઓને નેપાળ થઈને ભારતમાં પ્રવેશવામાં મદદ કરતો હતો.
કોણ હતો સૈફુલ્લાહ ખાલિદ?
સૈફુલ્લા ખાલિદ લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હતો. લશ્કર-એ-તૈયબાએ ભારતમાં હુમલાની તૈયારી કરવાનું કામ સોંપ્યું હતું. જે પછી, તેણે ઘણા વર્ષો સુધી નેપાળમાં એક ઠેકાણું સ્થાપ્યું અને ત્યાંથી ભારતમાં સતત આતંકવાદી હુમલાઓ કરતો રહ્યો. પરંતુ જ્યારે ભારતીય ગુપ્તચર એજન્સીઓને તેના વિશે માહિતી મળી, ત્યારે તે નેપાળથી ભાગી ગયો અને પાકિસ્તાનમાં છુપાઈ ગયો. તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. સૈફુલ્લાહ નેપાળથી વિનોદ કુમાર અને બીજા ઘણા નામોથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતો હતો. ત્યારે આજે પાકિસ્તાનમાં હુમલાખોરોએ તેને ઠાર કરી દીધો છે.