મતદાર યાદી તૈયાર થવાની પ્રક્રિયા શરૂ | 10 જાન્યુઆરી પહેલા તમામ દસ્તાવેજો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલવા તાકીદ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ષ 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણી પૂર્વે પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરવાના બાકી રહેલા વકીલો માટે હવે આખરી તક આપવામાં આવી છે. ચૂંટણી પહેલા મતદાર યાદી તૈયાર થવાની હોવાથી તા.10 જાન્યુઆરી, 2026 પહેલાં પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરી જરૂરી તમામ દસ્તાવેજો સાથે બીસીજીની કચેરીએ પહોંચાડી દેવા સૂચના આપવામાં આવી છે. આ બાબતે રાજ્યની તમામ બાર એસોસિએશનોને પત્ર પાઠવી તાકીદ કરવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તમામ બાર એસોસિએશનોને જાણ કરાઈ છે કે, વર્ષ 2026માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે હાલ કાચી મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મતદાર યાદીમાં નામ સમાવેશ માટે પ્રેક્ટિસ વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
બીસીજીના પત્રમાં જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના હુકમ અનુસાર માત્ર તે જ ધારાશાસ્ત્રીઓને મતદાનનો અધિકાર મળશે, જેમણે પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ નિયમ મુજબ ભરીને જમા કરાવેલ હશે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિર્દેશોને અનુસરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અગાઉ પણ અનેક વખત વકીલોને પ્રેક્ટિસ વેરિફિકેશન માટે અપીલ કરવામાં આવી હતી.
જેનાં વકીલોએ હજુ સુધી પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભર્યું નથી, તેઓએ ફોર્મ સાથે સૂચનાપત્ર અને અગાઉના પરિપત્રમાં જણાવ્યા મુજબ જરૂરી તમામ શૈક્ષણિક દસ્તાવેજો જોડવાના રહેશે. તેમાં ધોરણ 10, ધોરણ 12, ગ્રેજ્યુએશન તથા એલએલબીની તમામ માર્કશીટની નકલો બે સેટમાં સ્વપ્રમાણિત કરીને મોકલવાની રહેશે. દરેક દસ્તાવેજ પર પોતાનો સનદ નંબર સ્પષ્ટ રીતે લખવો ફરજિયાત રહેશે.
બીસીજી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તમામ જરૂરી દસ્તાવેજો સાથે પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ તા.10/1/2026 પહેલાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીને પ્રાપ્ત થાય તે રીતે મોકલવા અનિવાર્ય છે. સમયમર્યાદા બાદ મોકલવામાં આવેલા ફોર્મ અને દસ્તાવેજો માન્ય ગણવામાં આવશે નહીં.
જે ધારાશાસ્ત્રીઓ સમયસર પ્રેક્ટિસ વેરિફિકેશન પૂર્ણ કરશે, તેમના નામનો સમાવેશ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ષ 2026ની સામાન્ય ચૂંટણીની મતદાર યાદીમાં કરવામાં આવશે અને તેઓને મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થશે. જ્યારે પ્રેક્ટિસ વેરિફિકેશન ન કરાવનાર વકીલો મતદાર યાદીથી વંચિત રહી શકે છે.
આથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યના તમામ વકીલોને અપીલ કરી છે કે, તેઓ સમયમર્યાદાનો ખાસ ધ્યાન રાખી તાત્કાલિક પ્રેક્ટિસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરે, જેથી ચૂંટણી સમયે મતાધિકાર ગુમાવવાનો વારો ન આવે.


