છ વર્ષ સુધી ધકેલ પંચા દોઢસોની જેમ કામ ચાલ્યુ, અને હવે પી.એમ. મોદીના હસ્તે લોકાર્પણ કરાવવા ઇજનેરોની ફૌજ કામે લગાડાઇ
કામ પુરુ કરવા બે સિટી ઈજનેર, બે ઈન્ચાર્જ સિટી ઈજનેર સહિત 33 ઈજનેરોને એરિયાવાઇઝ બ્લોક બનાવીને સોંપવામા આવી જવાબદારી
રાજકોટમાં આગામી તા.૨૫મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે રૈયા સ્માર્ટ સિટીમાં રોબટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કામની સાથે અટલ સરોવરનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે કરવામા આવે તેવી તૈયારી સાથે મનપાએ ઇજનેરોને ખાસ અટલ સરોવર માટે જ વધારાની કામગીરી સોંપી છે. બ્લોકવાઇઝ આયોજન કરીને જવાબદારીની વહેંચણી કરવામા આવી છે. અહીં સવાલ એ છે કે, અત્યાર સુધી કામ ધકેલ પંચા દોઢસોની જેમ ચાલ્યુ. અને હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે આબરૂ ન જાય એ માટે અટલ સરોવરનું કામ જમીન આસમાન ભેગા કરીને પણ પુર્ણ કરવા રહી રહીને તંત્ર ખરા અર્થમાં ધંધે લાગ્યુ છે.
અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું કામ યુધ્ધના ધોરણે પુરુ કરવા માટે મ્યુ. કમિશ્નર આનંદ પટેલે બે સિટી ઈજનેર, બે ઈન્ચાર્જ સિટી ઈજનેર સહિત 33 ઈજનેરોની નિમણૂંક કરવામાં આવી છે. જેથી કામગીરી ઝડપી પૂર્ણ થઈ શકે. પ્રોજેક્ટનાં લોકાર્પણ માટે બ્લોક વાઈઝ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના કામ પૂરા કરવા સિટી ઈજનેર પી.ડી. અઢીયા, ઈન્ચાર્જ સિટી ઈજનેર કે.કે.મહેતા, ઈન્ચાર્જ એડી. સિટી ઈજનેર જે.ડી. કુકડીયાને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ બ્લોક વાઈઝના 5 ઈજનેરો, ગાર્ડનિંગ માટે આર.કે.હિરપરાની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ અન્ય કામ માટે ઈજનેરોને જવાબદારી સોંપી સ્માર્ટ સિટીમાં સોલીડ વેસ્ટ શાખાને સફાઈ, બાંધકામ વેસ્ટના નિકાલ, રખડતા ઢોર દૂર કરવા સહિતના હુકમ કરવામાં આવ્યા છે.
કાંઠે આવીને કામ ગોથે ચડ્યુ, પ્રોજેક્ટની 1૫ ટકા કામગીરી બાકી
અટલ સરોવરનું કામ કાંઠે આવીને ગોથે ચડવા લાગ્યુ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતુ મેઇન કામ જ ૧૫ ટકા જેટલુ બાકી છે અને હવે વડાપ્રધાન રાજકોટ આવે તેની ગણતરીની કલાકો બાકી છે. ત્યારે હવે અટલ સરોવરનું બાકીનું સિવિલ વર્ક તેમજ તળાવ પાણીથી ભરવા માટે તંત્ર ઉંધા માથે થયુ છે.
સરોવરની સપાટી ૫ ફૂટ, હાલ માત્ર ૧ પાણી ભરેલુ
રેસકોર્સ-૨માં અલગ અલગ ત્રણ તળાવ બનાવવામા આવ્યા છે. તેમાથી મુખ્ય અટલ સરોવરને અમદાવાદના કાંકરિયા તળાવની જેમ ડેવલપ કરવાનું આયોજન છે. અટલ સરોવરની ઉંડાઇ પાંચ મીટરની છે. અને ક્ષમતા ૪૦ કરોડ લીટરની છે. જો કે હાલની સ્થિતિએ માત્ર ૧ મીટર જ પાણી ભરેલુ છે.
રૈયા STPથી પાઇપલાઇન દ્વારા સરોવર ભરવાની છેલ્લી ઘડીની કસરત
અમદાવાદના કાકરિયા લેક જેવુ એક પીકનિક પોઇન્ટ તરીકે રેસકોર્સ-૨ને ડેવલપ કરાશે. કાકરિયા લેક બારેમાસ પાણીથી ભરાયેલુ નથી રહેતુ પણ આનંદની વાત એ છે કે, અટલ સરોવરને બારેમાસ પાણીથી હર્યુભર્યુ રાખવામા આવશે. શહેરમાંથી નીકળતા ગટરના પાણીને રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધિકરણ કરીને અટલ લેકમાં ઠલવીને સતત ભરેલુ રાખવામા આવશે. આ માટે રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી રેસકોર્સ-૨ સુધી ૬૦૦ એમ.એમ. ડાયામીટરની પાઇપલાઇન પાથરવામા આવી છે.
છ વર્ષ વીતી ગયા, છતા કામ હજુ અુધરા
આવુ એમ્બ્યુઝમેન્ટ પાર્ક હોય? માત્ર એકાદ-બે રાઇડસ મુકી દેવાઇ
રેસકોર્સ-૨ બનાવવાની જાહેરાત જ્યારે થઇ હતી ત્યાંરે બ્યુટિફિકેશન, એમ્બ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ ઝોન, બોટિંગ સહિતની સુવિધા સાથે અમદાવાદના કાંકરિયા લેક જેવુ પીકનિક પોઇન્ટ બનાવવાની વાત હતી. છ વર્ષ પહેલા સ્માર્ટ સિટી, રેસકોર્સ-૨ની જાહેરાત થઇ હતી. હાલ તો એમ્બ્યુઝમેન્ટ પાર્કના નામે માત્ર એકાદ-બે રાઇડસ અને હીચકા-લપસિયા જેવા સાધનો મુકી દેવાયા છે. આવા અધુરા કામે વડાપ્રધાનના હાથે લોકાર્પણ કરાવવાની તૈયારી ચાલી રહી છે.