- બાળકો-યુવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
- ખેલ મહાકુંભ 2.0માં નવીન બાબતોનો સમાવેશ
- વર્ષ 2024 દરમિયાન વિવિધ ખેલ સ્પર્ધાઓનું આયોજન
રાજ્યમાં ખેલમહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેલ મહાકુંભ 2.0માં નવીન બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તાલુકા કક્ષાએ પણ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે, દરેક વયજૂથમાં ખેલાડીઓને સમાન રોકડ પુરસ્કાર અપાશે. ખેલ મહાકુંભ 2.0માં સેપક ટકરાવ, બીચ વુડબોલ, બીચ વોલીબોલ જેવી 4 રમતોનો સમાવેશ કરાયો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયાના વિશાળ ગ્રાઉન્ડમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિ રહ્યા હતા. ગુજરાતે આવા ખેલમહાકુંભ દ્વારા રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસમાં સીમાચિહ્ન બની છે તેનો વિશે ઉલ્લેખ કરતાં એમ પણ કહ્યું કે, રમતગમત ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓને પ્રોત્સાહન માટે ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મૂકી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે બે દાયકામાં અઢી કરોડ રૂપિયાના સ્પોર્ટ્સ બજેટને ઉત્તરોત્તર વધારીને આજે 293 કરોડ રૂપિયા કર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પીએમ મોદીએ ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પરંપરાને વડાપ્રધાન તરીકે દેશમાં ‘ખેલો ઇન્ડિયા’ શરૂ કરાવીને ગુજરાતના આ મોડલને રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ અપાવી છે. તેના પરિણામે છેલ્લા બે દશકામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં પણ આઠ ગણો વધારો થયો છે.

રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ખેલ મહાકુંભની નવી શરૂઆત થઈ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રતિભાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવા ખેલ મહાકુંભ શરૂ કરાયો હતો તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2010માં 15 લાખ ખેલાડીઓ સાથે યોજાયેલ ખેલમહાકુંભમાં આજે 60 લાખ ખેલાડીઓની સહભાગિતા સાથે આગળ વધી રહ્યા છીએ. વર્ષે 7 વય જૂથમાં 39 રમત અન્વયે રૂપિયા 45 કરોડની ઈનામ રાશિ નિયત કરાઈ છે. આ ઉપરાંત તાલુકાકક્ષાએ અને શાળાઓમાં પણ રમત સ્પર્ધાઓ યોજાશે તેમ તેમણે ઉમેર્યું હતું.


