રાઇડના ફીટનેશ સર્ટિફિકેટ માટે બહુમાળી ભવનમાં કાર્યરત યાંત્રિક પેટા વિભાગની મંજૂરી માટે કોઇએ અરજી જ કરી નથી, તેની મંજૂરી વગર રાઇડ ચાલુ જ ન થઇ શકે
ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં ૨૮ માસુમ જીવ જીવત ભુંજાઇ ગયા છતાં રાજકોટનું સ્થાનિક પ્રશાસન કઇ હદે નીંભર, બેદરકાર છે તે રાજકોટના લોકમેળામાં રાઇડસના વિવાદને લઇને સામે આવ્યુ છે. સરકારના નવા એસ.ઓ.પી.(નિયમો)માં સૌ-સૌની રીતે અર્થઘટન કરીને મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યા સુધી લોલંલોલ જ ચાલ્યુ. આર. એન્ડ.બી., પોલીસ, કલેકટર તંત્રે પોતપોતાની રીતે અર્થઘટન કર્યુ. અંતે એવુ સામે આવ્યુ કે, રાઇડના ફિટનેશ સર્ટિફિકેટ માટે કોઇએ અરજી જ કરી નથી. બહુમાળી ભવનમાં બેસતા રાજકોટ યાંત્રિક પેટા વિભાગનું પ્રમાણપત્ર ન હોય તો લોકમેળો કે ખાનગી મેળામાં એકપણ રાઇડ શરૂ ન થઇ શકે. આમછતાં છેવટ સુધી બધુ જ ભંભાખાનાની જેમ ચાલતુ રહ્યુ અને અંતે આ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો.
લોકમેળાના ઉદ્ઘાટનને હવે કલાકો જ બાકી રહી છે. તેવામાં મોટા ફજેતફાળકા અને યાંત્રિક રાઈડને લઈને શરૂ થયેલો વિવાદ અને ગૂંચવણ હજુ ચાલુ છે. ફાઉન્ડેશન અને સોઈલ રિપોર્ટ મામલે ચલકચલાણું ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે એક વિભાગ કે જેનો અભિપ્રાય અને પ્રમાણપત્ર મળે તો જ રાઈડ ચાલુ થઈ શકે તેમ છે ત્યાં હજુ સુધી એકપણ મેળાની એક પણ રાઈડની મંજૂરી માટે અરજી જ કરી નથી.
ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ મેળામાં લોકોની સુરક્ષાને લઈને એસઓપી બનાવી છે. જેમાં દરેક મોટી રાઈડમાં ફાઉન્ડેશન ફરજિયાત કરાયા છે. બીજી તરફ મેળામાં એકસાથે તમામ રાઈડના પ્લોટ લઈ લેનાર ભાજપના આગેવાનો કહે છે કે, સોઈલ રિપોર્ટ પોઝિટિવ છે એટલે રાઈડમાં ફાઉન્ડેશનની જરૂર જ નથી. બીજી તરફ તંત્ર એમ કહે છે કે, તેમને રિપોર્ટ અપાયો નથી પણ એસઓપી મુજબ જ કામ થશે. રાઈડની મંજૂરી આપવાની જવાબદારી પોલીસની છે આમ કહીને વહીવટી તંત્રએ વળી પાછું પોલીસ પણ નાખી દીધું હતું. આ બધા વચ્ચે સૌથી મહત્ત્વનો યાંત્રિક પેટા વિભાગનો અભિપ્રાય ભુલાઈ ગયો છે.
યાંત્રિક રાઈડની મંજૂરી આપતા પહેલાં ફિટનેશ સર્ટિફિકેટ માટે અભિપ્રાય આપવાની છે. આ કચેરીમાં અરજી થાય ત્યારબાદ અભિપ્રાય અપાય અને તેના આધારે સત્તામંડળ રાઈડ માટે મંજૂરી આપે છે. દર વર્ષે આ કચેરીમાં અરજીઓ આવે છે જોકે આ વખતે લોકમેળા કે ખાનગી મેળામાંથી એકપણ અરજી આવી જ નથી. આ કચેરીમાં અરજી આવે એટલે તેની એક કમિટી મળે. કમિટીમાં અરજી પર ચર્ચા કરીને ત્યાં સ્થળ તપાસ કરાય અને બધી જ બાબતો ચકાસ્યા બાદ રાઈડ શરૂ કરવા અંગે અભિપ્રાય આપવામાં આવે અને તેના આધારે મંજૂરી અપાય છે. આ બધી પ્રક્રિયાઓ થઈ જ નથી. લોકોની સુરક્ષાનો મુદ્દો માત્ર ફાઉન્ડેશન પર નથી પણ રાઈડના અલગ અલગ યાંત્રિક પાર્ટ, એન્જિન, લોખંડની મજબૂતી અને સ્થિતિસ્થાપકપણું, ઈલેક્ટ્રિફિકેશન આ બધું જ જોવું પડે અને તે જોવાનું કામ જે કચેરીનું છે તેમાં કોઇ હજુ સુધી ગયું જ નથી. મેળાને હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે તાત્કાલિક અરજી કરે તો પણ તેટલી અરજીઓ પર પ્રક્રિયા કરવી શક્ય નથી.
હવે અરજી આવે તો’ય પ્રક્રિયા માટે બે દિવસ થઇ જાય
રેસકોર્સના લોકમેળાની રાઇડસ માટે હવે જો રહી રહીને જાગીને બહુમાળી ભવનમાં કાર્યરત યાંત્રિક પેટા વિભાગના પ્રમાણપત્ર માટે અરજી કરવામા આવે તો પણ આવતીકાલે મેળાના ઉદઘાટન સુધીમાં બધુ ભેગુ ન જ થઇ શકે. એક રાઇડ માટે અરજી આવે તો તેના માટે કમિટી બોલાવવી પડે. કમિટી બોલાવાયા બાદ જે સ્થળની અરજી આવે ત્યા ટેકનીકલ ટીમને મોકલવી પડે. આ ટીમ રાઇડના વિવિધ રિપોર્ટ અને સ્ટ્રક્ચર એન્જિનિયરની હાજરીમાં ચકાસણી કરે. ત્યારબાદ સ્થળ પર રિપોર્ટ તેયાર કરી કચેરીમાં મોકલવામા આવે. ત્યાથી અભિપ્રાય તૈયાર કરીને વહીવટી તંત્ર કે પોલીસને મોકલવામા આવે. ત્યારબાદ રાઇડની મંજૂરી મળે છે. લોકમેળામાં યાંત્રિક રાઇડ માટે 3૧ પ્લોટ છે. આ સ્થિતિ જોતા મેળાની તમામ રાઇડની મંજૂરી માટે બે દિવસનો સમય થઇ જાય.
કલેકટરે અટકાવેલું કામ રાઇડસ સંચાલકે ફરી શરૂ કરી દીધુ!
રાઇડસનો સમગ્ર મામલો કોર્ટમાં ગયો છે. બપોરે દોઢ વાગ્યાની આસપાસ આખરી સુનાવણી થાય તે પૂર્વે કલેકટરે ગઇકાલે સાંજથી જ જે રાઇડસનું ફિટીંગનું કામ બાકી છે તે અટકાવી દેવા આદેશ કર્યો હતો. આમ છતાં રાઇડસ સંચાલકે આજે સવારે ફરીથી જે રાઇડસનું કામ બાકી હતું તે ચાલુ કરાવી દીધું હોવાનું જાણવા મળે છે.