કાં તો ભોમેશ્વર ફાટક પહોળુ કરો, કાં તો અયપ્પા મંદિર પાસે નવુ ફાટક બનાવીને ફોર-વ્હીલ માટે ડાયવર્ઝન કરવાની માગણી
રેલવે, સાંસદ, મ્યુનિ.કમિશનર, પોલીસ કમિશનર અને ડિસ્ટ્રીક્ટ જજને અપાશે આવેદન, બાર એસોસિએશનની ખાસ મિટિંગ બોલાવવા નિર્ણય
રાજકોટના સાંઢિયાપુલનું કામ તો શરૂ કરી દેવામા આવ્યુ પણ ટ્રાફિકના ડાયવર્ઝનને લઇને જે અંધાધૂંધીનો સામનો હજારો લોકોને કરવો પડી રહ્યો છે તેમા વકિલ સમુદાયને પણ પ્રથમ દિવસે જ માથાફોડ યાતનાનો ભોગ બનવુ પડ્યુ હતુ. તમામ કોર્ટ શહેરની ભાગોળે ઘંટેશ્વર પાસે સ્થળાંતર થઇ ચુકી છે. અને મોટાભાગના વકિલો સિવિલ હોસ્પિટલ તરફથી જામનગર રોડ જાય છે. હાલ તો કોર્ટમાં વેકેશન છે પણ અમુક કોર્ટ ચાલુ છે. કોર્ટને લગતા કામ માટે વકિલોને નછૂટકે કોર્ટ બિલ્ડીંગ જવુ પડે છે ત્યારે ગઇકાલે ડાયવર્ઝનમાં જે અરાજકતા ફેલાઇ હતી તેનાથી ત્રાહીમામ પોકારી ગયેલા વકિલો મેદાનમાં આવ્યા છે. બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી પ્રથમ દિવસે દોઢ કલાક હેરાન થયા હતા. હજુ તો ત્રણ વર્ષ કાઢવાના છે. મહાનગરપાલિકા અને રેલવે તંત્ર ભલે એવો દાવો કરે કે બે વર્ષમાં કામ પુરુ થઇ જશે પણ શહેરમાં અત્યાર સુધી જેટલા બ્રિજ બન્યા છે તેમા શહેરીનોને થયેલા સ્વઅનુભવને જોતા સાંઢિયાપુલના ડાયવર્ઝનની પીડાદાયક યાતના ઓછામાં ઓછા ત્રણ વર્ષ તો ભોગવવી જ પડશે એ વાત નક્કી છે. ત્યારે સમસ્ત વકિલ સમુદાયની સાથે માધાપર ચોકડીથી સિવિલ હોસ્પિટલ તરફ અને શહેરના મધ્ય વિસ્તારમાં નિયમિત આવગમન કરતા શહેરના હજારો લોકોના હિત માટે બાર એસોસિએશને મેદાનમાં આવ્યુ છે. ટ્રાફિક ડાયવર્ઝનની આવી અણઘડ વ્યવસ્થા કોઇ કાળે ન ચાલે. કાં તો ભોમેશ્વર ફાટક પહોળુ કરો, કાં તો હજારો લોકોને ત્રણ વર્ષ સુધી આ કારમી યાતના ભોગવવી પડશે એ વાતને ધ્યાનમાં રાખીને ખર્ચની પરવાહ કર્યા વગર અયપ્પા મંદિર પાસે નવુ ફાટક બનાવીને ફોર વ્હીલ માટે નવા ડાયવર્ઝનનો વિકલ્પ ખુલ્લો કરવાની માગણી સાથે બાર એસોસિએશન મોરચો માંડશે. બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યુ હતુ કે, સુવ્યવસ્થિત ડાયવર્ઝન અને ટ્રાફિક મેનેજમેન્ટનો પ્રશ્ન પ્રશાસનનો છે. અને આ માટે પ્રશાસનને ઢંઢોળવા માટે બાર એસોસિએશન પરિણામલક્ષી લડત લડવા તૈયાર છે. સાંઢિયાપુલના ડાયવર્ઝનના પ્રશ્ને બાર એસોસિએશનની ખાસ મિટિંગ બોલાવવામા આવી છે. એકાદ-બે દિવસમાં જ રેલવે, મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર, સાંસદ અને ડિસ્ટ્રીક્ટ જજને આવેદન આપવામા આવશે. મુખ્ય માંગણી એ જ રહેશે કે કાં તો ભોમેશ્વર ફાટક પહોળું કરવામા આવે, કાં તો પરસાણાનગર બાજુ અયપ્પા મંદિર પાસેથી બ્રિજની સમાંતર એક નવુ ફાટક બનાવીને ત્યાંથી ફોર વ્હીલ માટે નવા ડાયવર્ઝનનો વિકલ્પ ખોલવામા આવે.
પ્રથમ દિવસે જ અનેક જજને પણ થયો કારમો અનુભવ
ડાયવર્ઝનનુ સુવ્યવસ્થિત આયોજન કર્યા વગર જ સાંઢિયાપુલ બંધ કરી દેવામા આવ્યો અને ટ્રાફિકની જે અંધાધૂંધી થઇ રહી છે તેનો પ્રથમ દિવસે જ અનેક જજને પણ કારમો અનુભવ થયો હતો. હાલ કોર્ટમાં વેકેશન ચાલુ છે. પણ અમુક કોર્ટ કાર્યવાહી ચાલુ હોય કોર્ટ સંકુલ જવા નીકળેલા કેટલાક ન્યાયધિશને પણ ભોમેશ્વર ફાટક પર થયેલી ટ્રાફિકની અફડાતફડીનો કારમો અનુભવ થયો હોવાનું બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીના ધ્યાનમાં આવ્યુ છે.
નિયમિત પ્રેકટિશ કરનાર 3૮૦૦થી વધુ વકિલો, ૧૪૦૦ વકિલ મધ્ય વિસ્તારથી આવે છે
રાજકોટમાં વકિલાતની નિયમિત પ્રેકટિસ કરતા હોય તેવા 3૮૦૦થી વધુ વકિલ છે. તેમાથી ૧૪૦૦થી વધુ વકિલો એવા છે કે, જે શહેરના મધ્ય વિસ્તારમાં રહે છે અને મધ્ય વિસ્તારમાં જ ઓફિસ ધરાવે છે. આ ૧૪૦૦થી વધુ વકિલોનો કાયમી રૂટ જામનગર રોડ જ છે. આ ઉપરાંત નવી કોર્ટ બિલ્ડીંગમાં તમામ ૪૫ પેટા કોર્ટ કાર્યરત થઇ ચુકી છે. ૪૫ ન્યાયધિશો છે. મોટાભાગના જજનો નિયમિત રૂટ પણ જામનગર રોડ જ છે.
આ વિસ્તારમાં છે મોટાભાગના વકિલોની ઓફિસ
- ચૌધરી હાઇસ્કુલ પાસે ઉમેશ કોમ્પ્લેક્સમાં
- કોમલ ચેમ્બર
- હરીહર ચોકમાં આવેલા સ્ટાર બિલ્ડીંગ
- સર્કિટ હાઉસ પાસે સ્ટાર પ્લાઝા
- પંચનાથ મંદિર આસપાસનો વિસ્તાર
- કેનાલ રોડ, ભૂતખાના
- રજપૂત પરા
- રાષ્ટ્રીય શાળા
- લોધાવાડ ચોક
- સંતકબીર રોડ અને પેડક રોડ
વકિલો માટે જ નહીં પણ હજારો શહેરીજનોના હિત માટે બાર એસો. લડશે
સાંઢિયાપુલના ડાયવર્ઝનમાં જે ત્રણ વર્ષનો પીડાદાયક યુગ શરૂ થયો છે તેમા માત્ર વકિલો કે જજના હિત પુરતી જ વાત નથી પણ હજારો શહેરીજનોને બ્રિજનું કામ પુરુ ન થાય ત્યા સુધી ભોગવવાની થતી હાલાકીનો સવાલ છે અને એ જોતા બાર એસોસિએશન કોઇપણ કાળે ડાયવર્ઝનની અંધાધૂંધી નિવારવા માટે મેદાનમાં આવ્યુ છે તેમ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યુ હતુ.
પક્ષકારોની પણ થશે માઠી દશા
સાંઢિયાપુલના ડાયવર્ઝનને લઇને શહેરના બે ભાગમાં ફાડિયા પડી ગયા છે. આવી હાલત વચ્ચે કોર્ટ કામગીરી કે તારીખમાં જતા પક્ષકારોને માઠી દશા થવાની છે. જે દિવસે કોર્ટમાં તારીખ હોય એવા પક્ષકારો જો સમયસર પહોંચી ન શકે તો ન્યાયધિશ કંઇ તેની રાહ જોયને નથી બેસી રહેવાના. કાં તો મુદત પાડી દે કાં તો સીધુ જ સમસન્સ જારી કરી દેશે એવી દહેશત વચ્ચે પક્ષકારો માટે પણ મોટી ઉપાધિ આવી પડી છે.
બહારગામથી આવતા પક્ષકારો એસ.ટી. અથવા સિવિલ હોસ્પિટલ ચોક જ ઉતરે છે
રાજકોટની જુદી જુદી કોર્ટમાં હજારોની સંખ્યામાં કેસ ચાલી રહ્યા છે અને તેમા સેંકડો પક્ષકારો એવા છે કે જે બહારગામના છે. આવા પક્ષકારો કાં તો પોતાની કારમાં અથવા તો એસ.ટી. બસમાં આવે છે. એસ.ટી.માં આવતા પક્ષકારો સિવિલ હોસ્પિટલ ચોક અથવા તો એસ.ટી. સ્ટેન્ડ ઉતરે છે. અત્યાર સુધી તો સાંઢિયાપુલ થઇને જ આવતા હતા પણ હવે અડધા શહેરની પ્રદક્ષિણા કરીને કોર્ટ સુધી પહોંચવુ પડશે.
પેટ્રોલ પમ્પથી ભોમેશ્વર ફાટક, એરપોર્ટની દિવાલ સુધી દર ૫૦૦ મીટરે ટ્રાફિક પોલીસ મુકો
ડાયવર્ઝન માટે બહાર પડેલા જાહેરનામા મુજબ સિવિલ તરફથી જામનગર રોડ પર બ્રિજની ડાબી બાજુ પેટ્રોલ પમ્પથી ભોમેશ્વર ફાટક અને ત્યાથી એરપોર્ટની દિવાલ થઇ જામનગર રોડ પરનો આ એક જ રૂટ એવો છે કે જેમા તમામ વાહનોને છૂટ છે. આ રૂટ પર સામેથી ટુ વ્હીલને આવવાની છૂટ છે. આ વન-વે રૂટ પર ગઇકાલે પ્રથમ દિવસે જ જે હાલત જોવા મળી હતી તેનાથી કહેવાતી ટ્રાફિક નિયમન વ્યવસ્થાના ચિંથરેહાલ નીકળી ગયા હતા. અડધો-પોણો કલાક સુધી વાહનચાલકો ચક્કાજામમાં ફસાયા હતા. વાહનો સામસામે અથડાતા હતા. વાહનચાલકો અંદરોઅંદર બાખડી પડતા હોય તેવા બનાવો પણ બન્યા હતા. પેટ્રોલ પમ્પથી લઇને ભોમેશ્વર ફાટક, ભોમેશ્વર મંદિર, એરપોર્ટની દિવાલ અને જામનગર રોડ ચડવામા આવે ત્યા સુધીના આ ડાયવર્ઝન રૂટ પર દર ૫૦૦ મીટરે રોડની બન્ને સાઇડ ટ્રાફિક પોલીસ મુકવામા આવે તો ટ્રાફિક સમસ્યામાં થોડી રાહત થઇ શકે તેમ છે.


