વકીલના પ્રશ્નો હલ કરવા ૧૦ સભ્યોની કમિટીની રચના : ટેબલ વોર વકરી
રાજકોટની નવી કોર્ટ કોઇ અશુભ મુહૂર્તમાં શરૂ થઇ હોય તેવું લાગે છે. આ કોર્ટમાં વકીલોને ગોઠતું ન હોય તેમ એક પછી એક વિવાદ આવ્યા કરે છે. શરૂઆતથી જ ટેબલનો વિવાદ હતો તે હજુ ઉકેલાયો નથી. વકીલો ન્યાયધીશોને પણ ગાંઠતા નથી. હાઇકોર્ટે આદેશ આપ્યા છતાં પણ શકિતમાન વકીલોએ પોતાની રીતે ટેબલની જગ્યા લઇ લીધી છે. પ્રમાણમાં નવા નિશાળીયા અને શાંત વકીલો ટેબલ વિનાના રહી ગયા છે. અંદાજે ૪૦૦ થી ૫૦૦ વકીલોને હજુ ટેબલ ન મળતાં ભારે ધૂંધવાટ થયો છેvu`જેને લઇને વકીલોએ આગામી સોમવારે એક દિવસીય હડતાલ પાડવાનું એલાન કર્યું છે.ત્યારે તમામ વિવાદોનું નિરાકરણ કરવા અને વકીલોની પડતર માંગણીઓને ન્યાય આપવા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં 3 જજ, 4 સિનિયર વકીલ અને 3 એજીપી સહીત 10 સભ્યોનો સમાવેશ કરાયો છે.
ગત જાન્યુઆરી 8 ના રોજ રાજકોટની નવનિર્મીત કોર્ટ બિલ્ડીંગ કાર્યરત થઇ હતી. જેમાં વકીલોને અગાઉથી જ જગ્યા ફાળવવામાં આવી હતી અને તે જગ્યામાં વકિલોને ટેબલો મુકવા અંગે બાર એશોસીએશને જ યોગ્ય નિર્ણય તેમના સ્તરેથી લેવાના હતા. પરંતુ તા.08/01/2024 ના રોજ બિલ્ડીંગમાં ટેબલો મુકવા અંગે વકીલો વચ્ચે વિવાદ થયો હતો. બિલ્ડીંગમાં વકિલોને ફાળવેલ જગ્યામાં સૌપ્રથમ જુના બિલ્ડીંગના કેમ્પસમાં રહેલ વકિલોને ટેબલોને પ્રથમ ફાળવણી કરવા ત્યાર બાદ બાકી રહેલ વકિલો પૈકી ટેબલો મુકવા ઇચ્છુક વકિલોને સીનીયોરીટી ધ્યાને લઇ ટેબલોની ફાળવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ટેબલો મુકવા અંગે વકીલો વચ્ચે વિવાદ વધ્યો હતો.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી અને ઉપપ્રમુખ સુરેશ ફળદુએ જણાવ્યા અનુસાર ડિસ્ટ્રીકટ જજને લેખીત રજુઆત બાદ પણ નિરાકરણ ન આવતા જુનિયર વકીલો ટેબલ સ્પેસ માટે રોજ માથાકુટ કરતા હોય ચાર દિવસ પહેલા ફરી ડિસ્ટ્રીકટ જજને મળીને રજુઆત કરી હતી. જેમાં ડિસ્ટ્રીકટ જજે કચ્છમાં ન્યાયમૂર્તિઓની નેશનલ લેવલની કોન્ફરન્સ છે તે પૂર્ણ થયા બાદ છઠ્ઠી માર્ચ આસપાસ મંજૂરી બાબતે નિર્ણય લેવા જણાવ્યું હતું. મંગળવારે સાંજે અમુક વકીલોએ ટેબલો મૂકી દેતા કમિટિમાં રહેલા ચાર જજો દોડી આવ્યા હતા અને રાજકોટ બાર એસોસીએશનના સભ્યો સાથે પરામર્શ કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ આવી જતા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યો ચોંકી ઉઠયા હતા. વકીલોએ પોલીસ બોલાવવાના નિર્ણયને વખોડયો હતો.