આજે સમયની વ્યસ્તતાના લીધે લોકો મોડી રાત સુધી કામ કરતા હોય છે. જેના કારણે તેઓ સવારે વહેલા ઉઠી શકતા નથી. અને જો ઉઠે તો તેમને કસરત કરવાનું મન થતું નથી. પરંતુ અત્યારે દેશમાં કોરોના અને કોલેરા જેવી ગંભીર બીમારીઓનો પ્રકોપ વધ્યો છે. આવી સ્થિતિમાં શરીરને ફીટ રાખવું જરૂરી છે. સવારે પથારી પરથી ઉઠવામાં આળસ આવતી હોય તો તમે આ આસન કરી શરીરને સ્ફૂર્તિમાં લાવી શકો છો.
વજ્રાસન : સામાન્ય રીતે લોકોમાં માન્યતા છે કે વજ્રાસન જમ્યા બાદ જ કરવામાં આવે છે. પરંતુ તમે સવારે પણ આસન કરી શકો છો. આ આસન સવારે કરવાથી મન શાંત થાય છે અને શરીર ઉર્જાવાન બને છે. ઘૂંટણી સમસ્યા હોય તે સિવાય મોટાભાગના લોકો આ આસન કરી શકે છે. આ બહુ સરળ આસન છે. આ આસન કરવા બંને પગ વાળીને પલંગ પર આરામથી બેસો. હવે તમારી પીઠ સીધી રાખો અને તમારા હાથ તમારા ઘૂંટણ પર રાખો.
લાભ: આ આસન કરવાથી અપચો, ગેસ, કબજિયાત, આફરો વગેરે જેવી તકલીફો થતી નથી. આ આસન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેમજ નિયમિત આ આસનનો અભ્યાસ કરવામાં આવે તો સાથળ અને પગની પિંડીનો દુખાવો ઓછો થાય છે.li
અનુલોમ-વિલોમ પ્રાણાયામ :
સવારે પથારીમાં બેઠા-બેઠા જ તમે આ આસન કરી શકો છો. સવારમાં કરાતા યોગસનમાં અનુલોમ-વિલોમ પ્રાણાયામ શ્રેષ્ઠ કસરત છે. નિયમિત 5-10 મિનિટ અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવામાં આવે તો માનસિક તણાવ દૂર થાય છે અને તમારી ધ્યાન કેન્દ્રીત કરવાની શક્તિ વધે છે. આ આસન કરવા તમે પથારીમાં આરામથી બેસો પછી જમણા નસકોરાને અંગૂઠાથી બંધ કરો અને ડાબા નસકોરાથી શ્વાસ લો. ત્યારબાદ ડાબા નસકોરાને બંધ કરો અને જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢો. આ ક્રિયા તમે ચારપાંચ વખત કરી શકો છો.
લાભ: આ આસન કરવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે. આ આસન કરવાથી શ્વસસન પ્રક્રિયા ઝડપી બને છે અને ફેફસાં મજબૂત થાય છે. જે લોકોને અસ્થમા તેમજ બ્રોન્કલ અસ્થમા જેવી શ્વાસ સંબંધિત સમસ્યા રહેતી હોય તેમને આ આસન કરવાથી જરૂર લાભ મળશે.