- મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પટનીબિન મેક્સવેલ
- મૃતક કેરળના કોલ્લમના રહેવાસી હતા
- બે ભારતીય અને ત્રણ થાઈલેન્ડના વ્યક્તિઓ થયા ઈજાગ્રસ્ત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં, આ યુદ્ધ આજે પણ ચાલુ છે. આ દરમિયાન અનેક લોકોએ જીવ ગુમાવ્યા. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં તબાહી મચી ગઈ છે. દરમિયાન, ઇઝરાયેલની ઉત્તરીય સરહદ પર માર્ગલિયોટ નજીકના બગીચામાં લેબનોન તરફથી ટેન્ક વિરોધી મિસાઇલ છોડવામાં આવી હતી.
ભારતીય મજૂરનું થયું મોત
એક ભારતીય મજૂરનું એન્ટી-ટેન્ક મિસાઈલ અથડાતાં મૃત્યુ થયું હતું, જ્યારે બે ભારતીયો સહિત પાંચ મજૂરો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણેય લોકો કેરળના રહેવાસી હતા. આ સાથે જ મળતી માહિતિ અનુસાર મિસાઇલ સોમવારે સવારે લગભગ 11 વાગ્યે લેબનોનથી છોડવામાં આવી હતી અને ઇઝરાયેલના ગેલિલી ક્ષેત્રમાં માર્ગલિયોટના બગીચામાં પડી હતી. જ્યાં તમામ મજૂરો કામ કરી રહ્યા હતા.
હુમલામાં એક ભારતીયનું મોત, બે ઘાયલ
આ હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પટનીબિન મેક્સવેલ હતું, જે કેરળના કોલ્લમના રહેવાસી હતા. હાલમાં તેમને 5 વર્ષની દીકરી છે અને તેમની પત્ની 7 મહિનાની ગર્ભવતી છે. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે ભારતીય અને ત્રણ થાઈલેન્ડના છે. IDFએ ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા. બે ભારતીય ઘાયલ લોકોના નામ બુશ જોસેફ જ્યોર્જ અને પોલ મેલ્વિન છે.
મેક્સવેલના પિતાએ શું કહ્યું?
ઇઝરાયેલમાં મિસાઇલ હુમલામાં માર્યા ગયેલા મેક્સવેલના પિતા પાથ્રોસ મેક્સવેલે જણાવ્યું હતું કે તેમની પુત્રવધૂએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેમના પુત્રને અકસ્માત થયો છે. બાદમાં મને મારા પુત્રના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. મારા ત્રણ પુત્રો છે, જેમાંથી બે ઇઝરાયેલમાં કામ કરે છે જ્યારે એક અબુ ધાબીમાં કામ કરે છે. મેક્સવેલને પાંચ વર્ષની પુત્રી છે જ્યારે તેની પત્ની સાત મહિનાની ગર્ભવતી છે.
ત્રણેય લોકો કેરળના રહેવાસી છે
જણાવવામાં આવી રહ્યું છે કે બુશ જોસેફ જ્યોર્જ નામના ઘાયલ વ્યક્તિના ચહેરા અને શરીર પર ઘણી ઈજાઓ થઈ છે. તેને બેલિન્સન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ડોક્ટરોએ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો છે. બુશ ભારતમાં રહેતા તેમના પરિવારના સભ્યો સાથે પણ વાત કરી શકે છે. પોલ મેલ્વિનને સામાન્ય ઈજા થઈ છે. ઉત્તર ઇઝરાયેલના સેફેડ શહેરની ઝીવ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલ મેલ્વિન કેરળના ઇડુક્કી જિલ્લાનો રહેવાસી છે.
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ભારતીયનું મોત થયું હોય. તાજેતરમાં જ ભારતમાંથી ઘણા લોકો કામ માટે ઈઝરાયેલ ગયા હતા. તાજેતરમાં ભારત અને ઈઝરાયેલ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરાર હેઠળ એક લાખ ભારતીયોને ઈઝરાયેલમાં વર્ક પરમિટ આપવામાં આવશે. ભારતના ઘણા રાજ્યોએ ઇઝરાયેલમાં કામ કરવા માટે ભરતી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હિઝબુલ્લાહ હમાસને સમર્થન આપી રહ્યું છે. તે ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યો છે. ઈઝરાયેલ પણ તેને જડબાતોડ જવાબ આપી રહ્યું છે.


