મુંબઈ ઈન્ડિયન્સની ટીમની અંતિમ લીગ મેચ સમયે ટીમનો ઉત્સાહ વધારવા નીતા અંબાણી દિલ્હી પહોંચ્યા
મહિલાઓ માટે WPL જેવા પ્લેટફોર્મને મહત્વનું ગણાવ્યું.
તાજેતરમાં જામનગર ખાતે અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનનો જાજરમાન માહોલ બધાએ જોયો. અનંત અંબાણીથી લઈ અંબાણી પરિવારના દરેક સભ્યએ આ સમગ્ર કાર્યક્રમની સફળતાનું શ્રેય નીતા અંબાણીને આપ્યું હતું. નીતા અંબાણી નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે.તાજેતરમાં તેણીએ મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા.
વિમેન્સ પ્રિમિયર લીગની આ સિઝનમાં નોકઆઉટ તબક્કાના આરંભ પૂર્વે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેની અંતિમ લીગ મેચ રમી તેની સાથે જ, ટીમ માલિક નીતા અંબાણી પોતાની ટીમનો ઉત્સાહ વધારવા ગઈકાલે દિલ્હી આવ્યા હતા. આ પ્રસંગે તેમણે ભારતમાં રમતગમત ક્ષેત્રે મહિલાઓ માટે WPL જેવા પ્લેટફોર્મના મહત્વ વિશે જણાવ્યું હતું.
તેઓએ WPLને વિશ્વની શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ખભેખભા મિલાવવાની એક સર્વોત્તમ તક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણી દીકરીઓ માટે પ્રદર્શન કરવા આ એક ઉમદા પ્લેટફોર્મ છે. આ દીકરીઓ વિશ્વની શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમી રહી છે અને આ ખરેખર ભાવવિભોર કરનારી અનુભૂતિ છે.”
આ વર્ષે ટીમની ઊભરતી સ્ટાર ખેલાડી સંજનાનો તેમણે ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “મેં સંજનાને એવોર્ડ મેળવતા જોઈ. તે પોલિટિકલ સાયન્સ સ્નાતક છે અને તેના પિતા ઓટો રીક્ષા ચલાવે છે અને તેણે ક્રિકેટ રમવાનું પસંદ કર્યું. હું આશા રાખું છું કે, પોતાની દીકરીઓને તેમની પસંદગીનો વ્યવસાય પસંદ કરવા દેવા માટે આ એક દૃષ્ટાંતરૂપ ઘટના બનશે. માત્ર ક્રિકેટ માટે નહીં, પરંતુ WPL તમામ પ્રકારની રમતોમાં દીકરીઓ માટે એક ઉદાહરણરૂપ લીગ છે. દરેક માતા પિતાને હું અપીલ કરું છું કે દીકરીઓ જે ફિલ્ડમાં આગળ આવવા માગતી હોય તેમ પ્રોત્સાહન આપે. તેમને પોતાની પસંદગીનું ફિલ્ડ નક્કી કરવા દો.”
નીતા અંબાણીએ માતાપિતાને પણ પ્રોત્સાહિત કર્યા કે તેઓ પોતાની દીકરીઓને જે ક્ષેત્રમાં રસ છે તે ક્ષેત્ર પસંદ કરવા દે. દીકરીને તેનું સ્વપ્ન સાકાર થાય તે માટે મદદરૂપ થાય અને પોતાની દીકરીઓ સાથે હરહંમેશ અડીખમ ઊભા રહે.