આપણે વાસ્તવિકથી શરૂઆત નથી કરતા, હકીકતથી શરૂઆત નથી કરતા. આપણે જે વિચારીએ છીએ, જે કરીએ છીએ, જે ઈચ્છીએ છીએ તેનાથી શરૂઆત નથી કરતા; આપણે ધારણાઓ, માની લીધેલી બાબતોથી અથવા આદર્શોથી શરૂઆત કરીએ છીએ કે જે વાસ્તવિક્તા નથી અને તેથી આપણી ગાડી અવળે પાટે ચડી જાય છે. ધારણાઓથી નહીં, પરંતુ હકીકતોથી શરૂઆત કરવા માટે આપણે નજીકથી ધ્યાન આપવું જોઈએ અને જે વિચાર વાસ્તવિક બાબતમાંથી ન ઉદ્ભવતો હોય તેવા સ્વરૂપનો દરેક વિચાર આપણને ખોટી દિશામાં લઈ જાય છે.
એટલા માટે જ આપણી અંદર અને આપણી આસપાસ વાસ્તવમાં ખરેખર શું થઈ રહ્યું છે તે સમજવું અત્યંત મહત્ત્વનું છે. તમે ધર્મના હશો તે પ્રકારનું દર્શન ધરાવતા હશો. તમારા પૂર્વ સંસ્કારના બંધન અનુસાર, તમારું શિક્ષણ, જેમાં તમારો ઉછેર થયો છે એ સંસ્કૃતિ ઉપર તમારાં દર્શનનો આધાર છે. આ એક વાસ્તવિકતા છે; આ દર્શન કે પછી આ મન કે જેને કોઈ નિશ્ચિત બીબામાં ઢાળવામાં આવ્યું છે. આ દર્શન કોઈ ખાસ પરંપરાની રજૂઆત છે કે જે મનની પૂર્વભૂમિકાનું સ્વરૂપ બની જાય છે. આ પૂર્વ સંસ્કારનાં બંધનો જ વાસ્તવિકતા છે. એ જ હકીકત છે, તે રજૂ કરે છે એ દર્શન વાસ્તવિકતા નથી. હકીકતને સમજવી સહેલી છે, પરંતુ તે હકીકત વિશેની આપણી પસંદગી દ્વારા અને આપણા અણગમા દ્વારા, હકીકતની નિંદા દ્વારા, અભિપ્રાય કે નિર્ણય દ્વારા તે હકીકતને મુશ્કેલ બનાવી દેવામાં આવે છે. મૂલ્યાંકનનાં વિવિધ સ્વરૂપોથી મુક્ત થવું એટલે જ વાસ્તવિકતાની જે છે તેની સમજણ મેળવવી.
હકીકતોના અર્થઘટનમાં નિરીક્ષણ પ્રક્રિયા અવરોધાય છે
જે મન હકીકત વિશે અભિપ્રાય આપે છે તે સંકુચિત, મર્યાદિત અને વિનાશક મન છે. તમે હકીકતનું અર્થઘટન એક રીતે કરી શકો અને હું તેનું અર્થઘટન બીજી રીતે કરી શકું. હકીકતનો અનુવાદ એવો શાપ છે કે જે આપણને વાસ્તવિક હકીકતને જોતાં અને તેને વિશે કંઈ પણ કરતાં અટકાવે છે. જ્યારે તમે અને હું એ હકીકત વિશે આપણા અભિપ્રાયોની ચર્ચા કરતા હોઈએ ત્યારે હકીકત વિશે કશું જ કરવામાં નથી આવતું. કદાચ તમે એ હકીકતમાં ઉમેરો કરી શકો, એ હકીકતના તાત્પર્યને કે મહત્ત્વને વધારે સારી રીતે જોઈ શકો અને હું એ જ હકીકતનું મહત્ત્વ કદાચ ઓછું આંકુ, પરંતુ હકીકતનું અર્થઘટન ન કરી શકાય. હું હકીકત વિશે મારો અભિપ્રાય આપી શકું નહીં. તે એવું જ છે અને એ હકીકતનો સ્વીકાર કરવો મન માટે બહુ જ મુશ્કેલ છે. આપણે હંમેશાં અનુવાદ કરીએ છીએ. આપણે હંમેશાં આપણાં પૂર્વગ્રહો, પૂર્વ સંસ્કારનાં બંધનો, આશા, ભય અને એ બધાં મુજબ તે હકીકતના જુદા જુદા અર્થો કરીએ. જો તમે અને હું એ હકીકતને અભિપ્રાય દર્શાવ્યા વગર, અર્થઘટન કર્યા વગર, મહત્ત્વ આપ્યા વગર જોઈએ તો એ હકીકત ઘણી ઘણી વધારે જીવંત બની જાય છે. વધારે જીવંત નહીં, પરંતુ ત્યાં એકલી હકીકત જ છે, બીજી કોઈ વાતનું મહત્ત્વ નથી; ત્યારે હકીકતની પોતાની જ શક્તિ એટલી પ્રબળ હોય છે કે જે તમને સાચી દિશામાં લઈ જાય છે.


