નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપવા માટેનો અભિનવ પ્રયોગ છે. ડૉ. નરેન્દ્રભાઈ દવે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ” રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ” નિમિત્તે યોજવામાં આવેલી રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સ્મૃતિ ચિન્હ શિલ્ડ અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રથી સન્માનિત કરવાનો કાર્યક્રમ ૨૨મી માર્ચ, રવિવારના રોજ રાજકોટ ખાતે યોજાઈ ગયો. આ નિબંધ સ્પર્ધા ચાર વિભાગમાં અને ૧૨ વિષયો ઉપર યોજવામાં આવેલ હતી. સમગ્ર ગુજરાતમાંથી ૧૫ જીલ્લાના કુલ ૭૫૦ સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો, જેમાંથી પ્રથમ ત્રણ ૩૭ સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. વિરમભાઇ સાંબડ દ્વારા પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે , ગ્રંથાલયો એ સમાજની વિદ્યાપીઠ છે. વાંચન દ્વારા લોકોમાં જ્ઞાનનું વિસ્તરણ થાય છે અને સમાજ જીવનના મૂલ્યોમાં આમૂલ પરિવર્તન આવે છે. ગ્રંથાલય ભારતીના અધ્યક્ષ ડૉ. નરેન્દ્રભાઈ દવે એ જણાવ્યું હતું કે, નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપવા માટેનો એક અભિનવ પ્રયોગ છે, જે વિદ્યાર્થી જીવન ઘડતર માટેનો મહત્વપૂર્ણ ભાગ છે.
આ પ્રસંગે ગ્રંથાલય વિજ્ઞાનના તજજ્ઞ અને ગ્રંથાલય ભારતી ના મહામંત્રી દિલીપભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, શરીરના પોષણ માટે જેમ હવા, પાણી અને ખોરાકની જરૂર છે, તે રીતે માનસિક પોષણ માટે વાંચન ઉત્તમ ખોરાક છે. અનેક મહાન પુરુષોના જીવન પરિવર્તન વાંચન દ્વારા થયા છે. ગ્રંથાલય ભારતીના મંત્રી ડૉ. રાજેશભાઈ ત્રિવેદીએ સંસ્થાનો પરિચય આપી ઉદ્દેશ્ય અને કાર્યો વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમના અતિથિ ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રના મહામંત્રી વિનોદભાઈ લાઠીયા ખાસ ઉપસ્થિત રહેલા હતા.
આ પ્રસંગે નિબંધ સ્પર્ધાના નિર્ણાયકો શીતલબેન ભાડેશિયા, શ્વેતાબેન સોઢા અને નરેન્દ્રભાઈ આરદેસણાએ સેવા આપી હતી. આ પ્રસંગે મહિલા પ્રતિનિધિ અને ગ્રંથાલય વિજ્ઞાનમાં પી. એચ. ડી. ડિગ્રી મેળવનાર ડૉ.સોનલબેન જોષીનું અભિવાદન કરવામાં આવેલું.
આ કાર્યક્રમનું સંચાલન કાર્યાલય પ્રમુખ જયેશભાઈ સંઘાણીએ કર્યું હતું.
કાર્યક્રમની સફળતા માટે કોષાધ્યક્ષ ધવલભાઇ જોશી, મીડિયા પ્રભારી હિતેષભાઈ ત્રિવેદી, ડૉ.સોનલબેન જોશી, મનીષાબેન મકવાણા, કેતનભાઇ પરમાર તથા કલ્પેશભાઈ છાયાવગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.


