- એક વર્ષમાં ઓવરસ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ કે અકસ્માતના ગુનામાં સંડોવાયેલા
- 3-6 માસ માટે સસ્પેન્ડ થયેલા લાઇસન્સમાં 75 ટકા કારચાલકોના !
- અમદાવાદમાં સસ્પેન્ડ બાદ અરજી કરનાર 35 વાહન ચાલકોના લાઇસન્સ રિલીઝ કરાયા છે
અમદાવાદ સહિત અન્ય રાજ્યમાં ઓવરસ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, અકસ્માત અને રોંગ સાઇડ વાહન ચલાવનાર 856 વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. જેમાં 75 ટકા કાર ચાલકો છે. ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરનાર વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા આવેલી અરજીના આધારે સબંધિત આરટીઓ કચેરીમાં સુનાવણી થાય છે. સુનાવણી બાદ વાહનનું લાઇસન્સ ત્રણ થી લઇ છ મહિના સુધી સસ્પેન્ડ થાય છે. અમદાવાદમાં સસ્પેન્ડ બાદ અરજી કરનાર 35 વાહન ચાલકોના લાઇસન્સ રિલીઝ કરાયા છે.
અમદાવાદની સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓ કચેરીમાં જાન્યુઆરીથી ડિસેમ્બર 23 સુધીમાં એટલેકે છેલ્લા એક વર્ષમાં લાઇસન્સ સસ્પેન્ડ માટે 1026 અરજી આવી હતી. જેમાંથી 856 વાહન ચાલકોની રૂબરૂમાં સુનાવણી કરી લાઇસન્સ સસ્પેન્ડનો હુકમ કરાયો છે. આમાંથી સસ્પેન્ડની મુદ્દત પુરી થયા બાદ મળેલી અરજીના આધારે અત્યાર સુધીમાં 35 લાઇસન્સ રિલિઝ કરી દેવાયા છે. જ્યારે અન્ય જિલ્લા કે રાજ્યની ઓથોરિટીમાં આવતી 135 અરજી ટ્રાન્સફર કરાઇ છે.
120 મહિલાઓના વાહનના લાઇસન્સ સસ્પેન્ડ
અમદાવાદ કે અન્ય રાજ્યમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહનના લાઇસન્સ સસ્પેન્ડ માટે છેલ્લા એક વર્ષમાં સ્થાનિક આરટીઓ કચેરીમાં આવેલી કુલ 856માંથી 120 અરજીમાં વાહન ચાલક મહિલા છે. રસ્તા પર રોંગસાઇડ, ઓવરસ્પીડ અને મોબાઇલ ફોન પર વાત કરવા સાથે વાહન ચલાવના ગુના બદલ 120 મહિલાઓના લાઇસન્સ ત્રણથી છ મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. 120માંથી 45 ટકા લાઇસન્સ અન્ય રાજ્યના ગુનાભંગના છે.
ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી અંદાજે 447 લાઇસન્સ સસ્પેન્ડની અરજી મળી
છેલ્લા એક વર્ષમાં 355 રાજસ્થાન, 68 ગોવા, 2 બેંગ્લુર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાંથી મળી 447 અરજી લાઇસન્સ સસ્પેન્ડ માટે આવી હતી. તમામ લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે. અમદાવાદીઓ અન્ય રાજ્યમાં ફરવા જાય ત્યારે ઓવરસ્પીડ, રોંગસાઇડ કે ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ટ્રાફિક નિયમનો ભંગ બદલ તે રાજ્યની પોલીસ ગુનો નોંધી લાઇસન્સ નંબર સાથે સસ્પેન્ડ માટેની અરજી સબંધિત આરટીઓ કચેરીને મોકલી આપે છે. જેના આધારે સબંધિત આરટીઓ કચેરી સુનાવણી કરી લાઇસન્સ સસ્પેન્ડ કરે છે.


