હિસંસ્કૃતિમાં દીપક એટલે કે દીવો કરવો તેને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઘરની ગૃહલક્ષ્મીઓ સવારે અને સાંજે મંદિરમાં અને તુલસી ક્યારે દીવો અવશ્ય કરે છે. કેટલાંક ઘરોમાં અખંડ દીવો પણ રાખવામાં આવે છે. રોજિંદી પૂજા, ધાર્મિક પ્રસંગો, ઉત્સવોમાં દીવો પ્રગટાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં અગિયારસથી લઈને લાભ પાંચમ સુધી ઘરની બહાર દીવાઓ કરવામાં આવે છે. દીવાને કારણે ઘર ઝગમગી ઊઠે છે. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કે ઉદ્ઘાટન જેવા સામાજિક પ્રસંગોનો શુભારંભ પણ દીપપ્રાગટ્ય દ્વારા જ કરવામાં આવે છે અને પ્રસંગ કે કાર્યક્રમની પૂર્ણાહુતિ સુધી રાખવામાં આવે છે. પૂજન, ધાર્મિક પ્રસંગ-ઉત્સવ, સામાજિક પ્રસંગમાં દીપકનું ખાસ સ્થાન રહેલું છે. દીપક તો પ્રગટાવી દીધો, પરંતુ શા માટે આપણે દીપક પ્રગટાવીએ છીએ?
રાત્રિના અંધકારમાં જ્યારે દીપક પ્રગટાવવામાં આવે છે ત્યારે પ્રકાશ ફેલાય છે અને થોડે ઘણે અંશે અંધકાર દૂર થાય છે. પ્રકાશ એ જ્ઞાનનું પ્રતીક છે અને અંધાર એ અજ્ઞાનનું પ્રતીક છે. ઈશ્વર એ જ્ઞાનના પુંજ છે. તેઓ ચૈતન્ય સ્વરૂપ છે. તેઓ જ સર્વ પ્રકારનાં જ્ઞાનનું ઉદ્ભવસ્થાન છે. તે સાચા જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનના સાચા સાક્ષી છે. તેથી ઈશ્વરરૂપે દીપક એટલે કે પ્રકાશની આરાધના કરવામાં આવે છે.
જેવી રીતે પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેવી જ રીતે જ્ઞાન એ અજ્ઞાનનો નાશ કરે છે. વળી, જ્ઞાન એવી આંતરસંપત્તિ છે કે જેના થકી સર્વ પ્રકારની બાહ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. તેને કારણે જ આપણે જ્ઞાનને વંદન કરીએ છીએ. આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ, આપણે જે પણ સારાં-નરસાં કર્મો કરીએ છીએ તે બધાનો આધાર જ્ઞાન જ છે, તેથી જ આપણે શુભ કાર્ય કે પ્રસંગે આપણા સર્વ વિચારો અને કર્મોના સાક્ષી સ્વરૂપે દીપકને પ્રગટાવેલો રાખીએ છીએ.
પ્રકાશનાં પ્રાપ્તિસ્થાનો ઘણાં છે. આધુનિક સમયમાં દીપકનું સ્થાન વીજળીના ગોળા કે ટ્યૂબલાઈટોએ લઈ લીધું છે. જો માત્ર પ્રકાશ જ પ્રાપ્ત કરવો હોય તો વીજળીના ગોળા દ્વારા પણ મળે છે. તે પછી પ્રશ્ન એ થાય કે ઘીનો દીવો શા મટે કરવામાં આવે છે? તેલ કે ઘીનો દીવો કરવા પાછળ આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક મહત્ત્વ રહેલું છે. દીવો કરવાથી ઘી હવામાં ફેલાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે તથા હવામાના કીટાણુઓનો નાશ થાય છે. દીવામાં રહેલું ઘી આપણામાં રહેલી વાસનાઓનું અને નકારાત્મક વૃત્તિઓનું પ્રતીક છે, જ્યારે વાટ અહંનું પ્રતીક છે. દીવો આપણને જણાવે છે કે આધ્યાત્મિક જ્ઞાન વડે વાસનાઓનો ધીમે-ધીમે ક્ષય થાય છે અને અંતે અહં પણ નાશ પામે છે. દીપકની જ્યોત હંમેશાં ઊર્ધ્વગામી હોય છે. એ જ રીતે આપણે ઉચ્ચ આદર્શો પ્રત્યે ગતિ થાય એવું જ્ઞાન સંપાદન કરવું જોઈએ.
એક જલતા દીપક વડે હજારો દીપક પ્રગટાવી શકાય છે. તે જ રીતે એક વિદ્વાન માણસ પોતાનું જ્ઞાન અનેકને આપી શકે છે. બીજા દીપકોને પ્રગટાવવા છતાં મૂળ દીપકનો પ્રકાશ ક્યારેય ઝંખવાતો નથી. બરાબર એ જ રીતે જ્ઞાનનું અનેકોમાં વિતરણ કરવાથી જ્ઞાન વધારે તર્કશુદ્ધ બને છે. જ્ઞાનમાં આપણી નિષ્ઠા વધારે પાકી બને છે. આ પ્રક્રિયામાં જ્ઞાનના દાત અને પ્રદાતા એટલે કે આપનાર અને મેળવનાર બંને સમૃદ્ધ થાય છે.
દીપક પ્રગટાવતી વખતે કરવાની પ્રાર્થના નીચે મુજબ છે.
દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોડપ:।
દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોડસ્તુતતે॥
હું સંધ્યાકાળે દીપકને વંદન કરું છું. તેનો પ્રકાશ પરમચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે અને તેના થકી જ જીવનમાં સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.


