- ગુજરાતીઓએ ભાજપને ખોબલે ખોબલા મત આપ્યા છે
- ગુજરાતમાં 14 લાખ ધારકો પુનઃ ગેસ સિલિન્ડર ભરાવી શકતા નથી
- ગુજરાતના લોકો અત્યારે 1100 આસપાસના ભાવે ગેસ સિલિન્ડર ખરીદે
ભાજપની સરકારે રાજસ્થાનમાં 450 રૂપિયાનો ગેસ સિલિન્ડર આપવાની નવા વર્ષે જાહેરાત કરી છે, જેને લઈ ગુજરાતમાં એવા સવાલો ઊભા કરાયા છે કે, ગુજરાતની જનતા પણ મોંઘવારીમાં પીસાઈ રહી છે, ગુજરાતીઓને ભાજપ સરકાર ક્યારે ન્યાય અપાવશે અને તેમને 450નો ગેસનો બાટલો ક્યારે મળતો થશે, એ વિશે સ્પષ્ટતા કરવી જોઈએ. સૂત્રો કહે છે કે, ગુજરાતમાં 61,35,487 જેટલા ગેસ કનેક્શન ધારકો છે, જે અત્યારે મોંઘા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી રહ્યા છે. ગુજરાતના લોકો અત્યારે 1100 આસપાસના ભાવે ગેસ સિલિન્ડર ખરીદે છે. ભાજપ રાજસ્થાનમાં રૂ. 450ના ભાવે સિલિન્ડર આપી શકે તો ગુજરાતમાં કેમ નહિ? ગુજરાતીઓએ તો ભાજપને ખોબલે ખોબલા મત આપ્યા છે તો તેમની સાથે અન્યાય કેમ કરાય છે? ગુજરાતમાં ઉજ્જવલા યોજના હેઠળ 40 લાખ ગેસ કનેક્શનમાંથી 35 ટકા એટલે કે 14 લાખ જેટલા ઉજ્જવલા ગેસ કનેક્શન ધારકો પુનઃ ગેસ સિલિન્ડર પણ ભરાવી શકતા નથી. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. સરકારના આંકડા મુજબ 54 ટકા કરતાં વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યા છે અને બિનસરકારી આંકડો તેનાથી પણ વધુ હોવાનો અંદાજ છે.


