GOAT ઇન્ડિયા ટૂર 2025 અંતર્ગત લિયોનેલ મેસ્સી કોલકાતા આવ્યા હતા. તેમની સાથે આર્જેન્ટિનાના ખેલાડીઓ રોડ્રિગો ડી પોલ અને લુઇસ સુઆરેઝ પણ હાજર હતા. એરપોર્ટથી લઈને શહેરના માર્ગો સુધી રાત્રે પણ ચાહકોનો ઉત્સાહ છલકાયો હતો, જ્યાં કાફલો પસાર થયો ત્યાં ભીડ ઉમટી પડી હતી.
હજારો ખર્ચ કર્યા ન મળી એક ઝલક
શનિવારે મેસ્સી સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યા, પરંતુ હજારો રૂપિયાની ટિકિટ ખરીદનારા ઘણા ચાહકોને તેમની એક ઝલક પણ ન મળી. આથી નારાજગી ફાટી નીકળી. સ્ટેડિયમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ગુસ્સે ભરાયેલા ચાહકો ખુરશીઓ, બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકતા જોવા મળે છે. ચાહકોનો આરોપ છે કે 10,000 રૂપિયા કે તેથી વધુ કિંમતની ટિકિટ હોવા છતાં મેસ્સી મેદાનમાં માત્ર થોડા જ મિનિટ રહ્યા અને સુરક્ષા ઘેરામાં હોવાથી તેમને જોઈ શકાયા નહીં.
અબરામની મેસ્સી સાથેની ખાસ મુલાકાત
આ બધાની વચ્ચે શાહરૂખ ખાન અને તેમના પુત્ર અબરામની મેસ્સી સાથેની ખાસ મુલાકાત ચર્ચામાં રહી. શાહરૂખના બંને દીકરા મેસ્સીના મોટા ચાહક છે. ખાસ કરીને નાનો દીકરો અબરામ મેસ્સીને મળતાં ખૂબ ઉત્સાહિત અને ખુશ દેખાયો. શાહરૂખે મેસ્સી સાથે થોડીવાર વાતચીત કરી, જેમાં મેસ્સી પણ સ્મિત સાથે જોવા મળ્યા.
લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો
મુલાકાત બાદ શાહરૂખ ખાન અને અબરામે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો. શાહરૂખ–મેસ્સીની આ મુલાકાતનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જ્યારે બીજી તરફ સ્ટેડિયમમાં થયેલા હોબાળા કારણે આયોજકો પર પ્રશ્નો ઊભા થયા છે.


