આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. ભારતીય ફૂટબોલ ચાહકો તેમની એક ઝલક પામવા માટે ઉત્સાહિત છે. મેસ્સી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવનાર છે. તેમના પ્રવાસને ‘GOAT India Tour’ નામ આપવામાં આવ્યું છે. મેસ્સી 13 થી 15 ડિસેમ્બર સુધી ભારતમાં રહેશે, અને ચાર અલગ અલગ શહેરો કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીની મુલાકાત લેશે.
વડાપ્રધાનથી લઇને અનેક દિગ્ગજોને મળશે
આ પ્રવાસ દરમિયાન, મેસ્સી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, અને અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સહિતના અગ્રણીઓને મળશે. વધુમાં, તેમના ભૂતપૂર્વ સાથી અને સુપરસ્ટાર ફૂટબોલર લુઈસ સુઆરેઝ અને વર્લ્ડ કપ વિજેતા રોડ્રિગો ડી પોલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
ફેન્સને મેસ્સીને મળવાની તક મળશે
ફેન્સને મેસ્સીને મળવાની તક મળશે. લિયોનેલ મેસ્સીના ભારતીય ચાહકો માટે આ તક એક સ્વપ્ન સાકાર થવાથી ઓછી નથી. હકીકતમાં, આયોજકોએ ચાહકો માટે “મીટ એન્ડ ગ્રીટ” સત્રનું આયોજન કર્યું છે, જ્યાં તેઓ મેસ્સી સાથે હાથ મિલાવી શકે છે, તેની સાથે ફોટા પાડી શકે છે અને તેની સાથે થોડો સમય વિતાવી શકે છે. પરંતુ આ સ્વપ્નની કિંમત પણ છે. ફક્ત એક ફોટો અને મીટિંગનો ખર્ચ ₹9.95 લાખ વત્તા GST (આશરે ₹10 લાખ) થશે.
એક ફ્રેન્ડલી મેચ પણ રમશે
મેસ્સી હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી મેચ પણ રમશે, જેમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ ભાગ લેશે. સાંજે મેસ્સી સાથે એક મ્યુઝિકલ કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અહિંયાથી મેળવો ટિકિટ
મેસ્સીની ઇન્ડિયા ટૂર માટેની ટિકિટ ડિસ્ટ્રિક્ટ એપ પર ઉપલબ્ધ છે, જ્યાં તમે તમારા શહેરમાં યોજાનારી ઇવેન્ટ્સ માટે ટિકિટ ખરીદી શકો છો. મોટાભાગના શહેરોમાં ટિકિટની કિંમત રૂ. 4,500 ની આસપાસ છે, જ્યારે મુંબઈમાં રૂ. 8,250 થી શરૂ થાય છે.
આ પણ વાંચો -U19 Asia Cup : ટીમ ઈન્ડિયાએ UAEને 234 રને હરાવ્યું, વૈભવે ધમાકેદાર સદી ફટકારી


