- ટીમના 5 ક્રિકેટરોની કિટમાંથી દારૂની બોટલો અને બિયર મળી આવ્યા
- સીકે નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્રની અંડર-23 ટીમનો ભાગ છે આ ખેલાડીઓ
- આ ઘટનાએ ભારતીય ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે
ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં, ચંદીગઢ એરપોર્ટ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર-23 ટીમ પાસેથી દારૂની 27 બોટલ અને બિયરના બે કેન મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર-23 ટીમના 5 ક્રિકેટરોની કિટમાંથી દારૂની બોટલો અને બિયર મળી આવ્યા છે. જે ક્રિકેટરો પાસેથી દારૂની બોટલો અને બિયર મળી આવ્યા હતા તે સીકે નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્રની અંડર-23 ટીમનો ભાગ છે.
શું છે સમગ્ર મામલો?
25 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રની ટીમે સીકે નાયડુ ટ્રોફીમાં યજમાન ચંદીગઢને હરાવ્યું હતું. આ પછી સૌરાષ્ટ્રના ક્રિકેટરો રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર કાર્ગોમાં રાખતા પહેલા કીટની ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ તે પછી જે થયું તે આશ્ચર્યજનક છે. સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરો સાથે દારૂની 27 બોટલ અને બિયરના 2 કેસ મળી આવ્યા હતા. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ દ્વારા કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પરંતુ આ ઘટનાએ ભારતીય ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને શું કહ્યું?
આ પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચંદીગઢમાં એક કથિત ઘટના બની છે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ધ્યાન પર લાવવામાં આવી છે. કથિત ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે એથિક્સ/ડિસિપ્લિનરી કમિટી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે અને યોગ્ય શિસ્તના પગલાં લેશે.


