દમણથી લવાયેલ દારૂ છૂટકમાં વેચાણ થાય તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, રૂ.6.78 લાખનો મુદામાલ કબ્જે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. રામનાથપરા વિસ્તારમાં જુની જેલ સામે સ્વીફ્ટ કારમાં ભરેલ દારૂની મોટી ખેપ સાથે એક યુવાન બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કાર સહિત કુલ રૂ.6.78 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસાર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયા તથા તેમની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન પીએસઆઈ વી.ડી.ડોડીયા, એએસઆઈ અમિતકુમાર અગ્રાવત, હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ કોટીલા અને દિલીપભાઈ બોરીયાને રામનાથપરા જુની જેલ સામે નવયુગપરા શેરી નં.2ના ખૂણે રોડ ઉપર એક કારમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડો પાડતા સ્વીફ્ટ કાર (રજી.નં. GJ-10-AP-8311)માંથી અલગ-अलग બ્રાન્ડની કુલ 864 દારૂની બોટલ મળી આવી.
પોલીસે દિલીપ શંકર પરમાર (ઉ.વ.22, રહે. જનકપુરી આવાસ યોજના, સાધુ વાસવાણી રોડ, રાજકોટ)ની ધરપકડ કરી છે. આરોપી પાસેથી અંદાજે રૂ.2.78 લાખ કિંમતનો દારૂ અને કાર સહિત કુલ રૂ.6.78 લાખનો મુદામાલ કબ્જે લેવાયો છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દમણથી દારૂ લાવી રાજકોટમાં છૂટકમાં વેચાણ કરવાનો ઇરાદો હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીના રીમાન્ડ માટે કોર્ટમાં રજૂઆત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.


