આપણે સહુને દુ:ખ હોય છે. શું તમારે એક યા બીજા સ્વરૂપનું દુ:ખ નથી? અને શું તમે તેના વિશે જાણવા માગો છો? જો તમે એ વિશે જાણવા માંગતા હો તો તમે તેનું વિશ્લેષણ કરી શકો અને સમજી શકો કે તમે શા માટે દુ:ખ ભોગવો છો. તમે આ વિષય ઉપર પુસ્તકો વાંચી શકો અથવા ચર્ચામાં જઈ શકો અને ત્યાં તમને દુ:ખ વિશે તરત જ કંઈક જાણવા મળશે, પરંતુ હું તે વિશે વાત નથી કરી રહ્યો; હું તો દુ:ખનો અંત લાવવા વિશે કહી રહ્યો છું. જ્ઞાનથી દુ:ખનો અંત આવતો નથી. દુ:ખનો અંત લાવવાની શરૂઆત ભીતરથી, માનસિક હકીકતનો સામનો કરવાથી અને ક્ષણે ક્ષણે એ હકીકતોના સઘળા સૂચિતાર્થોથી સંપૂર્ણપણે સભાન રહેવાથી થાય છે. તેનો અર્થ એ છે કે આપણે દુ:ખી છીએ. એ હકીકતથી ક્યારેય ભાગવાનું નહીં, ક્યારેય તેને તર્કસંગત નહીં બનાવવાનું, તેના વિશે ક્યારેય કોઈ અભિપ્રાય નહીં દર્શાવવાનો, પરંતુ તે હકીકત સાથે સંપૂર્ણપણે રહેવાનું.
તમે જાણો છો કે પેલા પર્વતોના સૌંદર્યની સાથે રહેવાનું અને તેનાથી ટેવાઈ ન જવું બહુ મુશ્કેલ છે. તમે એ પર્વતોનું નિરીક્ષણ કર્યું છે, તેનાં ઝરણાંને સાંભળ્યાં છે અને એ પડછાયાને ધીમે ધીમે ખીણમાં લંબાતા જોયા છે. રોજેરોજ અને શું તમે કેટલી સહેલાઈથી તેનાથી ટેવાઈ ગયા છો તેની નોંધ તમે નથી લીધી? તમે કહો છો: `હા, તે કેટલું સુંદર છે!’ અને તમે તેની પાસેથી પસાર થઈ જાઓ છો. સૌંદર્યની સાથે રહેવા માટે અથવા કોઈ કુરૂપ વસ્તુની સાથે રહેવા માટે અને તેનાથી ટેવાઈ ન જવાય તે માટે પ્રચંડ શક્તિની જરૂર પડે છે. એક એવી સભાનતાની જરૂર પડે છે જે તમારા મનને નિરુત્સાહી ન કરી દે. એ જ પ્રમાણે જો તમે કેવળ તેનાથી ટેવાઈ જાઓ તે દુ:ખ મનને નિરુત્સાહી કરી દે છે અને મોટાભાગના લોકો આ પ્રમાણે દુ:ખથી ટેવાઈ જાય છે, પરંતુ તમારે દુ:ખથી ટેવાઈ જવાની જરૂર નથી. તમે દુ:ખ સાથે રહી શકો છો, તેને સમજો, તેની તપાસ કરો, પરંતુ તેની વિશે જાણવા માટે નહીં, તેની સાથે રહેવા માટે.
તમે જાણો છો કે દુ:ખ છે; તે હકીકત છે અને તેમાં વિશેષ જાણવા જેવું કંઈ જ નથી. તમારે તેની સાથે જ રહેવાનું છે.
દુ:ખ સાથે ગાઢ સંબંધ બાંધો
દુ:ખને સમજવા માટે તમારે દુ:ખને પ્રેમ કરવો જોઈએ, શું ન કરવો જોઈએ? એટલે કે તમારે તેની સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ. જો તમારે કોઈ બાબતને સમજવી હોય તો તમારો પાડોશી, તમારી પત્ની અથવા કોઈ પણ સંબંધને સમજવો હોય તો તમારે તેની સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ. જો તમે કોઈ પણ બાબતને સંપૂર્ણપણે, વિરોધ વગર, પૂર્વગ્રહ વગર, નિંદા કર્યા વગર કે તિરસ્કાર કર્યા વગર સમજવા માંગતો હો તો તમારે તેની નજીક આવવું જ જોઈએ; તમારે તેની તરફ જોવું જ જોઈએ, શું ન જોવું જોઈએ? જો હું તમને સમજતો હોઉં તો મને તમારા પ્રત્યે કોઈ પૂર્વગ્રહ ન જ હોવો જોઈએ. મારામાં મારા કોઈ પણ પૂર્વગ્રહ અને પૂર્વસંસ્કારોનાં બંધનો જેવા અવરોધ વગર તમને જોવા માટેની સમર્થતા હોવી જ જોઈએ. મારે તમારી સાથે ગાઢ સંબંધ હોવો જ જોઈએ. તેનો અર્થ એ છે કે મારે તમને પ્રેમ કરવો જોઈએ. તે જ રીતે, જો હું દુ:ખને સમજવા માંગતો હોઉં તો મારે તેને પ્રેમ કરવો જ જોઈએ, મારે તેની સાથે ગાઢ સંબંધ બાંધવો જ જોઈએ.