- કેનાલમાં પાણી ચાલુ નથી કર્યુ છતાંય સિમેન્ટ નથી તો પાણી ચાલુ હોત તો શું થયું હોત ?
- સવલાણાની સીમમાં જમીન સંપાદન બાકી હોવાના કારણે થોડુ કામ અધૂરું હોવાનો તંત્રનો લુલો બચાવ
- સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલના કામોમાં ઠેર ઠેર ગેરરીતિ છતી થતી હોય
લખતર તાલુકાના મોઢવાણા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ બની ત્યાંરથી કેનાલમાં પાણી શરૂ જ નથી થયું. તેમ છતાંય બનેલી કેનાલ ઉપરથી સીમેન્ટનું પ્લાસ્ટર નીકળી ગયેલુ અને માત્ર ને માત્ર માઈનોર કેનાલમાં કોંક્રીટ જ દેખાય છે. ત્યારે નર્મદાના અધિકારી દ્વારા માત્ર એક જ ખેતરમાં જમીન સંપાદન કરવાનું બાકી હોવાના કારણે કેનાલમાં પાણી છોડી શકાયુ નથી. પરંતુ જમીન સંપાદન થાય તો પણ કેનાલમાં પાણી ચાલુ થઇ શકે એવી હાલત જ નથી. આમ નર્મદા કેનાલમાં ઠેર ઠેર કામોમાં ગેરરીતિ દેખાઇ રહી છે. હવે કયારે પાણી શરૂ થશે એની ખેડૂતો રાહ જોઇને બેઠા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલના કામોમાં ઠેર ઠેર ગેરરીતિ છતી થતી હોય છે. જેના કારણે કેનાલના પાણી અનેક જગ્યાએ લીકેજ થતા હોવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોના પાકને અને જમીનને મોટાપાયે નુકશાન થતુ હોવાથી ખેડૂતો વારંવાર રજૂઆતો કરતા હોય છે. સમયસર કેનાલની સફાઇ ન કરતા હોવાના કારણે છેવાડાના ખેડૂતોને પુરતુ પાણી પણ નથી પહોચતુ. ત્યારે લખતર તાલુકાના મોઢવાણા ગામ પાસેથી ઇંગ્રોળીગામ તરફ જતી નર્મદા કેનાલની માઇનોર ડી-5 કેનાલ નવી બનેલી પડી છે. પરંતુ આ કેનાલ બની ત્યારથી હજુ સુધી આ પાણી શરૂ જ નથી થયુ. કેનાલ અનેક જગ્યાએ તુટેલી અને કેનાલ ઉપર દબાણ જોવા મળી રહયા છે. સાથે જોવા જેવી બાબત એ છે કે આ કેનાલમાં ક્યાંય સીમેન્ટનું પ્લાસ્ટર દેખાતુ નથી માત્ર કોંક્રીટ જ દેખાય છે અને નર્મદાના ઇજનેર અર્પણ જાની જણાવે છે કે આગળ સંપાદનની સમસ્યા ઉકેલાતાની સાથે જ કેનાલમાં પાણી ચાલુ થઇ જશે. પરંતુ કેનાલમાં પાણી છોડાય એવે સ્થિતી જ નથી. આમ તંત્રના વાંકે ખેડૂતોને ખેતીવાડીમાં ખરી જરૂરિયાત ટાણે પણ ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી તાત્કાલીક આ કેનાલની ગંભીર સમસ્યા ઉકેલી વહેલામાં વહેલી તકે પાણી ચાલુ કરાય એવી ખેડૂતોની માંગ ઉઠી છે.


