- 25થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાશે મહોત્સવ
- મહોત્સવ સ્થળ ખાતે ઊભી કરાશે અનેક સુવિધાઓ
- ક્રાફ્ટ બજાર, ફૂડ માર્કેટના 100 સ્ટોલ ઉભા કરાશે
આગામી 25 થી 29 ડિસેમ્બર સુધી પાવાગઢ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહોત્સવ સાઈટ ખાતે ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ 100 સ્ટોલ ઉભા કરવામાં આવશે.
તો સાથે સાથે, ટ્રાફિક ડાઈવર્ઝન, પાર્કિંગ, સ્વચ્છતા, સુરક્ષા માટેની પણ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા વડા તળાવ ખાતે આવેલ પંચ મહોત્સવ સાઈટની મુલાકાત લેવામાં આવી હતી. પંચમહોત્સવ દરમિયાન પાંચ દિવસ સુધી જુદા જુદા નામાંકિત કલાકારો મ્યુઝિકલ ઇવનિંગમાં પોતાની કલા લોકો સમક્ષ રજુ કરશે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓને જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
ચાલુ વર્ષે તારીખ 25 થી 29 ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું આયોજન હાલોલ તાલુકાના વડા તળાવ ખાતે કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા વડા તળાવ ખાતે આવેલ પંચ મહોત્સવ સાઈટની સમીક્ષા મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓને ટ્રાફિક ડાઈવર્ઝન, પાર્કિંગ, સ્વચ્છતા, સુરક્ષા, વેબસાઈટ, લાઈવ સ્ટ્રીમિંગ, પાણીની વ્યવસ્થા, બસની વ્યવસ્થા, મોબાઈલ ટોઇલેટ, આરોગ્ય, વિવિધ સ્પર્ધાઓ સહિતના મુદ્દાઓ અંગે જરૂરી સૂચનો કરીને સુચારુ આયોજન કરવા જણાવ્યું હતું.
પંચમહોત્સવ ખાતે ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ 100 સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેથી કરીને લોકો લોકલ ચીજ વસ્તુઓને ખરીદી શકે તથા લોકલ વાનગીઓને પણ પ્રોત્સાહન મળી રહે. જેના માટેની પણ તમામ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


