સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની માર્ચ મહિનાના અંતમાં સંભવિત જાહેરાત
વિધાનસભા સત્રની સમાપ્તિ બાદ ગમે ત્યારે જાહેર થવાની શકયતા
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ થઇ ગયું છે. ત્યારે હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભાના સત્રની સમાપ્તિ બાદ ચૂંટણીનું એલાન થઈ શકે છે. 27- 28 માર્ચ આસપાસ ચૂંટણીની થઈ શકે છે જાહેરાત. ગુજરાતમાં વિધાનસભા સત્રની સમાપ્તિ બાદ ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ શકે છે.
વહીવટી તંત્ર હાલમાં અંતિમ તબક્કાની તૈયારીઓમાં જોતરાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 27 થી 28 માર્ચની આસપાસ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ચૂંટણીની જાહેરાત સાથે જ એટલે કે 25 માર્ચ પછી સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. 15 જેટલી મહાનગરપાલિકાઓ માટે મતદાન 20 એપ્રિલ બાદ યોજાઈ શકે છે. ખાસ કરીને 23 કે 24 એપ્રિલના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી પણ કોર્પોરેશનની સાથે અથવા તેના એક સપ્તાહ બાદ યોજવાની ગણતરી છે. જો સાથે ન યોજાય તો મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મતદાન થઈ શકે છે. ચૂંટણી પૂર્વેની મહત્વની પ્રક્રિયા એવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાનું કાર્ય 16થી 18 માર્ચ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે, જે બાદ આખરી ઓપ અપાશે.


