ચૂંટણીઓ સ્થગિત કરવાની માંગ કરતી અરજી ફગાવાઇ
આ મામલાની વધુ સુનાવણી ઓગષ્ટમાસમાં નિર્ધારીત
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ડી.એન. રેની વિભાગીય બેન્ચે 16 મહાનગરપાલિકાઓ, 86 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 261 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. અદાલતે આ મામલાની વધુ સુનાવણી ઓગસ્ટ 2026 માં નિર્ધારિત કરી છે.
આ કાનૂની વિવાદની વિગતો મુજબ, અરજદાર પાથુજી છગાજી ઠાકોર દ્વારા ‘ગુજરાત લોકલ ઓથોરિટીઝ લોઝ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2023′ ની વૈધતાને પડકારવામાં આવી છે. આ કાયદા હેઠળ સ્થાનિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે 27% અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
અરજદારની મુખ્ય દલીલ એવી છે કે, રાજ્ય સરકારે ઓરિસા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે. એસ. ઝવેરીના વડપણ હેઠળના સમર્પિત કમિશન દ્વારા 13 એપ્રિલ, 2023 ના રોજ આપવામાં આવેલા અહેવાલની ભલામણોનો અમલ કર્યો નથી.
તે અમલ વિના જ સરકારે ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ અને ગુજરાત પંચાયત એક્ટમાં સુધારો કરીને સમગ્ર રાજ્યમાં સમાન ધોરણે 27% અનામત લાગુ કરી દીધી છે.
અરજદારના મતે, આ પગલું સુપ્રીમ કોર્ટ દ્વારા કે. કૃષ્ણ મૂર્તિ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા’ અને `વિકાસ કિશનરાવ ગવળી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય’ ના કેસોમાં આપવામાં આવેલા ચુકાદાઓનું ઉલ્લંઘન કરે છે.
સુપ્રીમ કોર્ટે અનામત નક્કી કરવા માટે `ટ્રિપલ ટેસ્ટ’ (ત્રિસ્તરીય પરીક્ષણ) ફરજિયાત બનાવ્યો છે, જેમાં સમર્પિત કમિશનની રચના, પ્રયોગ સિદ્ધ તપાસ અને સ્થાનિક સંસ્થા મુજબ અનામતનું પ્રમાણ નક્કી કરવું અનિવાર્ય છે. ઉપરાંત, કુલ અનામત 50% થી વધુ ન હોવી જોઈએ તેવો પણ આદેશ છે.
આ અરજીનો વિરોધ કરતા રાજ્યના એડવોકેટ જનરલ દ્વાર દલીલ કરાઈ હતી કે પાયાના સ્તરે લોકશાહી જાળવી રાખવી એ બંધારણીય આદેશ છે અને સ્થાનિક સંસ્થાઓની સમયાંતરે ચૂંટણીઓ યોજવાની પ્રક્રિયાને રોકી શકાય નહીં.
અંતે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટની વિભાગીય બેન્ચે રાજ્ય સરકારની રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી. અદાલતે ચૂંટણી પ્રક્રિયા અટકાવવાની અરજદારની વિનંતીને નકારી કાઢી છે અને હવે આ જટિલ કાનૂની મુદ્દા પર ઓગસ્ટ 2026 માં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.


