સાંજ સુધીમાં મોટાભાગના કેસમાં સમાધાનકારી નિકાલ થશે
રાજકોટ કોર્ટમાં બાકી રહી ગયેલા વકિલો માટે ટેબલ મુકવા માટે જગ્યા ફાળવણી સહિત ૧૮થી વધુ માગણીઓને લઇને બાર એસોસિએશન લડતના માર્ગે ચડ્યુ હતુ. એક તબક્કે લોકઅદાલતનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી. જો કે એ પછી મામલો થાળે પડી જતા આજે લોકઅદાલત યોજાઇ છે. ૨૫ હજારથી વધુ કેસ સમાધાન માટે મુકવામા આવ્યા છે.
નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી ત્રીવેદી તથા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ વાચ્છાણીના માર્ગદર્શન હેઠળ આજરોજ જીલ્લાની તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરેલ છે. લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (૨) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ ( ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્ક લેણાના કેસો (૪) મોટર અકસ્માત વળતરને લગતા કેસો (૫) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદન ને લગતા કેસો (૮) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો ( ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્ય સમાધાન લાયક કેસો મુકવામાં આવનાર છે. લોક અદાલત પહેલાં લોક અદાલતની તૈયારીના ભાગરુપે રાજકોટ બાર એસોશીએશનના સાથ અને સહકારથી જુદી જુદી મીટીંગો યોજી, પ્રિ-સીટીંગનું આયોજન કરી પક્ષકારોને સમાધાન અંગે નજીક લાવવા માટે લગભગ છેલ્લા ત્રણ મહીનાથી પ્રયત્ન કરવામાં આવ્યા હતા. લોક અદાલતમાં તમામ કેટેગરીના મળી કુલ 25,000 થી વધુ કેસ મુકવામા આવ્યા છે.