- અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો ચૂંટણી લડશે
- બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી મેદાને
- 5 બેઠકોની વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો લડશે ચૂંટણી
લોકસભાની સામાન્ય ચૂંટણી-2024માં ગુજરાતની 26 લોકસભા બેઠકો તથા ગુજરાત વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ, 2024 સુધીમાં લોકસભા ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.
તા. 20 અને 21 એપ્રિલ 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે. જ્યારે 62 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે.
લોકસભા ચૂંટણીમાં કુલ 266 ઉમેદવારો
સ્ફુટીની બાદ આજરોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં 7 અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો તથા 23 બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. તો, આ વખતે લોકસભા ચૂંટણી 2024ના કુલ 266 ઉમેદવારો માંથી 247 પુરુષ ઉમેદવારો અને 19 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો
ગુજરાત વિધાનસભાની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટેના ઉમેદવારોના ફોર્મ્સની સ્ફુટીની બાદ આજરોજ આખરી યાદી મુજબ વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જેમાં, 26 વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો તથા 134 વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
સુરત બેઠક બિનહરીફ જાહેર
તો, 24-સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થયું હતું અને અન્ય પક્ષોના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતાં આ બેઠક પરના ઉમેદવાર બિનહરિફ વિજેતા થશે.


