- દમણ કોલેજ ગ્રાઉન્ડમાં અમિત શાહની જનસભા
- ભાજપના ઉમેદવાર લાલુ પટેલના સમર્થનમાં પ્રચાર
- હીટવેવની આગાહીને લઈ ડોમમાં ફુવારા લગાવાયા
લોકસભા ચૂંટણી પ્રચાર માટે ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બોડેલી અને વાંસદામાં જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. વાંસદા બાદ હવે અમિત શાહ ટૂંક સમયમાં સંઘ પ્રદેશ દમણમાં જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે અને સભા સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે.
દમણના યુવાનો કાશ્મીર માટે જીવ આપવા તૈયાર
કોંગ્રેસના અધ્યક્ષ કહે છે કે રાજસ્થાન અને દિવ દમણવાળાઓને કાશ્મીર સાથે શું લેવા દેવા? પણ એમને શું ખબર અહીંના યુવાનો કાશ્મિર માટે જીવ પણ આપવા તૈયાર છે. 370 નાબૂદ કરવાથી લઈને રામ મંદિરનો કેસ જીત્યા, મંદિરનું ભૂમિપૂજન થયું અને પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવી અને હવે આખું સોમનાથ મંદિર પણ સોનાનું બનવા જઈ રહ્યું છે.
મોદીજી ત્રીજીવાર વડાપ્રધાન મળશે
અમિત શાહે સંબોધનમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું. શાહે કહ્યું હતું કે તમે કલાબેન અને લાલુભાઇના નામનું બટન દબાવશો અને વોટ જશે સીધો નરેન્દ્ર મોદીને અને મોદીજી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. ગરીબોને આવાસ અને રોજગારી મળશે, વિવિધ યોજનાઓનો લાભ મળશે.
રાહુલ ગાંધીને ફરી લીધા આડેહાથ
સંબોધનની શરૂઆત ની સાથે જ ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે એક બાજુ ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ ગાંધી અને બીજી તરફ ચા વેચવાવાળા નરેન્દ્ર મોદી વચ્ચે ચૂંટણી જંગ છે. એક તરફ કૌભાંડ કરવાવાળું INDI ગઠબંધન અને બીજી બાજુ એક પણ કોંભાંડમાં નામ ન હોય તેવા નરેન્દ્ર મોદી છે.
દમણમાં અમિત શાહનું સંબોધન
દમણ કોલેજ ગ્રાઉન્ડ સભા સ્થળે પહોંચેલા અમિત શાહે સંબોધનની શરૂઆત ભગવાન રામને પ્રણામ કરતાં કહ્યું હતું કે સૌથી પહેલાં રામ મંદિર, વાસુકીનાથ મંદિર, અંબાજી મંદિર અને જલારામ બાપાને હાથ જોડીને પ્રણામ કરૂ છું.
મહત્વનું છે કે દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ સભા સંબોધન કરી રહ્યા છે. ત્યારે, દમણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો અમિત શાહને જોવા ઉમટી પડ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દીવ-દમણ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુ પટેલનો પ્રચાર કરવા દમણમાં જનસભા કરી રહ્યા છે.
ત્યારે, ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સહિત સંઘ પ્રદેશોમાં હિટવેવ ચાલી રહી છે ત્યારે હિટવેવની આગાહીને પગલે દમણ ભાજપ દ્વારા જાહેર સભા સ્થળે ઊભા કરવામાં આવેલ ડોમમાં પંખા અને ફુવારા પણ લગાવવામાં આવ્યા છે. અસહ્ય ગરમી વચ્ચે ડોમ પરથી લોકોને ગરમી ન લાગે અને ઠંડકનો અહેસાસ થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


