- રાજકોટમાં કડવા અને લેઉવા પાટીદારોનું સંમેલન મળશે
- રૂપાલાના સમર્થનમાં કડવા અને લેઉવા એક મંચ પર
- ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ સંમેલનમાં જોડાશે
આગામી 7 મી મેના રોજ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે અત્યારથી જ રાજકારણ ગરમાઈ રહ્યું છે તેમાં પણ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપ અને રૂપાલાના વિરોધમાં ઉતરી આવ્યો છે ત્યારે હવે આ જ બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં સમગ્ર પાટીદાર સમાજ આવ્યો છે.
એક મંચ પર આવશે કડવા-લેઉવા પાટીદાર
ગુજરાતની હાલની સૌથી વધુ ચર્ચિત રાજકોટ બેઠકને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલ નિવેદન બાદ જ્યાં ક્ષત્રિય સમાજ તેમના વિરોધમાં આવ્યો છે તો સૌરાષ્ટ્ર અને રાજકોટનો પાટીદાર સમાજ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે. રૂપાલાના સમર્થનને લઈને આગામી 4 મેના રોજ રાજકોટ ખાતે સમગ્ર પાટીદાર સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે.
ઉધોગપતિઓ અને વેપારીઓ પણ જોડાશે
મળતી માહિતી મુજબ, આગામી 4 તારીખે પાટીદાર સમાજ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે પાટીદાર સમાજના આ સ્નેહમિલન કાર્યક્રમમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના લોકો વિશાળ સંખ્યામાં હાજર રહેશે. તો સાથે સાથે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર જોવા મળશે. મહત્વનું છે કે આ સ્નેહમિલનમાં પાટીદાર સમાજના અનેક ઉધોગપતિઓ અને વેપારીઓ પણ જોડાશે.


