- કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે
- પ્રિયંકા ગાંધી વલસાડમાં, તો રાહુલ ગાંધી પાટણમાં સભા સંબોધશે
- ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોત પણ સભાઓ કરશે
દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓને લઈને આગામી 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેને લઈને આજથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે, હવે તમામ રાજકીય પક્ષોનો ટાર્ગેટ ત્રીજા તબક્કાનું મતદાન બની ગયું છે. આગામી 7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો સહિત કુલ 12 રાજ્યોની 95 લોકસભા બેઠકો માટે મતદાન થશે. જેને લઈને રાજકીય પક્ષો પ્રચાર માટેના મોટા મોટા આયોજનો કરી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીને લઈને જ્યાં એક તરફ ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓની આખી ફોજ ગુજરાતમાં ઉતારી છે તો કોંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાત તેડાવ્યા છે.
મળતી માહિતી મુજબ, એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી રહ્યા છે. આગામી 27 એપ્રિલના રોજ પ્રિયંકા ગાંધી વલસાડમાં સભા સંબોધશે, તો આગામી 29 એપ્રિલના રોજ રાહુલ ગાંધી પાટણમાં સભા સંબોધશે.
વધુમાં, કોંગ્રેસના દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવી 28 એપ્રિલના રોજ ગુજરાત આવશે અને ચૂંટણી પ્રચાર કરશે તો સાથે સાથે પવન ખેરા, સુપ્રિયા શ્રીનેટ સહિતના પ્રવકતાઓ પણ જનસભાને સંબોધન કરશે. વધુમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાત આવશે અને જનસભાઓ કરશે.


