- 14 અથવા 15 માર્ચના રોજ થઈ શકે છે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત
- 2019 લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણીની શક્યતા
- હાલ ચૂંટણી પંચની ટીમ કરી રહી છે તમામ રાજ્યોની સમીક્ષા મુલાકાત
ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણી 2024ની તારીખો 14-15 માર્ચના રોજ જાહેર કરી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. પ્રથમ તબક્કાનું મતદાન એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે.
સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી પંચ આગામી સપ્તાહે કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. હાલમાં પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે અનેક રાજ્યોના પ્રવાસે છે. પંચ તમામ રાજ્યોમાં તૈયારીઓનું મૂલ્યાંકન કર્યા બાદ જ ચૂંટણીની તારીખો જાહેર કરશે.
ચૂંટણી પંચના અધિકારીઓ હાલ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારબાદ, ટીમ ઉત્તર પ્રદેશ અને બાદમાં જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે. આ ટીમ 13 માર્ચ સુધીમાં પ્રવાસ પૂર્ણ કરશે. આ દરમિયાન ચૂંટણી પંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે નિયમિત બેઠક પણ કરશે.
આ દરમિયાન, ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પણ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ ઘણા પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સત્તાધારી ભાજપે તાજેતરમાં 195 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. સાથે જ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.


