- રાજકોટમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાનું નિવેદન
- નાનું બાળક રડે તો મોટા પાસેથી રમકડું લઇ લેઃ કુંડારિયા
- રૂપાલાને અપાયેલી ટિકીટ મુદ્દે કુંડારિયાનું નિવેદન ચર્ચામાં
ભાજપે લોકસભાની ચૂંટણી માટે તૈયારી શરુ કરી દીધી છે અને લોકસભાની 26 બેઠકોમાંથી કેટલાક ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે, જેમાં કેટલાક નામ રિપિટ થયા છે અને કેટલીક બેઠકો પર નવા નામો જાહેર કરાયા છે ત્યારે આ વખતે રાજકોટ લોકસભાની બેઠક પરથી બે વખત સાંસદ બનેલા મોહન કુંડારિયાને ટિકિટ ન મળતા નારાજગી સામે આવી છે. તેમણે આજે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે PMનો આભાર માન્યો હતો. જો કે ટિકિટ ન મળવાને કારણે તેમનું દર્દ છલકાયુ હતું અને કોઈનું નામ લીધા વગર કટાક્ષ પણ કર્યો હતો.
નામ વિના કટાક્ષ
લોકસભાની ચૂંટણીની તારીખ ગમે તે સમયે જાહેર થઈ શકે છે અને ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો જીતવાનો દાવો કરી રહી છે ત્યારે ભાજપે પોતાના 26માંથી 15 ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. આ વખતે ઘણાના પત્તા કપાયા છે જેમાં રાજકોટ બેઠકના હાલના સાંસદ મોહન કુંડારિયાનું પણ પત્તું કપાયું છે અને તેમની જગ્યાએ કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા ને ટિકિટ મળી છે. મોહન કુંડારિયાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે પરસોતમ રૂપાલાને ટિકિટ મળી તે માટે અભિનંદન પણ આપ્યા હતા અને સાથે PM નરેન્દ્ર મોદીનો પણ આભાર પણ વ્યક્ત કર્યો હતો. જો કે આ દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું હતું જેની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ નિવેદનમાં તેમણે કોઈનું પણ નામ લીધી વગર જ કટાક્ષ કર્યો હતો. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, પાર્ટી એક મા જેવી છે જે માને બે બાળક હોય, જે રમકડાં રમતા હોય ત્યારે નાનું બાળક રડે ત્યારે મા મોટા પાસેથી લઈને નાના બાળકને આપી દે. બસ, ભાજપની ભૂમિકા પણ એવી જ છે.
8 માર્ચ પછી બીજા નામોની યાદી
હાલ ભાજપમાં ગ્રુપ કોર કમિટીની બેઠક ચાલુ છે,આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,જે,પી,નડ્ડા,સાથે બી.એલ સંતોષ પણ હાજર છે.આજે ઓરીસ્સા,કર્ણાટક,હરિયાણા,પંજાબને લઈ કોર કમિટીની બેઠક મળી છે,આ બેઠક આવતીકાલે પણ યથાવત રહેશે,8 માર્ચે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે ત્યારબાદ ભાજપના બીજા લિસ્ટની જાહેરાત થઈ શકે છે.


