- અમિત શાહે પરિવાર સાથે નારાયણપુરા વિસ્તારમાં કર્યુ મતદાન
- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દીકરા અનુજ સાથે શિલજ ખાતે કર્યુ મતદાન
- આનંદી બેન પટેલે શિલજ ખાતે કર્યુ મતદાન
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શિલજ ખાતે મતદાન કર્યુ હતુ,સાથે લોકો પણ મતદાન કરે તેવી અપીલ કરી હતી,ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શિલજની પ્રાથમિક શાળામાં આજે મતદાન કર્યુ હતુ,ભુપેન્દ્ર પટેલની સાથે અનેક ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.
મતદાન એ સામાન્ય દાન નથીઃ નરેન્દ્ર મોદી
લોકશાહીમાં મતદાન એ સામાન્ય દાન નથી. દેશવાસીઓ વધુમાં વધુ મતદાન કરે. આજે લોકશાહીનો ઉત્સવ છે. ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું. તમને તમામને ખૂબ ખૂબ શુભકામના.
મોનિટરીંગ રૂમ કાર્યરત
રાજ્યમાં કુલ 50,787 મતદાન મથકો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારમાં 17,202 મતદાન મથક આવેલા છે. રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે, જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે. મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
વેબકાસ્ટિંગથી નજર રખાઈ રહી છે
25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
ગરમી પહેલા મતદાન કરી લેવા લોકોમાં ઉત્સાહ
વહેલી સવારથી મતદાન કરવા માટે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો મતદાન કરવા માટે લાઈનોમાં લાગી રહ્યા છે સાઉથ બોપલના સિવિક સેન્ટરમાં સૌથી લાંબી લાઈન જોવા મળી હતી.


