- 12 રાજ્યોની 94 બેઠકો માટે 7 મે એ થશે મતદાન
- ગુજરાતમાં 25 બેઠકો માટે થશે મતદાન
- 4,97,68,677 મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ
ગુજરાત લોકસભાની ચૂંટણીના પ્રચાર-પડઘમ શાંત પડયા છે,ગુજરાતમાં 25 બેઠકો માટે 266 ઉમેદવાર મેદાને છે,રાજકીય પક્ષો હવે ફકત ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે સભા, સરઘસ કે રેલી નહીં કાઢી શકાય. મતદાન માટે 50,788 પોલિંગ સ્ટેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે,ગુજરાતમાંથી અનેક મોટા માથાઓ મેદાનમાં છે. 7 મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન થવાનું છે. તેવામાં આજે ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે.
ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ
મળતી માહિતી મુજબ, 7 મે ના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારૂ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.
ચૂંટણીના પ્રચાર પડઘમ શાંતને લઇ શું છે ECની ગાઇડલાઇન?
અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 અંતર્ગત તા.05 મે, 2024 ના 18 કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવામાં આવશે. આ સમયગાળામાં પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો, સામુદાયિક હૉલ, સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં, હૉસ્ટેલ્સ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ લોકસભા મતદાર વિભાગમાં ચેક-પોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર- જવરની પણ તપાસ કરવામાં આવશે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઇ મતદાન
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાત કરતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ‘ડ્રાય-ડે’ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. ઉપરોક્ત બાબતનો સંપૂર્ણ અમલ થાય તે માટે સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન જેવા તમામ ઈલેક્ટ્રોનિક મીડિયા પર ચૂંટણી સંબંધિત કોઈપણ બાબતોનું પ્રસારણ પ્રતિબંધિત રહેશે. જેમાં મતદાન અંગે કરવામાં આવતા સર્વેક્ષણ-Exit Poll તથા Opinion Poll પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પ્રિન્ટ મીડિયામાં આ સમયગાળા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રિ-સર્ટિફિકેશન કરાયું ન હોય તેવી જાહેરાતો પ્રકાશિત કરી શકાશે નહીં.
ત્રીજા તબક્કાનું મતદાન માટે તૈયારીની આખરી ઓપ
મતદાન પ્રક્રિયા સુગમ રીતે ચાલે તે માટેની તૈયારીઓ અંગે વાત કરતાં કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન તથા ટેલિફોનીક સેવાઓ ચાલુ રહે તે માટે સર્વિસ પ્રોવાઇડર્સ સાથે, વિજળીનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે વીજ કંપનીઓ સાથે, રેલવે, ટપાલવિભાગ, અગ્નિશામક દળ તથા મતદાન સ્ટાફની તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા દવાઓ અને તબીબી ટુકડીઓ માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે.
તમામ મતદાન મથક સ્થળોએ વોટર આસિસ્ટન્સ બૂથ ઊભા કર્યા
મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ચૂંટણી તંત્રના પ્રયાસો વિશે જણાવતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું હતું કે, રાજ્યમાં તમામ મતદાન મથક સ્થળોએ વોટર આસિસ્ટન્સ બૂથ ઊભા કરવામાં આવ્યા છે. આ બુથ ખાતે બી.એલ.ઓ ઉપસ્થિત રહેશે અને મતદારોને તેમનો ચોક્કસ મતદાન મથક નંબર અને ચોક્કસ રૂમ તેમજ મતદાર યાદીમાં તેમનો અનુક્રમ નંબર વગેરે માહિતી પૂરી પાડશે. જેથી મતદાનની પ્રક્રિયા સરળ અને ઝડપી બને.
મતદારોને મતદાન કરવામાં સુલભતા રહે તે માટે તમામ મતદાન મથકો ભોંયતળીયે બનાવવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર જરૂરી સાઈનબોર્ડ્સ, વેઈટીંગ એરીયા તરીકે મંડપની વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્રની સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત જે તે વિસ્તારની સંસ્કૃતિ અને ખાસિયત મુજબ 175 જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે.
મતદાનના દિવસે Heat Wave ની સંભાવનાને ધ્યાને લઇ વ્યવસ્થા ગોઠવી
મતદાનના દિવસે Heat Wave ની સંભાવના ને ધ્યાનમાં રાખીને મતદારોને ગરમીના કારણે મુશ્કેલી ન અનુભવાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કીટ ઉપલબ્ધ હશે, તેમજ તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ORS ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ ગરમીના કારણે Sun Stroke થી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે Sector Officer સાથે પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ મેડિકલ સુવિધાઓથી સજ્જ Medical Team ઉપલબ્ધ રહેશે.
મતદારોએ પોતાનું નામ અને મતદાન મથકની વિગતો ચકાસી
કુલદીપ આર્યએ રાજ્યના સૌ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, મતદાન કરવા જતાં પહેલા મતદારોએ પોતાનું નામ અને મતદાન મથકની વિગતો ચકાસી લેવી જોઈએ. મતદાન માટે EPIC કાર્ડ, e-EPIC ની પ્રિન્ટ અથવા અન્ય વૈકલ્પિક 12 પૈકીના કોઈ પણ પુરાવા દ્વારા મતદાન કરી શકાશે. Voter Information Slip કે જે BLO દ્વારા આપવામાં આવે છે તે માત્ર જાણકારી માટે છે. તે મતદાન માટેનો માન્ય પુરાવો નથી. મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં. મતદાનના દિવસે, મતદાન માટે સવેતન રજા મળે છે. જો રજા ન મળે તો 1950 પર ફરીયાદ કરી શકાય છે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.


