- 35 વર્ષથી ભાજપનો ગઢ છે આ VIP સીટ
- વર્ષ 1989માં આ બેઠક પર ભાજપની પહેલી જીત થઇ
- અમિત શાહની 7.10 લાખ મતથી જીત
લોકસભાની 26 બેઠકોમાંની એક એવી ગાંધીનગર બેઠક ખાસ માનવામાં આવે છે. આ બેઠક 35 વર્ષથી ભાજપનો ગઢ રહી છે. કોંગ્રેસે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સામે ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આ બેઠક પર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જાદુ ચાલ્યો છે. તેઓ આ બેઠક પર 7.10 લાખ મતથી જીત્યા છે. આ સાથે જ કોંગ્રેસના સોનલ પટેલની હાર જોવા મળી છે. આ બેઠક પર 1989માં ભાજપની પહેલી વખત જીત થઈ હતી. આ બેઠક પર પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી હતા. 2019 બાદ હવે ફરીવાર અહીં અમિત શાહની જીત જોવા મળી છે. તેઓ જંગી બહુમતીથી જીત્યા છે.
જાણો ગાંધીનગરમાં ક્યારે કોણ જીત્યું
ગાંધીનગર બેઠક પર એક વખત વાજપેયી જીત્યા છે. 1998થી સતત 2014 સુધી લાલકૃષ્ણ અડવાણી જીત્યા અને 2019માં ગાંધીનગરના સાંસદ અમિત શાહ ચૂંટાયા. આ વખતે તેઓ બીજી વખત અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને જીત્યા છે. 2019માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા.
કેટલા મતદારો ધરાવે છે ગાંધીનગરની બેઠક
આ બેઠક પર ઠાકોર મતદારોની સંખ્યા વધુ છે. અહીં અંદાજે 3.5 લાખ ઠાકોર મતદારો છે. પાટીદાર મતદારો અંદાજે 2.5 લાખ, પરપ્રાંતિય મતદારો અંદાજે 1.5 લાખ, ક્ષત્રિય મતદારો અંદાજે 1 લાખ અને અન્ય જ્ઞાતિના કુલ 13.16 લાખ મતદારો છે.
કેવી રહી છે આ બેઠકની સફર
ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 21.82 લાખ મતદારો છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા પૈકી કલોલમાં 65.09 ટકા, સાણંદમાં 64.76 ટકા, ઘાટલોડીયામાં 61.68 ટકા, વેજલપુરમાં 56.89 ટકા, નારણપુરામાં 55.75 ટકા, સાબરમતીમાં 56.75 ટકા અને ગાંધીનગર ઉત્તરમાં 57.44 ટકા મતદાન થયું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની તુલનામાં સોનલ પટેલ પ્રમાણમાં નબળા ઉમેદવાર ગણાય છે. કોંગ્રેસનો પ્રચાર પણ ભાજપની તુલનામાં નબળો રહ્યો હતો. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતીનો સમાવેશ થાય છે.


