- મુખ્ય ચૂંટણી કમિશ્નર પી.ભારતીનું નિવેદન
- રાજયમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયુંઃ ભારતી
- 5 હજારથી વધુ ફરિયાદ, EVM ખોટકાવવાની 11 ફરિયાદ મળી: ભારતી
ગુજરાતમાં આજે યોજાયેલ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર પી. ભારતી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર પી.ભારતીએ નિવેદન આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22% મતદાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે રાત્રે 12 વાગ્યા સુધીમાં મતદાનનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચને 5 હજારથી વધુ અલગ-અલગ ફરિયાદ મળી. આમ, રાજયમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. વધુમાં મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં EVM ખોટકાવાની 11 જેટલી ફરિયાદો મળી હતી.
ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણી 2024નું મતદાન પૂર્ણ થયું છે. જેમાં 26 માંથી 25 બેઠકોમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને શહેરી વિસ્તારમાં 33,513 મતદાન મથક, ગ્રામ્ય વિસ્તારમાં 17,275 મતદાન મથક, ગુજરાતમાં મહિલા સંચાલિત 1,225 મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા. આ વચ્ચે 24,893 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું. રાજ્યની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. કુલ 266 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે.
ચૂંટણી કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફાઇનલ આંકડા રાત્રે 12 વાગ્યે સામે આવશે. પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પોલીંગ સ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો.
રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી હતી.
હવે 4જૂને પરિણામ પર સૌની નજર રહેશે. મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી માહિતી આપી હતી. ચૂંટણી કમિશનર પી. ભારતીએ જણાવ્યું કે, સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 5 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. આજે રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. છેલ્લા એક કલાકના આંકડા હજુ પણ બાકી છે.


