કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની ફરિયાદ : કોન્ટ્રાકટરો અને અધિકારીઓ વચ્ચે મીલીભગતનો આક્ષેપ
રાજકોટથી 3પ કિ.મી. દૂર હીરાસર એરપોર્ટ જંગી ખર્ચે બનાવીને લોકાર્પણ કરાયા પછી લોકોને હજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુવિધા તો મળતી થઇ નથી પરંતુ, પાર્કિંગ ચાર્જના નામે બેફામ ઉઘરાણા થતા હોવાની ફરિયાદો ઉઠી છે જે અંગે આજે જિલ્લા કલેકટરને ફરિયાદ કરાઇ છે.
એરપોર્ટ ઓર્થોરીટીએ પાર્કિંગ માટે જે ટેન્ડર મંજૂર કર્યા છે તેમાં કોઇપણ વાહન ૧૦ મિનિટ સુધીના સમય માટે પાર્ક કરાય એટલે કે ઉતારૂને મુકવા કે તેડવા માટે આવ્યું હોય તેની પાસેથી કોઇ ચાર્જ વસુલવાનો નથી. છતાં અધિકારીઓ સાથે મિલીભગતથી યેનકેન પ્રકારે સમય પસાર કરીને કે સમય ઓછો થયો હોય તો પણ પાર્કિંગ ચાર્જ પડાવાય છે તેવી રજુઆત શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ કલેકટરને કરીને આ અંગે તાત્કાલિક નિયમોનુસાર કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.
વધુમાં જણાવ્યા પ્રમાણે યાત્રિકો જયારે એરપોર્ટમાં પ્રવેશે તે સ્થળે ચેકપોસ્ટ હોવી જોઇએ તેના બદલે વચ્ચેની જગ્યામાં ગેઇટ રખાયો છે જયાં યાત્રિકોને ચેકીંગના બહાને રોકી લેવાય છે અને સમય પસાર થાય તે ઉપરોકત ૧૦ મિનિટ છુટછાટના સમયમાં ઉમેરાઇ જાય છે. આમ કોઇ વ્યકિત કે ચાર મિનિટ માટે વાહન રાખે તો પણ ચાર્જ વસુલી લેવાય છે.


