- રાણી નૃત્ય કરતી હતી એ સમયે રાજાને રાણીનું ધડ જ નૃત્ય કરતું દેખાયું
ભગવાન મહાવીર પ્રભુની પાસે દીક્ષા લેવાવાળા છેલ્લા રાજા ઉદાયન હતા. એની વાત બહુ મજાની છે. વિત્તભયનગર સિંધુસોવીર દેશની રાજધાની હતી. એના રાજા ઉદાયન હતા અને રાણીનું નામ પ્રભાવતી હતું. રાજા પ્રજા માટે આસ્તિક હતો, પણ રાણી માટે એવું ન હતું. પ્રજાલક્ષી કોઈ પણ કામ એના માટે મહત્ત્વનું હતું. પ્રજા પછી પ્રભાવતીનો નંબર આવતો. જોકે, પ્રભાવતીને એનો કોઈ અફસોસ પણ ન હતો. પ્રભાવતીને રાજા પ્રત્યે અનહદ લાગણી હતી. રાજાને પણ પ્રભાવતી માટેની લાગણીમાં કોઈ ઉણપ ન હતી. પરસ્પરનો પ્રેમ ને સૌહાર્દ અનુપમ હતો.
એ દિવસે ઘટના કંઇક વિચિત્ર બનેલી. કોઈ વહાણ આવેલું. એ વહાણની અંદર એક મંજૂષા પેટી હતી. પેટી થોડી મોટી હતી. વહાણના કપ્તાને રાજાને વાત કરેલી કે આ પેટીમાં કોઈ ભગવાનની મૂર્તિ છે, પણ જેના આ ઉપાસ્ય દેવ હશે એ સ્તુતિ કરશે તો જ મંજૂષા ખૂલશે, એ સિવાય તમે ગમે એટલો પ્રયત્ન કરશો તો પણ ખૂલવાની નહીં.
તમે જોઈ શકો છો એને તાળું નથી કે નથી કોઈ કળ, તમે બળપ્રયોગ પણ કરી શકો છો, પણ એનો કોઈ અર્થ સરવાનો નથી. આ મૂર્તિના સાચા ઉપાસક હશે એ જ આ મંજૂષાને ખોલી શકશે. ઉપાસક અહીં આવીને મંજૂષાની પૂજા કરશે. ધૂપ અને દીપ કરશે, ફૂલ ચઢાવશે અને પછી એમની સ્તુતિ કરશે કે તરત જ ફટાક દઈને ખૂલી જશે. હા, ખોલવાની મહેનત પણ કરવાની જરૂર પડશે નહીં. એની જાતે જ પેટી ખૂલી જશે. આ મૂર્તિ એવા જનને જ સોંપવાની છે.
નગરમાં જાહેરાત થઇ ચૂકી છે. આશા લઇને આવનારા આડંબર પ્રિય માણસો મંજૂષાને ખોલવાનો પ્રયાસ કરે છે, પણ મંજૂષા ખૂલતી નથી. રાજા પણ આવી ગયા છે. આવવું જ પડેને. બધા આવે પોતાના પરમાત્માની સ્તુતિ કરે, ખોલવા પ્રયત્ન કરે, પણ મંજૂષા ખૂલતી નથી.
મધ્યાહ્નનો સમય થઇ ગયો. ભોજનની વેળા થઇ છે. પ્રભાવતી રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે ભોજન કરવા પધારો. રાજાએ સમાચાર મોકલ્યા થોડી વારમાં આવું છું. આવા જવાબો ત્રણ વાર આપ્યા ત્યારે એક દાસીને પ્રભાવતીએ રાજા પાસે મોકલી એવું તે કેવું કામ આપને આવી પડેલું છે કે જેથી આપ ભોજનનો સમય પણ કાઢી શકતા નથી?
રાજાએ દાસીને ટૂંકમાં ઘટના કહી સંભળાવી અને ઉમેર્યું આ કામ પતે કે તરત જ હું આવી રહ્યો છું.
દાસીએ આવીને રાણીને વાત કરી. રાણી વિચાર કરે છે આ તો મારા અરિહંત પરમાત્મા જ હોવા જોઈએ. લાવને હું જ પૂજાની સામગ્રી લઇને જાઉં, ભગવાનની સ્તુતિ કરું, મારું ભાગ્ય જાગતું હોય તો મને મારા ભગવાન મળે! પૂજાનાં વસ્ત્રો ધારણ કરી એ તો ગઇ. રાજાએ પૂછયું, કેમ આવવું પડયુંં. એણે જવાબ આપ્યો, મારે પણ મારું ભાગ્ય અજમાવવું છે. મારા ભગવાન હોય તો મને મળી શકે ને!
પોતાનો વારો આવ્યો ત્યારે રાણીએ ભાવથી મંજૂષાની પૂજા કરી. મંજૂષાની સામે પોતે ઊભા રહી સ્તુતિ કરે છે. ચોત્રીસ અતિશયોથી શોભતા આઠ પ્રાતિહાર્યથી ઓપતા એવા મારા અરિહંત પરમાત્મા જો આ મંજૂષામાં રહેલા હોય તો મને દર્શન આપો.આટલું બોલતામાં મંજૂષાનો દરવાજો ફટાક કરતો ખૂલી ગયો. રાજા પણ પ્રસન્ન થઇ ગયા. ભગવાન પણ મારા ઘરમાં જ આવશે. હું ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરીશ.
ભગવાનને લઇને એ મહેલમાં ગયા. મહેલમાં સરસ મજાનું જિનાલય તૈયાર કરાવ્યું. રોજ સવારે રાજા અને રાણી ભગવાનની ભક્તિ કરતા. રોજ જાતજાતનાં ફૂલો લાવે અને ભગવાનને શણગારે. પેલા વહાણના કપ્તાને પણ કહેલું કે મારું વહાણ દિશા ભૂલેલું હતું. ઘણા દિવસોથી દરિયામાં અટવાઈ રહેલું હતું અને અચાનક એક રાતે આ મંજૂષા મારા વહાણમાં આવી. એના પ્રતાપે સાત દિવસમાં મને કિનારો મળી ગયો. આ પ્રતિમાજીમાં જ એવી કોઈ વિશેષતા છે. જે હોય તે પણ આ પ્રતિમાજીના કારણે રાજા ઉદાયનના શત્રુઓ એની સામે પડી શકતા ન હતા.
પ્રભાવતી અને ઉદાયન રાજા ભગવાનની સરસ ભક્તિ કરતા. ઘણીવાર પ્રભાવતી રાણી વીણા વગાડે અને એના સૂરોના સથવારે ઉદાયન રાજા ભગવાનની સામે નૃત્ય કરતા હોય તો ક્યારેક ઉદાયન રાજા વીણા વગાડે અને પ્રભાવતી રાણી નૃત્ય કરતા હોય.
એક દિવસની ઘટના છે, એ દિવસે પણ નિત્યક્રમ પ્રમાણે રાજા-રાણી ભક્તિ કરી રહ્યા હતા. રાણી નૃત્ય કરતી હતી એ સમયે રાજાને રાણીનું ધડ નૃત્ય કરતું દેખાયું, પણ મસ્તક દેખાયું નહીં. જોકે, આ અનિષ્ટનું સૂચક ગણાય છે. રાજાએ આવું દૃશ્ય જોયું એટલે એના હાથમાંથી વીણા છૂટી નીચે પડી ગઈ. રાણીના નૃત્યમાં ભંગ પડયો. રાણીને ગુસ્સો આવ્યો. ધ્યાન રાખવું જોઈએને. ભગવાનની ભક્તિમાં વિક્ષેપ થાય એ કેવી રીતે ચાલે? કોઇ દિવસ નહીં અને આજે તમારાથી આવું કેમ થયું?
રાજાને પ્રભાવતી રાણીનો ગુસ્સો દેખાતો નથી, પણ અન્યમનસ્ક ભાવે રાજા સાંભળી રહ્યા છે. રાણીએ રાજાને જાણે ઢંઢોળ્યા. આજે તમને શું થયું છે? તમે આવું કેમ કરો છે?
હવે અનિષ્ટની વાત કંઇ કોઈ કરે? રાજા બોલતા નથી તો રાણીએ કહ્યું જે હોય તે પણ તમે સચ્ચી વાત કહી દો. તમારા હાથે વીણા વાગતી હોય જમીન ઉપર પડી જાય એવું બને નહીં તો આજે કેમ બન્યું? મને સાચી વાત જણાવો. પ્રભાવતી માની નહીં તેથી રાજાએ કહ્યું, હકીકત એવી છે કે તારું ધડ નાચતું જોયું અને મસ્તક મને ન દેખાયું, આનો ભાવાર્થ તો એવો થાય છે કે ટૂંક સમયમાં રાણી પરલોકના પંથે પ્રયાણ કરી જશે. જોકે, આ ઘટના થોડી વાર માટે જ થઇ પણ ભાવિની એંધાણી તો જણાવી ગઈ જ ને?
પ્રભાવતી રાણી કહે છે, હવે મારા દિવસો થોડાક જ છે. મારું આયુષ્ય અલ્પ છે. આવું કહીને પ્રભાવતી રાણી વધારે ને વધારે ધર્મની આરાધના સાધનામાં લાગી ગઇ. એને વિચાર આવે છે કે જીવનનો ઉદ્ધાર માટે શ્રેષ્ઠ જીવન તો સંયમ જીવન જ છે. હું સંયમ જીવનનો સ્વીકાર કરું. એણે પોતાના પતિને કહ્યું, હવે થોડા જ સમયનું મારું જીવન છે. આપ આજ્ઞા આપો તો મારે સંયમજીવન સ્વીકારવાનું મન છે. આમે આયુષ્ય તો થોડું છે તો અલ્પ આયુષ્યમાં જીવનને સાર્થક કરી લેવા દો.
ઉદાયન રાજા પહેલા તો ના જ કહે છે, પણ પ્રભાવતી તો ઘણો આગ્રહ જોયો ત્યારે એ સ્વીકાર કરે છે, પણ એક શરતે મરીને દેવલોકમાં જાય તો મળીને બોધ આપવા આવવું પડશે. હકીકતમાં દેવલોકમાં ગયા પછી ત્યાંના રંગરાગમાં એ જીવ ફસાઈ જતો હોય છે. એને કશું યાદ આવતું નથી. મારી પત્ની-પતિ, પુત્ર પરિવાર હતો. એમનો નવો પરિવાર થઇ જાય અને એમાં જ એ વ્યસ્ત થઇ જતો હોય છે. છતાં પ્રભાવતીએ કહ્યું, હું ચોક્કસ બોધ આપવા આવીશ.
પ્રભાવતીએ દીક્ષા લીધી. સારી રીતે ચારિત્ર પાલન કરીને પહેલા દેવલોક ગઇ. ભગવાનની સેવાપૂજા કરવા એક કુબડી દાસીને નિયુક્ત કરેલી. તે મનથી પરમાત્માની પરમ ઉપાસિકા હતી. આખો દિવસ ભગવાનની ભક્તિ કરે, જિનાલયમાં જાણે એક થાંભલો હોય એ જ રીતે જિનાલયના એક ખૂણામાં એ ઊભી રહેતી.
ઉદાયન રાજા ભક્તિ કરવામાં થોડા શિથિલ થઇ ગયા છે. રાજકાજ કરવામાં સમય ઓછો મળે, પણ છતાં એમના દિલમાંથી ભક્તિ ઓછી થઇ ગયેલી. પરિણામે ભોગવિલાસમાં એમનું ચિત વધારે હતું. એમને જગાડવા પ્રભાવતીએ કે જે દેવ થયેલા છે એમણે તાપસનું રૂપ લઇને થોડા દિવ્ય ફળો લઇને રાજસભામાં બેઠેલા રાજાને આપ્યા.
રાજા તો આવા સરસ દૈવી ફળોને જોઈને જ ખુશ થઇ ગયા. સ્વાદ ચાખ્યા પછી તો એને વ્યસન જ થઇ ગયું. એક દિવસ કહ્યું, આવા સરસ ફળો તમે ક્યાંથી લાવો છો? તાપસે કહ્યું, અહીંથી થોડા ક જ દૂર અમારો આશ્રામ છે ત્યાં આવા ફળોના ઘણા બધા ઝાડ છે. આપની ઇચ્છાનુસાર ફળ મળી શકશે અને આશ્રામની મુલાકાતનો પણ આપને લાભ મળશે.
તાપસની વાત સાંભળીને રાજાને પણ ભાવ જાગ્યો, એ આશ્રમમાં જાય છે. આશ્રામમાં ફળોથી લચી પડેલા વૃક્ષોને જોયા પછી રાજાનું દિલ ઝાલ્યું રહ્યું નહીં. ઝાડ ઉપરથી ફળો તોડવાનો એ પ્રયત્ન કરવા લાગ્યો. એણે વિચાર કરેલો કે આ તાપસ જ મને લાવ્યો છે, તો ફળ લેવામાં શું વાંધો છે?
તાપસો રાજાને પકડવા, મારવા દોડવા લાગ્યા અને રાજા પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા. દોડતા આગળ વધી રહ્યા છે. સામે ઊંડી નદી આવે છે. પાછળ પેલા મજબૂત તાપસોને જુએ છે અને બીજી તરફથી કેટલાક સાધુ મહાત્માને એ જુએ છે.
એમના શરણે જાય છે. એટલામાં પેલા પ્રભાવતી દેવી પ્રગટ થાય છે. તાપસ અને એમનો આશ્રમ બધું સપનું આવ્યું હોય અને ન હોય એમ બધું અલોપ થઇ ગયું. પ્રભાવતી દેવી આવીને સમજાવે છે આ બધી દેવમાયા હતી. તમને સાચા રસ્તે લાવવાનો મારો પ્રયાસ હતો. તમે માર્ગ ભૂલ્યા હતા એટલે મારે આવવું પડયું, પણ હવે સાચા રસ્તે આવી જાવ.