“હે પ્રભુ, હવે મારા અશુભ કર્મનો ક્ષય થયો હોય એમ લાગે છે, કારણ કે આજે મને સહેલાઈથી ભિક્ષા પ્રાપ્ત થઈ છે.”
વાત છે ઢંઢણ મુનિની…
શ્રી કૃષ્ણ મહારાજનાં એક રાણીનું નામ હતું ઢંઢણા. એમને એક દીકરો હતો એનું નામ ઢંઢણકુમાર હતું. માતાનો લાડકો હતો, તો પિતાને પણ વહાલો હતો. દીકરાને શસ્ત્ર અને શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. ભણીગણીને તૈયાર થયો ત્યારે માતા-પિતાએ એને યોગ્ય પાત્ર સાથે જોડી દેવા વિચાર્યું. એવામાં એક ઘટનાએ બધાના વિચાર ફેરવી નાંખ્યા.
ઘટના એવી બની કે દ્વારિકા નગરીમાં એકવાર નેમિનાથ ભગવાન પધાર્યા હતા. દેવોએ સમવસરણની અદ્ભુત રચના કરી. શ્રી કૃષ્ણ મહારાજા વગેરે નગરજનો ભગવાનનાં દર્શનવંદન કરવા માટે આવ્યા. એમાં ઢંઢણા રાણી પોતાના ઢંઢણકુમારને સાથે લઈને આવેલી. બધા ભગવાનનાં દર્શન કરીને પ્રસન્ન થયા.
ભગવાને ઉપદેશ આપ્યો…
આ સંસાર અસાર છે. સંસારમાં સુખ જેવું કંઈ જ છે નહીં, થોડું ઘણું સુખ દેખાય છે એ માત્ર આભાસ છે અને આભાસ હોય એ લાંબો સમય ટકે નહીં. આવા આભાસી સુખમાં આળોટવાનું કોઈ પણ સમજદાર પસંદ કરે નહીં. એમાં પણ જ્યારે તમારી સામે શાશ્વત સુખનાં સાધનો દેખાતાં હોય તો કોણ એને પસંદ ના કરે?
સુખનું કારણ સંયમ છે અને દુઃખનું કારણ અમર્યાદ ઈન્દ્રિયોના વિષયો છે. તમારે શું કરવું છે એનો નિર્ણય તમારી જાતે જ વિચારી લો. કોઈના કહેવાથી કંઈ કરવાનો અર્થ નથી.
ઢંઢણકુમારે ભગવાનના શબ્દો સાંભળ્યા ને એ વિચારવા લાગ્યો કે ભગવાનની વાત કેટલી સાચી છે! હું રાજુકમાર છું, પણ એથી શું? ક્યાં સુધી આ સુખ ટકવાનું? ગમે ત્યારે આ બધું મારે છોડવું નહીં પડે? આ રાજમહેલ, આ શરીર, આ માતા-પિતા આ બધું શું શાશ્વત છે? તો પછી મારે શાશ્વત શું સમજવાનું?
એણે ભગવાનને પ્રશ્ન કર્યો : પ્રભુ, આપ બતાવો છો કે આ બધું અશાશ્વત છે તો પછી શાશ્વત શું? ભગવાને કહ્યું જે બહારનું હોય છે એ અશાશ્વત હોય છે અને અંદરનું-પોતાનું શુદ્ધ સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરે.
પેલો ઢંઢણકુમાર ભગવાનની વાત સમજી ગયો. મારા અંતરાત્માને ઢંઢોળવાની જરૂર છે એ સિવાય શાશ્વત સુખ મળી શકે નહીં.
એણે ફરીને ભગવાનને પ્રશ્ન કર્યો. એના માટે મારે કયો માર્ગ અપનાવવો જોઈએ?
ભગવાને એ જ સૌમ્યતાથી જવાબ આપ્યો, ભીતરમાં જવા માટે બહારના સંબંધો કાપવા પડે. એના માટે સંસાર અને સંસારીજનોનો સંગ અટકાવવો પડે. સંયમ જીવનનો સ્વીકાર કરવો આવશ્યક છે.
તરત જ એ ઊભો થઈ ગયો. ભગવાનની પાસે દીક્ષા લઈ લીધી.
મારે કોઈની સહાય શા માટે લેવી? મારું કાર્ય મારી બધી પ્રવૃત્તિ કોઈની પણ મદદ વગર જાતે જ કરીશ. મારે કોઈની સેવા કરવાની કે હું કોઈની સેવા કરું? કોઈની લાવેલી ભિક્ષા પણ લઈશ નહીં. મારી જાતે જ લાવીશ અને એના દ્વારા જે પણ મળે એનાથી ઉદરપૂર્તિ કરીશ.
એણે તો ભગવાન નેમિનાથ પ્રભુની પાસે જઈને નિયમ ધારણ કરી લીધો. જોકે, ભગવાને એને ચેતવ્યો. `ભાગ્યશાળી, તમને આ નિયમ પાળવો અઘરો પડવાનો છે, પણ આ તો અઘરા માટેની જ તૈયારીવાળા હતા. અઘરાનો એમને ડર ન હતો.
આહાર ગ્રહણ કરવા માટે જાય. અરે! આ તો કૃષ્ણ મહારાજના દીકરા છે. આવા ભાવ સાથે એમને સારા પદાર્થો આપવાની ઈચ્છા રાખતા હોય, પણ એવી રીતે એમને આહાર ગ્રહણ કરવાની ઈચ્છા નથી. એમની વાત તો સ્પષ્ટ છે કે કોઈના કારણે મળે એવું મારે કંઈ ન જોઈએ. મારે તો મારા કારણે મળે તો જ આહાર ગ્રહણ કરવાનો.
આહાર ગ્રહણ કર્યા સિવાય દિવસો પસાર થાય છે. રોજનો નિયમ છે આહાર ગ્રહણ કરવાના સમયે આહાર ગ્રહણ કરવા જવાનું, પણ ન મળે તો જરા પણ અકળાવાનું નહીં. મારા જ પૂર્વ ભવના કોઈ એવાં કર્મ હશે જેના કારણે મને આહારમાં અંતરાય આવતો હોય એ શક્ય છે. તો આવા સમયે મારે સમભાવ રાખવો જોઈએ. મારા અંતરાય કર્મ તૂટશે ત્યારે આહાર મળશે.
કેવો સમભાવ હશે!
એક વાર આ મુનિ જંગલમાં ઊભા ઊભા ધ્યાન કરતા હતા એ જ સમયે કૃષ્ણ મહારાજા ત્યાંથી પસાર થતા હતા. એમણે રથમાંથી ઊતરીને મહાત્માને વંદન કર્યા. આ ઘટના એક ભાઈએ જોઈ એના મનમાં થયું આવા મોટા મહારાજ જે મહાત્માને વંદન કરે, એ મહાત્મા વિશિષ્ટ જ હોય. આવો ભાવ થયો.
અચાનક ઘટના આગળ વધી. પેલા મહાત્મા આહાર ગ્રહણ કરવા નીકળ્યા. પેલા ભાઈએ એમને જોયા. મહાત્માને આહાર માટે પોતાના ઘેર આવવા વિનંતી કરી. મહાત્મા એના ઘેર ગયા. એણે ભાવપૂર્વક આહાર અર્પણ કર્યો. મુનિને વિચાર આવ્યો નક્કી આહાર વિશેના મારા અંતરાયો દૂર થયા હશે!
એમણે ભગવાન પાસે જઈને નિવેદન કર્યું. ભગવન્ મને લાગે છે આહારના અંતરાય સંબંધી મારાં કર્મો દૂર થયાં હશે.
નેમિનાથ પ્રભુએ પોતાના જ્ઞાનમાં જોઈને કહ્યું. તમારાં કર્મો હવે થોડાંક જ બાકી છે.
હે પ્રભુ! આવાં કર્મો કેવી રીતે બાંધ્યાં હશે?
ભગવાને કહ્યું, સાંભળ, આના માટે તારા પૂર્વભવોને જોવા પડશે. આની પહેલાંના ભવમાં તું પરાશર નામનો એક ખેડૂત હતો. તારી પાસે બહુ મોટી જમીન હતી એને ખેડવાની હતી. એ સમયે ટ્રેક્ટર જેવાં સાધનો તો હતાં નહીં. બળદો દ્વારા ખેડવાની હોય. એ જમીન ખેડવા માટે પાંચસો બળદો લાવેલા હતા. એ માણસોને કહી દીધું જ્યાં સુધી આટલી જમીન ખેડાઈ ન જાય ત્યાં સુધી કોઈને ભોજન મળશે નહીં.
ઉપરથી સૂર્યની ગરમી પડતી હોય, જમીન ખેડાતી હોય એની ધૂળ પણ ઊડતી હોય ત્યારે માણસને ભૂખ પણ લાગે તો ખરી જ ને? ભોજનનો સમય થઈ ગયો છે. બધાને ભૂખ પણ જોરદાર લાગેલી છે છતાં કામ ઘણું બાકી રહેલું છે. બધા ભૂખ ભૂખ કરે છે અને આ પરાશર કહે છે જ્યાં સુધી જમીન ખેડવાનું પૂરું થાય નહીં ત્યાં સુધી ભોજન મળશે નહીં. અધિકારીની આજ્ઞા તો માનવી જ પડે. ભૂખ અને તરસ સહન કરીને કામ કરે છે, પણ ભૂખ અને તરસના કારણે કામમાં વેગ આવતો નથી. આટલા બધા માણસો અને બળદોને ભોજનમાં અંતરાય કર્યા. ખાવા આપ્યું નહીં એના કારણે પરાશરે ભોજનમાં અંતરાય બાંધ્યો. એના કારણે એને પોતાને ભોજન મળી શકતું નથી.
ઢંઢણ મુનિને ભગવાને પૂર્વ ભવ સંભળાવ્યો. એ સાંભળીને એમને આંચકો લાગ્યો. હેં મેં આવાં કર્મો કર્યાં હશે!
નેમિનાથ ભગવાન આગળ પણ કહી રહ્યા છે, બીજી રીતે એ પરાશરનું જીવન સારું હતું. સ્વભાવથી એ શાંત હતો. સારાં કામો કરવાવાળો હતો. કોઈ જીવની હિંસા કરવાનું એને ગમતું નહીં.
આવા એના સદ્વર્તનના કારણે રાજાના ઘરમાં તારો જન્મ થયો અને સંયમ ઉદયમાં આવ્યો. આ કર્મ તમારું ઘણું ખરું ભોગવાઈ ચૂકેલું છે, થોડુંક જ બાકી રહેલું છે.
બધો આહાર લઈને એ ત્યાંથી સીધા જંગલમાં જાય છે.
શુદ્ધ જમીન સરસ મજાની કીડી વગેરે જીવોથી રહિત રેતી જોઈ. એ વિચાર કરે છે આ જગ્યા સરસ છે. થોડી રેતી હાથમાં લીધી. પાત્રમાં રહેલો આહાર પણ હાથમાં લીધો. બેય હાથમાં આહારને એવો મસળી દીધો કે હવે એ આહારમાં આહાર જેવું કંઈ પણ કોઈને લાગે જ નહીં. એમાં એનાં પોતાનાં કર્મો પણ મસળાઈ ગયાં.
કર્મો ખલાસ થઈ ગયાં. અમુક કર્મોનો જથ્થો નીકળી જાય ને પછી તો કેવલજ્ઞાનને પણ લેવા ન જવું પડે, એ સામેથી આવી જાય.
કેવલજ્ઞાન આવી જાય પછી તો બીજું જોઈએ પણ શું? કેવલજ્ઞાન પામીને પૃથ્વી તલ પર વિચરણ કરે છે. ઘણા જીવોનો એમણે ઉદ્ધાર કર્યો. આયુષ્ય પૂર્ણ થયું ત્યારે એ મોક્ષમાં ગયા. આવા ઢંઢણ મુનિને આપણે ભાવપૂર્વક વંદન કરીએ.