આજથી ૩૦ વર્ષ પહેલા મકાનની કિમત રૂ.૧૦ થી રૂ.૫૦ હજાર હતી તે મકાનની કરોડે પહોંચી
બજારોમાં દુકાનોની કિંમતમાં પણ ઉછાળો : રૂ.૨.૫૦ લાખની દુકાન રૂ.૧૦ લાખ બોલવા માંડયા : મોટી મિલ્કતો કરોડોમાં વેંચાય છે
અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. અયોધ્યાનું જાણે કે નવસર્જન થતું હોય તેમ જૂના મકાનો અને જૂની દુકાનો તથા જમીનોની ભારે માંગ નીકળી છે. આ સાથે જ ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. નજીવી કિંમતના મકાનો અને દુકાનોના લાખો-કરોડો રૂપિયા બોલાવા માંડયા છે. દેશભરમાંથી યાત્રિકો અહીં આવનાર છે તેથી અયોધ્યાને ટુરીઝમ ફળશે તેવી આશાએ સ્થાનિક અને બહારના લોકો અયોધ્યામાં રોકાણ કરવા આવતા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે.
હનુમાન ગઢી પાસે પુજાપા અને ભગવાનશ્રી રામની પીતળ તથા પંચ ધાતુની મૂર્તિ નું વેચાણ કરતા વેપારી રાજા ગુપ્તાએ ‘અગ્ર ગુજરાત’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારથી ભગવાન શ્રી રામનુ ભવ્ય મદિર બનાવવાનું નિમાર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ત્યારથી અયોધ્યા મકાન તથા દુકાનના ભાવમાં ૫૦ ગણો ભાવ વધારો થયો છે. આમ હવે અયોધ્યાવાસીઓ માટે સાચી રામ રાજ્યની સ્થાપના થઇ છે.
અયોધ્યા નિવાસી અને પત્રકાર કાર્તિક પાંડે એ ‘અગ્ર ગુજરાત’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે કોર્ટ દ્વારા રામ મંદિર બનાવવા માટેની મંજુરી આપવામાં આવતા મકાન તથા દુકાનના ભાવમાં ૫૦ ગણો વધારો થયો છે. જેમાં રૂપિયા ૧૦ લાખથી માંડીને ૫ કરોડ સુધી મકાનની કિમત પહોચી ગઈ છે. આમ રામ મંદિરનું નિર્માણ કાર્ય થતાની સાથે જ વેપાર ધંધામાં પણ તેજી આવી છે. આમ અયોધ્યામાં દુકાન તથા મકાનના વેચાણમાં ભારે ઉછાળો નોંધાયો છે.


