ભારતભરમાં જ નહિ, પરંતુ વિશ્વભરમાં શ્રાવણ માસ આવતાંની સાથે જ ભગવાન શિવજીનાં તમામ મંદિરોમાં શિવભક્તોની ભીડ જોવા મળે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવાનું અનેરું માહાત્મય છે. ભારતમાં અનેક શિવમંદિરો આવેલાં છે અને તે દરેક મંદિરોનું પણ અનેરું મહત્ત્વ છે. રાજસ્થાનમાં પણ કેટલાંક શિવમંદિરો જોવા મળે છે, જે તમામેતમામ અલગ છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલા રામસીન દેવનાગરી નામના કસ્બામાં પણ ભગવાન શિવજીનું મંદિર છે, પરંતુ આ મંદિરમાં શિવલિંગની નહીં, તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.
આપનાથ મહાદેવ એટલે આપેશ્વર મહાદેવ
રામસીન આપેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવની અંદાજિત પાંચ ફૂટ ઊંચી મૂર્તિ છે, જે વિક્રમ સંવત 1335માં મળી આવી હતી. ભગવાન શિવની આ મૂર્તિ ખોદકામ દરમિયાન મળી હતી. સ્થાનિકોના કહ્યા અનુસાર ભગવાન શિવની મૂર્તિ આપોઆપ નીકળી હોવાથી તેને આપનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપનાથ મહાદેવ આપેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યા. રાજસ્થાનમાં આવેલા આ મંદિરના દર્શનાર્થે ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. મૂળ આ મંદિરની સ્થાપના વ્યાસ વંશજ દ્વારા કરવામાં આવી હતી.
આપેશ્વર મહાદેવની મૂર્તિનો મહિમા
આપેશ્વર મહાદેવની મૂર્તિ જ્યારે પ્રગટ થઇ હતી તેની દંતકથા ખૂબ જ પ્રચલિત છે. અહીં જ્યારે કોઇ એક ખેડૂત ખેતી કરવા માટે હળ ચલાવતો હતો ત્યારે અચાનક જ હળ અટકી ગયું હતું. ખેડૂતે ખૂબ જ પ્રયત્ન કર્યો પણ હળ આગળ વધી નહોતું શક્યું. ત્યારે ખેડૂતને શું કરવું સમજાતું ન હતું, તેથી આ વાત તેણે વ્યાસ સમાજના જાગીરદાર પરિવારને કરી અને તેઓ ખેતર પર ગયા. જ્યાં હળ અટક્યું હતું તે જગ્યા પર ઓજારો વડે ખોદકામ શરૂ કર્યું હતું. આ પરિવારે ખોદકામ કરતાંની સાથે જ થોડીવારમાં કંઇ ઘર્ષણ થયાનો અવાજ સંભળાયો અેટલે તેમણે હાથ વડે ધીરે ધીરે ખોદકામ શરૂ કર્યું હતું. હાથ વડે ખોદકામ કરતાં જ આશ્ચર્યની સાથે તેમાંથી પાંચ ફૂટની ભગવાન શિવની મૂર્તિ નીકળી હતી. વ્યાસ વશંજોએ આ મૂર્તિને પગે લાગીને મૂર્તિ માટે ભવ્ય મંદિર બનાવવાનું આહ્વાન કર્યું અને તેમણે ભવ્યાતિભવ્ય મંદિર પણ બનાવ્યું.
મંદિરમાં ઉજવાતા તહેવારો અને મેળાઓ
આપેશ્વર મહાદેવમાં તમામ હિન્દુ તહેવારો ઊજવવામાં આવે છે. જોકે, આ મંદિરમાં મહાશિવરાત્રી અને આખો શ્રાવણ મહિનો ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે અને શ્રાવણ મહિનામાં સમગ્ર મંદિરને ફૂલથી અને બિલ્વપત્રથી સજાવવામાં આવે છે. તેમજ દિવસ દરમિયાન અને રાત્રીમાં ભજન-કીર્તનનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. આપેશ્વર મહાદેવમાં ખાસ કરીને કુલ 365 ઘડાનો વિશેષ જળાભિષેક કરવામાં આવે છે, જેને જોવા ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આ જળાભિષેક મહાશિવરાત્રી પર અને શ્રાવણ મહિનાની અમાસે કે જેને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે.
રામશયનમાંથી બન્યું રામસીન
આ મંદિરના વિસ્તારની જગ્યા માટે એક કિંવદંતી એવી પણ છે કે, ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામને જ્યારે વનવાસ ભોગવવાનો હતો ત્યારે તેઓએ અહીં આરામ કર્યો હતો, તેથી આ ગામનું નામ રામશયન પડ્યું હતું. ત્યારબાદ કાળક્રમે તેનું નામ રામસીન થઇ ગયું હતું. આજે પણ આ ગામના લોકો પોતાના ગામને પવિત્ર માને છે, કારણ કે અહીં ભગવાન શ્રીરામનુ આગમન થયું હતું અને વધુમાં તેમને ભગવાન શિવની મૂર્તિ પણ મળી હોવાથી ગામના લોકો પોતાની જાતને ધન્ય માને છે.
મંદિર પરિસરમાં અન્ય દેવી-દેવતાનાં મંદિરો પણ છે
અહીં માતા અંબાજીનું પણ મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી દરમિયાન ગરબા પણ રમવામાં આવે છે. આ મંદિરની પાછળ ભગવાન ગણેશજીની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ અને પાર્વતીજીની મૂર્તિ પણ જોવા મળે છે. મંદિર પરિસરમાં ભગવાન શિવના લિંગ સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે. આપેશ્વર મહાદેવની મૂર્તિ જ્યારે ખેતરમાંથી મળી હતી તેની સાથે સાથે આ ત્રણ મૂર્તિઓ પણ મળી હતી. આ ત્રણેય મૂર્તીઓની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે.
આપેશ્વર મહાદેવ અને દ્વારકાધીશ
અહીંના લોકો આપેશ્વર મહાદેવને દ્વારકાધીશ તરીકે પણ પૂજે છે. અહીંના મોટાભાગના લોકો ગુજરાતમાં આવેલા દ્વારકાધીશનાં દર્શન નથી કરી શકતા, તો અહીં આવેલા આપેશ્વર મહાદેવનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આપનાથ મહાદેવ સ્વયં દ્વારિકાધીશનું જ સ્વરૂપ છે. તેમના માટે આ મંદિર પણ દ્વારકાધીશનું જ મંદિર છે.
આપેશ્વર મહાદેવની મંદિરશૈલી
આ મંદિર સંપૂર્ણ રાજસ્થાની શૈલીમાં જોવા મળે છે. મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. મંદિરને દૂરથી જ જોતાં રાજસ્થાનના કિલ્લામાં જેવી કોતરણી જોવા મળે છે અદ્દલ તેવી જ કોતરણી જોવા મળે છે.