`રામચરિતમાનસ’ અંતર્ગત જે શિવદર્શન થયું છે, એમાં `અયોધ્યાકાંડ’ના આરંભમાં ગોસ્વામીજીએ મંગલાચરણના પ્રથમ મંત્રમાં શિવનું બાર પ્રકારનું દર્શન સ્થાપિત થયું છે.
યસ્યાકે ચ વિભાતિ ભૂધરસુતા
દેવાપગા મસ્તકે
ભાલે બાલબિધુર્ગલે ચ ગરલં
યસ્યોરસિ વ્યાલરાટ્
સોયં ભૂતિવિભૂષણ: સુરવર:
સર્વાધિપ: સર્વદા
શર્વ: સર્વગત: શિવ: શશિનભિ: શ્રીશંકર: પાતુમામ્.
એક મંત્રમાં બાર પ્રકારનાં ભિન્ન-ભિન્ન એવાં બધાં જ લક્ષણો છે. ભગવાન મહાદેવમાં તમે બહુ જ વિરોધાભાસ જોઈ શકશો. શિવમાં સમસ્તનો સમાવેશ છે. એમની પાસે સિદ્ધ પણ રહે છે અને ભૂત-પ્રેત પણ રહે છે. એમની આરાધના અસુર પણ કરે છે અને સુર પણ કરે છે. એ નંદીને પણ રાખે છે અને સિંહને પણ રાખે છે. બધો જ વિરોધાભાસ! એ હૃદયમાં રામનામનું અમૃત રાખે છે, તો ચંદ્રમાં જે અમૃત છે એને ધારણ કરે છે અને કંઠમાં વિષ પણ ધારણ કરે છે. પરમ ઐશ્વર્ય સંપન્ન હોવા છતાં એ ભસ્માંગ છે. આખાયે વિશ્વને ઢાંકનારા એ ખુદ દિગંબર છે. કાશી જેવા મહાનગરના નિવાસી કૈલાસના એકાંતવાસી પણ છે. એ ક્યારેક ક્યારેક પોતાના નંદીને વિમાન બનાવીને આકાશગમન કરે છે. એ પ્રલયન દેવ છે અને સૌની સ્થાપના પણ કરે છે. શિવમાં બહુ જ વિરોધાભાસ છે. શિવ પાસે પરસ્પર વિરોધી વસ્તુ સંયુક્ત થઈ જાય છે. શિવ સમસ્ત છે, સૌને સમન્વય છે.
આપણા શરીરમાં કેટલાં ભિન્ન-ભિન્ન આકારનાં અને ભિન્ન-ભિન્ન સ્વભાવનાં અંગો છે! શરીરનાં બધાં ભિન્ન પ્રવૃત્તિવાળાં અને ભિન્ન-ભિન્ન પ્રક્રિયાવાળાં અંગો એકબીજાના વિરોધી લાગવા છતાં પણ એકબીજાનાં હાર્મની છે. પગનું માપ જુઓ અને એની પ્રકૃતિ જુઓ. કટિભાગથી લઈને પગના તળિયા સુધી નાનાં-મોટાં કેટલાં બધાં હાડકાંઓ સંયુક્ત છે! હાથ એનાથી બિલકુલ વિપરીત લાગે છે, પરંતુ હાથ અને પગ પરસ્પર વિરોધી નથી. આંખનું કાર્યક્ષેત્ર જુદું છે, નાકનો આકાર અને કાર્યક્ષેત્ર જુદાં છે. કાન, જીભના આકાર અને કાર્યક્ષેત્ર જુદાં છે, પરંતુ એક જ મુખમાં એ સંયુક્ત છે અને એ બધાંનો સમન્વય વ્યક્તિને સુંદર બનાવે છે. એ દૃષ્ટિએ ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે.
આ મંત્રમાં ભિન્ન-ભિન્ન એવાં બાર પ્રકારનાં દર્શન છે, પરંતુ એક જ વિશ્વનાં આ જુદાં-જુદાં દર્શન છે. અહીં પણ પાઠભેદ છે. `રામચરિતમાનસ’નું થોડું પાઠાંતર પણ તમને મળશે. અહીં `યસ્યાકે’ છે, ક્યાંક લખ્યું છે, `વામૈકે’ તો ક્યાંક `વામાંગે’ લખ્યું છે. `માનસ’માં ત્રણ પાઠાંતર છે. બધાં પાઠાંતરનો એક સુંદર અર્થ છે ગોદ. `યસ્યાકે’ નો અર્થ થાય છે કે જેમની ગોદમાં ભૂધરસુતા પાર્વતી બિરાજમાન છે. બીજું `વામાંકે’. વામ એટલે કે ડાબું. પાર્વતી વામભાગના અંંગમાં બેઠાં છે. ત્રીજું છે. `વામાંગે’. ડાબી બાજુ અર્ધાંગિનીના રૂપમાં સદા શંભુ શિવ અર્ધાંગિની. ગીતાપ્રેસે આ પાઠ સર્વમાન્ય કર્યો છે. જેમની ગોદમાં ભૂધરસુતા શોભી રહી છે એ `માનસ’ અંતર્ગત શિવનું પહેલું દર્શન છે. તો મારી વ્યાસપીઠના મત મુજબ એક જ અર્થ છે કે પાર્વતી શિવ પાસે વામભાગમાં બિરાજિત છે. પાર્વતી એટલે કે શ્રદ્ધા. આપણી શ્રદ્ધા આપણી ગોદમાં હોવી જોઈએ. પત્ની હોવાને નાતે પાર્વતી વામભાગમાં છે. મતલબ કે વામભાગમાં હૃદય હોય છે. ભગવાન શંકરે પાર્વતીને હૃદયમાં સ્થાન આપ્યું છે. ટૂંકમાં પાર્વતી એટલે શ્રદ્ધા.
ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ
એ બિલકુલ શાસ્ત્રસંમત વાત થઈ. ગોસ્વામીજી આપણને માર્ગદર્શન આપે છે કે શ્રદ્ધા આપણા હૃદયમાં હોવી જોઈએ. બૌદ્ધિક શ્રદ્ધા નહીં, હાર્દિક શ્રદ્ધા. શ્રદ્ધાનું નિવાસસ્થાન બુદ્ધિમાં નથી. પાર્વતી હવે હાર્દિક થઈ ગઈ. જોકે, `ગીતા’માં રાજસી, તામસી અને સાત્ત્વિક એમ ત્રણ પ્રકારની શ્રદ્ધાની વાત કરવામાં આવી છે. એમાંથી ગોસ્વામીજી સાત્ત્વિક શ્રદ્ધાની વાત કરે છે.
સાત્ત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ,
જૌં હરિ કૃપા હૃદયં બસ આઈ
સાત્ત્વિક શ્રદ્ધારૂપી ગાયને હૃદયના ખીલે બાંધવી, બુદ્ધિના ખીલે નહીં. કોઈના હૃદયમાં તમે પૂર્ણ માત્રામાં વિશુદ્ધ મૌલિક શ્રદ્ધાનું દર્શન કરો તો સમજવું કે મારા માટે એ શિવદર્શન છે. જેમનામાં આપણી સાત્ત્વિક શ્રદ્ધાનું દર્શન થાય એ આપણા માટે શિવ છે.
શિવ છે વિશ્વાસ અને પાર્વતી છે શ્રદ્ધા. શ્રદ્ધાનું સ્થાન વિશ્વાસના દિલમાં હોવું જોઈએ. શ્રદ્ધારૂપી ગાય ભટકતી ન હોવી જોઈએ. વિશ્વાસમય શ્રદ્ધા હોવી જોઈએ. શંકરાચાર્ય ભગવાનને પૂછવામાં આવ્યું કે શ્રદ્ધા એટલે શું? તો એમણે કહ્યું કે ગુરુ અને વેદાંત વાક્યમાં વિશ્વાસ કરવો એ જ શ્રદ્ધા છે. વિશ્વાસના કેન્દ્રમાં શ્રદ્ધાને સ્થાપિત કરવી જોઈએ, કેમ કે શિવ વિશ્વાસ છે. આ તુલસીનું શિવદર્શન છે.
તુલસીનું શિવનું પહેલું દર્શન છે. `યસ્યાકે ચ વિભાતિ ભૂધરસુતા’, વામભાગ પર શ્રદ્ધાની સ્થાપના. એ છે પ્રથમ શિવદર્શન. `દેવાપગા મસ્તકે’ એ બીજું દર્શન છે. શિવજીના મસ્તક પર ગંગા વહે છે. ગંગાનો અર્થ `માનસ’માં ભક્તિ કરવામાં આવ્યો છે. એટલે જેમનું મસ્તિષ્ક ભક્તિથી ભર્યું હોય એ શિવદર્શનનું બીજું દર્શન છે. એમનું કેવળ બૌદ્ધિક મસ્તિષ્ક નહોતું. ભક્તિથી સભર મસ્તિક હતું.
`ભાલે બાલવિધુર’. જેમના ભાલમાં, લલાટમાં બાલચંદ્ર છે. એક એવો અર્થ પણ લઈ શકીએ કે જેમનું ભાલ તેજસ્વી છે, જેમના લલાટમાં તેજ છે અને એ સૌમ્ય તેજ છે. ચંદ્ર તેજસ્વી છે, પરંતુ સૌમ્ય છે. જેમનો પ્રભાવ દાહક ન હોય, શીતલ હોય. પૂર્ણચંદ્રમામાં દાગ હોઈ શકે છે, પરંતુ બીજના ચાંદમાં દાગ નથી હોતો. જેમના તેજમાં કોઈ કલંક ન હોય. એ સ્વયંપ્રભા છે, સ્વયં આભા છે અને તપ વિના તેજ નથી આવતું. એ તેજ તપનું છે. જેમના લલાટનું તેજ બીજના ચાંદનું હોય છે એમને સંસારનો કોઈ મોહરૂપી રાહુ ગ્રસી નથી શકતો. એવા તેજસ્વી વ્યક્તિ શિવરૂપ છે. `ગલે ચ ગરલં.’ જેમના કંઠમાં વિષ છે. શિવે જ્યારે વિષ પીધું ત્યારે પેટમાં અંદર ન ઉતાર્યું. વિષ પીધું હોત તો બળી જાત. વમન કર્યું હોત તો સામેવાળા બળી જાત. એટલા માટે મહાદેવે વિષ ન અંદર ઉતાર્યું કે ન એનું વમન કર્યું, પરંતુ કંઠમાં રાખ્યું.
`યસ્યોરસિ બ્યાલરાટ્.’ વક્ષસ્થલ પર સર્પરાજ બિરાજિત છે. છાતી પર સર્પ છે. કંઠમાં વિષ, છાતી પર વિષધર. એ શિવદર્શન છે. હવે છાતીમાં હૃદય રહે છે. અંદરથી કોઈ ધક્કો ન લાગે એટલા માટે શંકરે શ્રદ્ધાને હૃદયમાં અંદર રાખી અને સાપને હૃદય ઉપર રાખ્યા. જેમને ન અંદરનો એટેક આવે અને ન બહારનો એટેક આવે, એ શિવરૂપ સાધક છે.
`સોયં વિભૂષણ.’ જેમણે વિભૂતિને પોતાનું આભૂષણ બનાવ્યું છે. શરીર નાશવંત છે, એવો નિરંતર વિચાર કર્યા પછી પણ શરીરનો છેદ ન ઉડાડવો કે શરીરને નિમ્ન ન ગણવું, પરંતુ શરીરને વિભૂષિત કરવું. એ છે શિવતત્ત્વ.
આગળનું શિવનું દર્શન છે, `સુરવર:’. શંકર સુરશ્રેષ્ઠ છે. દેવ નહીં, મહાદેવ છે. `સર્વાધિપ:’ સર્વના અધિપતિ છે. `સર્વદા’, `શર્વ:’, શર્વનો અર્થ થાય છે વિનાશક. પાપનો નાશ કરનારા. સંતાપ, તાપ, કષ્ટ મિટાવનારા અથવા તો સૃષ્ટિના સંહારક. આગળનું શિવનું દર્શન છે, `સર્વગત:’ શિવ વ્યાપક છે, દરેક સ્થળે ફેલાયેલા છે. `શિવ:’ કલ્યાણકારી છે. `શશિનભ:’ શશિનભનો અર્થ છે કે જેમનો વર્ણ ચંદ્ર જેવો છે. `કર્પૂર ગૌરં.’ ચંદ્ર જેવું શરીર છે. `શ્રી શંકર: પાતુ મામ્.’ આ શિવદર્શન છે.