`ૐ’ પ્રથમ નામ પરમાત્માનું લઈને પછી `નમન’ શિવને કરીએ છીએ. `સત્યમ્, શિવમ્ અને સુંદરમ્’ જે સત્ય છે તે બ્રહ્મ છે. બ્રહ્મ એટલે જ પરમાત્મા. જે શિવ છે તે પરમ શુભ અને પવિત્ર આત્મ તત્ત્વ છે અને જે સુંદરમ છે તે જ પરમ પ્રકૃતિ છે અર્થાત્ પરમાત્મા, શિવ અને પાર્વતી સિવાય કંઈ પણ જાણવા યોગ્ય નથી. તેમને જાણવા અને તેમનામાં લીન થઈ જવું તે જ ધર્મનું મૂળ છે.
શિવનું સ્વરૂપ
શિવ યક્ષના સ્વરૂપને ધારણ કરે છે અને લાંબી લાંબી તથા સુંદર જટાઓ તેમની પાસે છે. જેમના હાથમાં `પિનાક’ ધનુષ્ય છે, જે સત્ સ્વરૂપ છે. અર્થાત્ સનાતન છે. તેમનું સ્વરૂપ દિવ્ય ગુણ સંપન્ન, ઉજ્જ્વળ સ્વરૂપ હોવા છતાં પણ દિગંબર છે. જે શિવે નાગરાજ વાસુકિનો હાર પહેર્યો છે, વેદ તેમની બાર રુદ્રોમાં ગણના કરે છે. પુરાણ તેમને શંકર અને મહેશ કહે છે.
શિવજીનો નિવાસ
તિબેટસ્થિત કૈલાસ પર્વત પર શરૂઆતમાં તેમનું નિવાસસ્થાન હતું. વિજ્ઞાનીઓ-સંશોધકો અનુસાર તિબેટ ધરતીની સૌથી પ્રાચીન ભૂમિ છે અને પુરાતનકાળમાં તેની ચારે બાજુ દરિયો હતો. પછી જ્યારે સમુદ્ર ત્યાંથી દૂર થયો પછી અન્ય ધરતી પ્રગટ થઈ. જ્યાં શિવ બિરાજમાન છે, બરાબર તે જ પર્વતની નીચે પાતાળલોક છે, જે ભગવાન વિષ્ણુનું સ્થાન છે. શિવના આસન ઉપર વાયુમંડળની પાર ક્રમશઃ સ્વર્ગલોક અને પછી બ્રહ્મલોક આવેલો છે તેમ પુરાણોમાં જણાવાયું છે.
શિવભક્ત
બ્રહ્મા, વિષ્ણુ સહિત બધા જ દેવતાઓ સહિત ભગવાન રામ અને કૃષ્ણ પણ શિવભક્ત છે. હરિવંશ પુરાણ અનુસાર કૈલાસ પર્વત પર ભગવાન કૃષ્ણે શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી. ભગવાન શ્રીરામે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરીને તેમની પૂજા-અર્ચના કરી હતી.
શિવપર્વ
મહાશિવરાત્રિ એ હિન્દુઓનો પરમ પવિત્ર તહેવાર છે. આ ભગવાન શિવનું પ્રિય પર્વ છે. ફાગણ વદ ચૌદશના દિવસે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ જ દિવસે મધ્ય રાત્રિએ ભગવાન શંકરનું રુદ્ર સ્વરૂપે અવતરણ થયું. પ્રલયના સમયે આ જ દિવસે પ્રદોષમાં ભગવાન શિવ તાંડવ કરતાં કરતાં બ્રહ્માંડને પોતાના ત્રીજા નેત્રની જ્વાળાથી સમાપ્ત કરી નાખે છે. આથી તેને શિવરાત્રિ કે કાલરાત્રિ કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકરના વિવાહ થયા હતા. બાર માસમાં શિવજીને શ્રાવણ માસ પ્રિય છે. આખા શ્રાવણ મહિના દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. વ્રત રાખ્યા બાદ આ પર્વને ભાવભેર ઊજવવામાં આવે છે. જોકે, આ પર્વની ઉજવણીના કેટલાક નિયમ છે.
શિવપરિવાર
શિવની અર્ધાંગિનીનું નામ પાર્વતી છે. તેમના બે પુત્ર છે – સ્કન્દ અને ગણેશ. સ્કંદને કાર્તિકેયના નામથી પણ ઓળખવામાં આવે છે. સતયુગના રાજા દક્ષની પુત્રી પાર્વતીને સતી પણ કહેવામાં આવે છે. તેમનું નામ પાર્વતી એટલા માટે પડ્યું, કારણ કે તે પર્વતરાજ એટલે કે પર્વતોના રાજાની પુત્રી હતાં. તેઓ રાજકુમારી હતાં, પરંતુ તે શરીરે ભસ્મ લગાવેલ યોગી શિવને પોતાના પતિ બનાવવા ઇચ્છતાં હતાં. શિવને કારણે જ તેમનું નામ શક્તિ થઈ ગયું. પોતાના પિતાની ઇચ્છા વિરુદ્ધ તેમણે હિમાલયના પર્વતીય વિસ્તારમાં રહેવાવાળા યોગી શિવ સાથે વિવાહ કર્યા.
અમરનાથનાં અમૃતવચન
શિવજીએ પોતાની અર્ધાંગિની પાર્વતીને મોક્ષ માટે અમરનાથની ગુફામાં જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનની આજે અનેકાનેક શાખાઓ બની છે. તે જ્ઞાનયોગ અને તંત્રોના મૂળ રૂપમાં સમાયેલ છે. `વિજ્ઞાન ભૈરવ તંત્ર’ એક એવો ગ્રંથ છે, જેમાં ભગવાન શિવ દ્વારા પ્રાર્વતીજીને જણાવેલાં 112 ધ્યાનસૂત્રોનું સંકલન છે.
શિવગ્રંથ
વેદ અને ઉપનિષદ સહિત વિજ્ઞાન ભૈરવ તંત્ર, શિવપુરાણ અને શિવસંહિતામાં શિવજીની સંપૂર્ણ શિક્ષા અને દીક્ષા સમાયેલી છે. તંત્રના અનેક ગ્રંથોમાં તેમની શિક્ષાનો વિસ્તાર થયો છે. મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલું શિવપુરાણ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. આ ગ્રંથમાં ભગવાન શિવની ભક્તિનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તેમાં શિવ અવતાર વગેરે વિસ્તારથી લખેલા છે.
જ્યોતિર્લિંગ
જ્યોતિર્લિંગની ઉત્પત્તિ સાથે સંકળાયેલી અનેક માન્યતાઓ પ્રચલિત છે. જ્યોતિર્લિંગ એટલે વ્યાપક બ્રહ્માત્મલિંગ જેનો અર્થ છે `વ્યાપક પ્રકાશ’. જે શિવલિંગના બાર ખંડ છે. શિવપુરાણ અનુસાર બ્રહ્મ, માયા, જીવ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, દળ અને પૃથ્વીને જ્યોતિર્લિંગ અથવા પિંડ કહેવામાં આવ્યા છે.
શિવચિહ્ન
વનવાસીથી લઈને બધા જ સાધારણ માણસો જે ચિહ્નની પૂજા કરી શકે તેવા પથ્થરને શિવજીનું ચિહ્ન માનવામાં આવે છે. આ સિવાય રુદ્રાક્ષ અને ત્રિશૂળને પણ શિવનું ચિહ્ન માનવામાં આવે છે. કેટલાક લોકો ડમરુ અને અર્ધ ચંદ્રને પણ શિવનું ચિહ્ન માને છે.
શિવપાર્ષદ
બાણ, રાવણ, ચંડ, નંદી, ભૃંગી, વગેરે શિવપાર્ષદ છે.
શિવગણ
ભૈરવ, વીરભદ્ર, મણિભદ્ર, ચંદિસ, નંદી, શ્રુંગી, ભૃગિરિટી, શૈલ, ગોકર્ણ, ઘંટાકર્ણ, જય અને વિજય. આ સિવાય પિશાચ, દૈત્ય અને નાગ-નાગણ, પશુઓને પણ શિવના ગણ માનવામાં આવે છે.
શિવના દ્વારપાળ
નંદી, સ્કંદ, રિટિ, ભૃંગી, ગણેશ, ઉમામહેશ્વર અને મહાકાલ.
શિવ પંચાયત
સૂર્ય, ગણપતિ, દેવી, રુદ્ર અને વિષ્ણુને શિવપંચાયત કહેવાય છે.
શિવલિંગ
વાયુપુરાણ અનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે, તેને લિંગ કહે છે. આ રીતે વિશ્વની સંપૂર્ણ ઊર્જા જ લિંગનું પ્રતીક છે. તે સંપૂર્ણ બિંદુ-નાદ સ્વરૂપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ. તેઓ જ બધાનો આધાર છે. બિંદુ તથા નાદ અર્થાત્ શક્તિ અને શિવનું સંયુક્ત રૂપ જ શિવલિંગમાં અવસ્થિત છે. બિંદુ એટલે ઊર્જા અને નાદ એટલે ધ્વનિ. આ જ બંને સંપૂર્ણ બ્રહ્માંડના આધાર છે. આ જ કારણે પ્રતીક સ્વરૂપ શિવલિંગની પૂજા-અર્ચના કરવામાં આવે છે.